Abtak Media Google News

અબતક, રાજકોટઃ સીબીઆઇ એક એવી એજન્સી છે જેના પર અવાર નવાર સત્તારૂઢ સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરી માટે ગેરઉપયોગ થતો હોવાના આક્ષેપો લાગતા રહ્યાં છે. એટલું જ નહીં ઘણા લોકો તેને પિંજરામાં બંધ પોપટની પણ ઉપમા આપે છે. કેન્દ્ર હસ્તકની આ એજન્સીની લોકોમાં એવી છબી બની ગઇ છે કે તે સરકારની હામાં હા અને નામાં ના મેળવે છે. સીબીઆઇની જેટલી ચર્ચા થાય છે તેના જેટલી જ ચર્ચા સીબીઆઇના અધ્યક્ષની પણ થતી રહે છે. નવા અધ્યક્ષની પસંદગીની કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા એન.વી. રમણા અને કોંગ્રેસ લોકસભા વિરોધપક્ષના નેતા અધિર રંજન ચૌધરી વચ્ચે વડાપ્રધાન આવાસ ખાતે બેઠક મળી હતી. અંદાજે 90 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં મહારાષ્ટ્ર કેડરના આઇપીએસ અધિકારી સુબોધ જયશ્વાલના નામ પર મહોર લગાવવામાં આવી હતી. ત્યારે કોણ છે સુબોધ જયશ્વાલ અને તેમના નામની જાહેરાત થયા બાદ કેમ સવાલો ઉઠી રહ્યાં છે ?

સુબોધ જયશ્વાલના નામની જાહેરાય થયા બાદ રાજકીય લોકો તથા ખાસ કરીને પોલીસકર્મીઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ પાછળનું કારણ છે સુબોધ જયશ્વાલની તટસ્થ છબી છે. ઘણા લોકોએ ત્યાં સુધી કહી દીધું છે કે કદાચ સુબોધ CBIના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પણ પુરો કરી શકશે નહીં. કહેવાય છે કે સુબોધ જયશ્વાલની છબી એવી છે કે તેઓ કોઇ રાજકારણીનું સાંભળવું કે દબાણમાં આવ્યા વગર કાયદા પ્રમાણે કામ કરનારા છે. સુબોધ જયશ્વાલ 1985ની બેંચના IPS અધિકારી છે અને તેઓએ ભુતકાળમાં મુંબઇના પોલીસ કમિશનર અને મહારાષ્ટ્રના ડીજીપી પણ રહી ચૂક્યા છે.

Cbi
નવા CBI અધ્યક્ષ સુબોધ વિશે ઘણા લોકોને એક ખબર નહીં હોય એ છે 90ના દશકોમાં તેઓએ કરેલી કેટલીક નોંધપાત્ર કામગીરી. સુબોધ જયશ્વાલની કહાનીની શરૂઆત થાય છે તેલગી કૌભાંડથી. આ એજ કૌભાંડ છે જેમાં મુંબઇ પોલીસન કમિશનરથી લઇને કોન્સ્ટેબલ સુધી બધાની ધરપકડ થઇ હતી. આ તમામ પોલીસકર્મીઓની ધરપકડ થાય એ માટે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ કરી હતી એ ટીમના ખાસ સભ્ય હતા સુબોધ જયશ્વાલ. સુબોધ જયશ્વાલે જ તેલગી કૌભાંડની પ્રાથમિક તપાસ કરી સરકારમાં રિપોર્ટ જમા કરાવ્યો હતો.

સરકારમાં જમા કરાવેલા રિપોર્ટમાં સુબોધ જયશ્વાલે કોઇના દબાણમાં આવ્યા વગર એવી વાત કરી હતી કે ખોટા સ્ટેમ્પ પેપર છાપવાના કરોડો રૂપિયાનું રેકટ ચલાવનારા અબ્દુલ કરીમ તેલગી પાસેથી મહારાષ્ટ્ર પોલીસના અધિકારીઓએ લાંચ લીધી હતી. પોલીસ માટે સોનાનું ઇંડુ આપતી મુરઘી હતી. એટલું જ નહીં આરોપી તેલગીને જેલમાં સુવિધાઓ આપવાના નામ પર અને તેના પરિવારજનોની ધરપકડ ન કરવા માટે બ્લેકમેલ કરવામાં આવતો હતો અને તેની પાસેથી મોટા પ્રમાણમાં રૂપિયા પડાવવામાં આવતા હતા.

