Abtak Media Google News

અત્યાર સુધીના ટ્રેન્ડ તેમજ સ્થિતિના અભ્યાસ બાદ સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી

એકાદ મહિના સુધી કોરોનાનું સંક્રમણ ખૂબ પ્રસરશે, હવે બેદરકારી ભારે પડી શકે તેમ છે

સમગ્ર દેશમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કોરોનાના કેસના આંકડા દરરોજ નવો વિક્રમ સર્જી રહ્યા છે. ત્યારે હજુ આગામી 4 અઠવાડિયા કોરોના પુરઝડપે પ્રસરવાનો હોય તેવુ સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું છે. વધુમાં સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સાવચેત રહેવા અને તમામ પ્રકારની તકેદારી રાખવા પણ અપીલ કરી છે.

દેશમાં કોરોનાની બીજી લહેરની સ્થિતિને લઇને આરોગ્ય વિભાગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. વધતાં જતા કેસ સ્વાસ્થ મંત્રાલયે ચેતવણી આપી છે કે દેશમાં આગામી ચાર અઠવાડિયાનો સમય સૌથી ગંભીર અને ડરાવનારો હશે. એવામાં સંક્રમણને લઇને લોકોની બેદરકારી ભારે પડી શકે છે. દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર પર કાબૂ મેળવવા માટે નાગરિકોની ભાગીદારી મહત્વની છે.

દેશમાં સંક્રમણના વધતા કેસ અને રસીકરણ અંગે માહિતી યોજાયેલી પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં કુલ કેસમાંથી 92 ટકા કેસ રિકવર થઇ ગયા છે. જ્યારે 1.3 ટકા મૃત્યુઆંક છે. કુલ કેસના 6 ટકા હિસ્સો નવા કેસ છે. પરંતુ સૌથી પ્રભાવિત મહારાષ્ટ્ર ચિંતાનો વિષય બની ચૂક્યુ છે, કારણ કે અહીં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 6 ટકાથી વધીને 24 ટકા પર પહોંચી ગયું છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રના સાત જિલ્લાઓમાં છે અને દેશના કુલ કેસના આશરે 58 ટકા કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કોવિડને લીધે મૃત્યુનું પ્રમાણ પણ સૌથી વધુ 34 ટકા છે.

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે દેશના અન્ય રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા કહ્યું કે છત્તીસગઢમાં સ્થિતિ ગંભીર બની રહી છે. નાનુ રાજ્ય હોવા છતાં દેશના કુલ કેસના 6 ટકા કેસ છત્તીસગઢમાં છે. સ્વાસ્થ મંત્રાલય મુજબ પંજાબમાં પણ સ્થિતિ બેકાબૂ બની ચૂકી છે. કારણ કે દેશના કુલ કેસના 4 ટકા કેસ પંજાબમાં છે. જોકે પંજાબમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ ઉચું હોવાથી રાહત છે. આ સિવાય દિલ્હી, હરિયાણા, કર્ણાટકમાં કેસ વધી રહ્યા છે. સ્વાસ્થ મંત્રાલયએ (અનુ. આઠમા પાને)

જણાવ્યું કે કેન્દ્રએ મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં 15 ઉચ્ચસ્ચરીય મલ્ટી ડિસિપ્લિનરી આરોગ્ય ટીમો તૈનાત કરી છે.

આ દરમિયાન આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે દેશમાં બધા માટે રસીની ઉઠી રહેલી માંગ પર સ્પષ્ટતા આપી હતી કે, દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના બે ઉદેશ્ય છે, મૃત્યુને રોકવુ અને આરોગ્ય સેવા પદ્ધતિની રક્ષા કરવી. રસીકરણનો હેતુ એવા લોકોને રસી આપવાનો નથી જેઓ રસી માંગી રહ્યા છે, પરંતુ જે લોકોને રસીની ખરેખર જરુર છે, તેઓને રસી આપવાનો છે. સરકારી આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી 8.31 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલનું કહેવુ હતું કે દેશમાં મહામારીનો પ્રભાવ વધી ગયો છે. ચેતવણી આપતાં પણ સ્થિતિને ધ્યાનમાં રાખવામાં આવી નથી. જેના લીધે સ્થિતિ ગંભીર બની ચૂકી છે અને આગળની લહેરની સરખામણીએ કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.

દેશમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.15 લાખ કેસો નોંધાયા

દેશમાં એક જ દિવસમાં 1.15 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે 4 એપ્રિલના રોજ મળેલા 1.03 લાખ દર્દીઓનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. 59,700 દર્દીઓ સ્વસ્થ થયા અને 630 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, આ રીતે, એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 24 કલાકમાં રેકોર્ડ 54,795નો વધારો થયો છે. અગાઉ, 4 એપ્રિલના રોજ, 50,438 એક્ટિવ કેસ હતા. ત્યારે તે સૌથી વધુ હતા.નવા કેસમાં દરરોજની જેમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 55,469 પોઝિટિવ મળી આવ્યા છે. 9,921 નવા દર્દીઓ સાથે છત્તીસગઢ બીજા સ્થાને છે. બંને રાજ્યો કુલ એક્ટિવ કેસમાં પણ ટોપ-2 માં છે. મહારાષ્ટ્રમાં 4.72 લાખ જ્યારે છત્તીસગઢમાં 52,445 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 1.28 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી લગભગ 1.18 કરોડ લોકો સાજા થયા છે અને 1.66 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોના મહામારી બાદ ભારતીયો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ થયાં!!!

કોરોનાએ ઘણું શીખવ્યું

કોરોના મહામારીના સમયમાં ભારતીયો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. મુસીબતો માનવીને વધુ મજબુત બનાવે છે. એમ કોઈ રોગચાળો આવે ત્યારે તેમાંથી ઉગરવા માટે ઈલાજ શોધવામાં આવે છે કે દવા શોધવામાં આવે છે. આવો રોગચાળાથી બચવા માટે તકેદારી પણ રાખવામાં આવે છે.

કોરોના રોગચાળો આવ્યા બાદ લોકો પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. અને પોતાના સ્વાસ્થ્યને ટનાટન રાખવા રોગપ્રતિકારક શકિત વધારવા અને વજન નિયંત્રિત રાખવાના પગલા લેવા લાગ્યા છે. ખાસ કરીને 35 વર્ષથી નીચેનાં લોકો આવી તકેદારી રાખતા થઈ ગયા છે.

વીએલસીસી હેલ્થકેરના ગ્રુપ હેડ અને મેનેજીંગ ડિરેકટર જયંત ખોસલાએ જણાવ્યું હતુ કે કોરોના લોકડાઉન આવ્યા પછી જયારથી બધુ ખુલ્યું છે ત્યારથી અમારા કિલનીક પર આવનારા 35 વર્ષથી નીચેની ઉંમરના લોકો વધુ આવે છે. અને આવા લોકો સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત રોગ પ્રતિકારક શકિત વધારવા અને વજનને નિયંત્રીત રાખવા માટે પૃચ્છા અને સારવાર કરાવે છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ,રાજસ્થાન, પંજાબ અને દિલ્હીની હાલત સૌથી ખરાબ

દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ અને દિલ્હીની હાલત સૌથી ખરાબ છે. મહારાષ્ટ્રમાં મંગળવારે 55,469 નવા કેસ નોંધાયા હતા. 34,256 દર્દી સાજા થયા અને 297 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં 31.13 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 25.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 56,330 લોકોના મોત થયા છે. હાલમાં લગભગ 4.72 લાખ લોકો સારવાર હેઠળ છે.દિલ્હીમાં મંગળવારે 5,100 નવા કેસ આવ્યા હતા. 2,340 દર્દીઓ સાજા થયા અને 17નાં મોત નીપજ્યાં. આ મહામારીથી અત્યાર સુધીમાં 6.79 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે, 6.54 લાખ લોકો સાજા થયા છે અને 11,096 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ 14,579 લોકોની સારવાર ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં મંગળવારે 3,722 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,203 લોકો સાજા થયા, જ્યારે 18 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.13 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 2.85 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,073 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, 24,155 લોકો સારવાર લઈ રહ્યા છે.

ગુજરાતમાં મંગળવારે 3,280 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. 2,167 દર્દીઓ સાજા થયા, જ્યારે 17 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 3.24 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાંથી 3.02 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,598 દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 17,348 લોકો હાલમાં સારવાર લઈ રહ્યા છે. પંજાબમાં મંગળવારે અહીં 2,924 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,350 સાજા થયા, જ્યારે 62 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.57 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.23 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,216 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 25,913 લોકોની સારવાર ચાલી રહી છે. રાજસ્થાનમાં મંગળવારે અહીં 2,236 લોકો પિઝિટિવ મળી આવ્યા હતા. 851 દર્દીઓ સાજા થયા અને 13 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 3.43 લાખ દર્દીઓ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3.24 લાખ સ્વસ્થ થયા છે, જ્યારે 2,854 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 16,140 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.