Abtak Media Google News

સુખી સંપન્ન વેપારીઓને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાનું ષડયંત્ર રચી મોટી રકમ ખંખેરતી મહિલા પીઆઇ ગીતા પઠાણની ગેંગમાં સામે સુરેન્દ્રનગર પંથકની વધુ એક મહિલાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગીતા પઠાણ વાયરસ ગામડા સુધી ફેલાયુ હોય તેમ ગીતા પઠાણના વતની યુવતીને મોટી રકમનું ઉઘરાણું કરી આપતી હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપનો પર્દાફાસ કરી અમદાવાદ મહિલા પોલીસ મથકના તત્કાલિન પીઆઇ ગીતા પઠાણ, જીતેન્દ્ર નાથાલાલ મોદી, બીપીન સના પરમાર, ઉન્નતી ઉર્ફે રાધિકા રાજપૂત અને જીનલ ઉર્ફે જાનવી પઢીયારની ધરપકડ રિમાન્ડ પર મેળવી કરેલી પૂછપરછમાં ગીતા પઠાણ દ્વારા કંઇ રીતે હનીટ્રેપકાંડ ઉભુ કરવામાં આવતું તે અંગેની ચોકાવનારી વિગતોનો ઘટ્ટસ્ફોટ થયો હતો.

ગીતા પઠાણ સુખી સંપન્ન જણાતા વેપારીને ટારગેટ બનાવી તેનો મોબાઇલ નંબર મેળવી પોતાની ગેંગની જાનવી અને રાધિકાને આપતી દેતી બંને યુવતીઓ વેપારીનો મોબાઇલમાં સંપર્ક કરી એકાંત માણવાની ઓફર કરી બોલાવ્યા બાદ તેના વિરૂધ્ધમાં મહિલા પોલીસ મથકમાં અરજી આપવામાં આવે ત્યારે પી.આઇ. ગીતા પઠાણ અરજીની તપાસના બહાને વેપારીને બોલાવી બારોબાર સમાધાન કરાવી દેવાના બદલામાં મોટી રકમ ખંખેરવામાં આવતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડ પર રહેલા શખ્સોની પૂછપરછમાં મુળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ચાણપર ગામની વતની અને હાલ અમદાવાદ નારોલ વિસ્તારમાં રહેતી અમરબેન ઉર્ફે અમર મોહન સોલંકીની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરી છે. અમર સોલંકી વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી સમાધાન નહી કરો તો બળાત્કારના ગંભીર ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી દેતી હોવાથી ગભરાયેલા વેપારીઓ ખોટા કેસમાં જેલ હવાલે થવાનું અને આબરૂ જવાની બીકે અમર સોલંકીને મોટી રકમ આપી દેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અમર સોલંકીએ અમદાવાદના પાંચ વેપારી પાસેથી મોટી રકમ પડાવ્યાની કબુલાત આપી છે. 2014માં અમર સોલંકી સામે અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ મથકમાં છેતરપિંડી અને પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધાતા તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

હનીટ્રેપકાંડની સુત્રધાર ગીતા પઠાણના જામીન રદ

હનીટ્રેપકાંડની સુત્રધાર મહિલા પી.આઇ. ગીતા પઠાણની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રૂા.26 લાખની રોકડ સાથે ધરપકડ કરી રિમાન્ડ પર મેળવ્યા બાદ તેને જામીન પર છુટવા કરેલી અરજી અદાલતે નામંજુર કરી છે. ગીતા પઠાણે હનીટ્રેપમાં વેપારઓને ફસાવવા માટે ગેંગ બનાવી અનેક વેપારીઓને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી મોટી રકમ ખંખેરી લીધા અંગેનું પોલીસે કોર્ટમાં રજુ કરેલા સોગંદનામાના આધારે અદાલતે જામીન પર છુટવાની અરજી નામંજુર કરી છે. જ્યારે પી.એસ.આઇ. જે.કે.બ્રહ્મભટ્ટ અને હેડ કોન્સ્ટેબલ શારદા ખાંટે આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.