Abtak Media Google News
  • જોરાવરનગરના યુવાનનું ઓસ્ટ્રેલિયાના બીચ પર ડૂબી જતાં નીપજ્યું’તું મોત

સુરેન્દ્રનગર શહેરના જોરાવનગર ખાતે રહેતા યુવાનનું વિદેશ અભ્યાસ દરમિયાન તળાવમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. ત્યારે મૃતદેહને વિદેશથી અમદાવાદ એરપોર્ટ પર બાઈ પ્લેન મોકલવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર આવેલી લાશને સ્પેરપાર્ટ સમજી અન્યને સોંપી દેવામાં આવી હોય તેવી બેદરકારી સામે આવી છે. ટેમ્પોમાં મૃતદેહ નાખી હોટલ પાછળની બિલ્ડિંગમાં પહોંચાડી દેવાતા વ્હાલસોયા દીકરાનું મોઢું જોવા માટે પિતા પાછળ પાછળ દોડતા રહ્યા હતા.

સામાન્ય રીતે કોઈ નાની-મોટી વસ્તુની ડિલિવરી એક એડ્રેસના બદલે બીજા એડ્રેસ પર પહોંચી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ કોઈની લાશ પરિવારના બદલે અન્ય પાસે પહોંચી જાય તેવી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ પ્રકારનો છબરડો અમદાવાદ એરપોર્ટ પર થયો હતો. આ ઘટના બનતા મૃતકના પિતાએ એરપોર્ટની ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. ભારે વિવાદ થતાં સ્પેરપાર્ટ સમજી મૃતદેહને જે જગ્યાએ મોકલી દેવામાં હતી ત્યાંથી પરત મંગાવી અને પરિવારને સોંપવામાં આવી હતી. ત્યારે ભારે ઓરેરાટીના દ્રશ્યો સામે આવ્યા હતા.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઓસ્ટ્રેલિયાથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જોરાવરનગરના યુવકની લાશ હતી. આ યુવકની લાશ અને તેના પરિવારની ખરાઈ કર્યા વિના કોઈ ત્રીજા વ્યક્તિને સોંપી દેવાતા યુવકનાં પરિવારજનોએ આ મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર ઝીલ ખોખરા નામનો યુવાન અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયો હતો. દરમિયાન ઓસ્ટ્રેલિયા ના વિક્ટોરિયા બીચ પર ગત 17 માર્ચના રોજ નાહવા પડતા યુવાન તણાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. મોત નીપજ્યાના 10 દિવસ બાદ યુવાનનો મૃતદેહ અમદાવાદ ફ્લાઇટ મારફત પહોંચ્યો હતો. જે મૃતદેહને સ્પેરપાર્ટ સમજી ડિલિવરી અન્ય સ્થળે કરી દેવામાં આવી હતી.

મુંબઈની કંપનીના સ્પેરપાર્ટ્સ સમજી અજાણી વ્યક્તિને લાશ સોંપી દેવાઈ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દરરોજ 240 જેટલી ફ્લાઇટની અવરજવર રહે છે. તેની સાથે સાથે કાર્ગો ફ્લાઇટની પણ મોટા પ્રમાણમાં અવરજવર રહે છે. ત્યારે 27 માર્ચ, 2024ના રોજ ઓસ્ટ્રેલિયાથી આવેલી એર ઈન્ડિયાની કાર્ગો ફ્લાઈટમાં સુરેન્દ્રનગરના ઝીલ ખોખરા નામના યુવકની લાશ હતી. આ ડેડબોડી લેવા માટે તેમના પરિવારજનો પણ એરપોર્ટ પર આવી ગયાં હતાં પરંતુ તેઓ જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે જાણ થઈ કે, ઝીલની ડેડબોડી મુંબઈની કોઈ કંપનીના સ્પેરપાર્ટ સમજીને અજાણી વ્યક્તિને સોંપી દેવામાં આવી છે. જો કે હદ તો ત્યાં થઈ કે કોફીનમાં પેક કરેલી ડેડબોડી પર મોકલનાર જે.બી. ડાયલ્સ ફ્યુનરલ્સ લખ્યું હોવા છતાં આ ગંભીર ભૂલ કરવામાં આવી હતી. મૃતકનાં પરિવારજનોએ ડીજીસીએ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ આ બાબતે કડક પગલાં લેવા માંગ કરી છે.

વિક્ટોરિયા બીચ પર ન્હાવા ગયા અને તણાઈ જતાં મોત

મૂળ સુરેન્દ્રનગરના વતની ઝીલ ખોખરા ગત 17 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા બીચ પર નાહવા માટે ગયો હતો. તેની સાથે બે અન્ય વ્યક્તિ પણ હતા. તેઓ જ્યારે સ્વિમિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તણાવાને કારણે ડૂબી ગયા હતા. ત્રણેયને બ્રાયના હર્સ્ટ નામની મહિલા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમયે તેઓ બેભાન હાલતમાં હતા. જેમાંથી ઝીલનું મોત થઈ ચૂક્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઝીલ ખોખરા મે, 2023માં ઓસ્ટ્રેલિયા ગયો હતો. તે મેલબોર્નમાં આવેલી લા ટ્રોબે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો.

સીસીટીવીમાં ડેડબોડી લઈ જતો ટેમ્પો દેખાયો

મૃતકનાં પરિવારજનો દ્વારા એરપોર્ટ સમક્ષ ઝીલની ડેડબોડી સ્વીકારવા આવ્યા હોવાનું જણાવ્યું ત્યારે એરપોર્ટ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમના પુત્રની લાશ અન્ય કોઈ સ્થળ પર પહોંચી ગઈ છે. ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી અને પરિવારજનો દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. આ સીસીટીવીમાં કોઈ લોડિંગ ટેમ્પોમાં મુંબઈની કંપનીના સ્પેરપાર્ટ્સ સમજીને ડેડબોડી મૂકી દેવામાં આવી હતી. ત્યારબાદ આ ટેમ્પો અમદાવાદની જાણીતી હોટલની પાછળ આવેલી કોર્પોરેટ બિલ્ડિંગમાં પહોંચ્યો હતો અને ત્યાં ડેડબોડીને પેક કરીને મૂકવામાં આવી હોવાની સમગ્ર બાબતની જાણકારી મળતાં પરિવારજનો દ્વારા તે સ્થળ પર પહોચીને લાશ સ્વીકારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.