Cbi Head
તેલગી કૌભાંડની તપાસના છેડા એનસીપીના ટોચના નેતા છગન ભુજબળ અને તેના ભત્રીજા સમીર ભુજબળના ગળા સુધી પહોંચ્યા હતા. પરંતુ વર્ષ 2004માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન થઇ ગયું. વાજપેયીની એનડીએ સરકારની જગ્યાએ મનમોહન સિંહની યુપીએ સરકાર આવી ગઇ. જેવી સરકાર બદલાઇ કે તેલગી કૌભાંડની તપાસ એસઆઇટી પાસેથી છલવી લેવામાં આવી અને CBIને સોંપી દેવામાં આવી હતી.

હવે તેલગી કૌભાંડે રાજકીય સ્વરૂપ ધારણ કરી રાષ્ટ્રીય લેવલે ચર્ચા બની ગયું હતું પરંતુ સ્થાનિક લેવલે સુબોધ જયશ્વાલ મહારાષ્ટ્રમાં પોતાના જ સાથી કર્મીઓની નજરમાં આવી ગયા. પોલીસબેડામાં એકરીતે સુબોધનો બહિષ્કાર જ થઇ ગયો જેમ કે સાથી કર્મીઓએ તેમની સાથેનો વ્યવહાર કટ કરી નાખ્યો તો અન્ય કાર્યક્રમમો બોલાવવાનું પણ બંધ કરી દીધું.

સુબોધ જયશ્વાલ ભલે થોડા સમય માટે મુંબઇ પોલીસ કમિશનર રહ્યાં હોય પરંતુ તેમના કરિયરના મોટાભાગના પોસ્ટિંગ એવી જગ્યાએ થયા હતા જે જગ્યાને પોલીસબેડામાં પનિશમેન્ટ પોસ્ટિંગ માનવામાં આવે છે. જેમ કે રાજ્ય આરક્ષિત પોલીસ અને નક્સલ પ્રભાવિત વિસ્તાર ગઢચિરોલીમાં. તેલગી કૌભાંડ પર પુસ્તક લખનારા વરિષ્ઠ પત્રકાર સંજય સિંહે સુબોધ જયશ્વાલ અંગે લખ્યું કે તેઓ અવ્વલ દરજ્જાના અડિયલ અને જીદ્દી વ્યક્તિ છે.

Cbi 1
સુબોધ જયશ્વાલ અને રાજનેતાઓ વચ્ચે ક્યારે મિત્રતા થઇ ન હોવાનું કહેવામાં આવે છે. આજ કારણે સુબોધ મહારાષ્ટ્રના ડીજીપી તરીકે વધુ સમય રહ્યાં નહીં. એવું પણ કહેવામાં આવે છે કે ઠાકરે સરકાર તરફથી તેમના પર અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું તેનાથી તેઓ પરેશાન હતા આથી જ તેઓએ કેન્દ્રીય એજન્સી CBIમાં પોતાનું ડેપ્યુટેશન માગી લીધું.

કોણ નક્કી કરે છે CBIના નવા અધ્યક્ષ ?

રિષી કુમાર શુકલા નિવૃત થતા CBIના અધ્યક્ષની જગ્યા ખાલી થઇ હતી. ત્યારબાદ હાલમાં જ વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની કમિટી દ્વારા નવા અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે. આ કમિટીમાં વડાપ્રધાન, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા અને લોકસભાના વિરોધપક્ષના નેતાનો સમાવેશ થાય છે. આ વખતે સીબીઆઇના નવા અધ્યક્ષની પસંદગીની કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા એન.વી. રમણા અને કોંગ્રેસ લોકસભા વિરોધપક્ષના નેતા અધિર રંજન ચૌધરી વચ્ચે વડાપ્રધાન આવાસ ખાતે બેઠક મળી હતી. અંદાજે 90 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં મહારાષ્ટ્ર કેડરના આઇપીએસ અધિકારી સુબોધ જયશ્વાલના નામ પર મહોર લગાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.