Abtak Media Google News

નાના ઉધોગોનાં બાકી રહેતા કરોડો રૂપિયાની સરકારે કરી ચુકવણી: સરકાર લઘુ અને મધ્યમ ઉધોગોમાં ‘ઈકવીટી’ને આપશે સ્થાન

દેશના ઉધોગોની કરોડરજુ સમાન લઘુ અને મધ્યમ ઉધોગોને વધુને વધુ વિકસિત કરવા માટે સરકાર અનેકવિધ પ્રયત્નો હાથધરી રહ્યું છે ત્યારે હવે જાણે કોરોનાના દિવસો પુરા થઈ ગયા હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે. પરીણામરૂપે માત્ર બે જ માસમાં લઘુ અને મધ્યમ ઉધોગો માટે ૩ લાખ લોકોએ  ઉડ્ડયન પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લઘુ અને મધ્યમ ઉધોગોનાં સચિવ એ.કે.શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દિન-પ્રતિદિન ઉધોગો સ્થાપિત કરવા માટે લોકો રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને સરકાર દ્વારા જે ઉડ્ડયન નામક પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેમાં નિ:શુલ્ક રજીસ્ટ્રેશન થઈ શકે છે. આ પૂર્વે ઈન્ટરનેટ ઉપર ઘણીખરી ફેક વેબસાઈટો ઉધોગો સ્થાપવા માટે જોવા મળતી હતી પરંતુ સરકારના આ વિકાસલક્ષી પગલાને લઈ એ તમામ વેબસાઈટો ઉપર પૂર્ણવિરામ મુકવામાં આવ્યો છે.

એમએસએમઈ ક્ષેત્રને વધુને વધુ વિકસિત કરવા માટે સરકાર દ્વારા ઈકવીટીને પ્રાધાન્ય આપી ફંડ ઓફ ફંડ સ્કીમને અમલી બનાવી છે જેમાં નવા ઉધોગપતિઓને ખુબ સારો સહકાર મળી શકશે. સરકાર અને નાણા મંત્રાલયનું માનવું છે કે, લઘુ અને મધ્યમ ઉધોગો માટે સરકાર ૫૦ હજાર કરોડનું ઈકવીટી થકી રોકાણ કરશે જેનાથી ઉધોગ સાહસિકોને આર્થિક રીતે લાભ મળવાપાત્ર રહેશે. બીજી તરફ ફંડ ઓફ ફંડ સ્કિમ હેઠળ નાણા મંત્રાલય ૧૦ હજાર કરોડ રૂપિયાનું કોરપઝ ફંડ પણ ઉભુ કરશે. લઘુ અને મધ્યમ ઉધોગોને છેલ્લા ઘણા સમયથી એ ચિંતા સતાવતી હતી કે, છેલ્લા ઘણા વર્ષોથી લઘુ અને મધ્યમ ઉધોગોએ સરકાર પાસેથી હજારો કરોડ રૂપિયાના નાણા લેવાના બાકી હતા જે અંગેની ચુકવણી સરકાર દ્વારા હાલ કરવામાં આવી છે. આ નાણા મળતાની સાથે જ લઘુ અને મધ્યમ ઉધોગો ફરી વિકસિત થઈ શકયા છે. નવા રજીસ્ટ્રેશન થતાની સાથે જ ઉધોગો માટેની વિશાળ તકો પણ ઉભી થઈ છે ત્યારે સરકાર જો યોગ્ય રીતે આ અંગે વિચારણા કરે તો ઉધોગ સાહસિકોને મહતમ લાભ મળી શકશે.

લઘુ અને મધ્યમ ઉધોગો દેશના અર્થતંત્ર માટે કરોડરજુ સમાન છે. કોવિડ પહેલાની સ્થિતિમાં પણ તરલતાના અભાવે આ ઉધોગોને ઘણી માઠી અસરનો સામનો કરવો પડયો હતો ત્યારબાદ કોરોના આવતા જ મહદઅંશે લઘુ અને મધ્યમ ઉધોગો બંધ પણ થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાની સાથે જ સરકારે આ ઉધોગોને વધુને વધુ કેવી રીતે વિકસિત કરી શકાય તે દિશામાં હાલ ચર્ચા અને વિચારણા કરવામાં આવી રહી છે. મોટા ઉધોગોની સાથો સાથ સરકાર નાના ઉધોગોને પણ પ્રોત્સાહિત કરવા માટે અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ બનાવી રહી છે. સરકારનાં ૨૦ લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજમાં મહતમ એમએસએમઈ ક્ષેત્રને લાભ મળ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાણા મંત્રાલય દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, પહેલા ઉધોગ સાહસિકો કે જે ઉધોગો સ્થાપવા માંગતા હોય તેઓએ રજીસ્ટ્રેશન કરતી વખતે ફીની ચુકવણી પણ કરવી પડતી હતી પરંતુ સરકારના ઉડ્ડયન પોર્ટલમાં ઉધોગ સાહસિકો રજીસ્ટ્રેશન નિ:શુલ્ક કરી રહ્યા છે અને ઉધોગ સ્થાપવા માટે આગળ પણ આવી રહ્યા છે. પરીણામરૂપે તે દેશની અર્થવ્યવસ્થામાં મજબુતી આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.