Abtak Media Google News

બેખૌફ લોકોની બેવકુફીથી તંત્રને ઉચ્ચાટ !!!

કોરોના ‘ચાલ્યો ગયો’ના ભ્રમનો ભાંગીને ભુક્કો: ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવનાર દિવસો ભારે થવાની દહેશત, લોકો માટે સાવચેતી આવશ્યક

ભુતથી વધુ ભયાનક ભુતાવળ અને તેનાથી પણ વધુ ડર ‘ભય’ ફેલાવે છે. મુસીબતને વધુ મુશ્કેલ બનાવવામાં ભયની ભૂમિકા હંમેશા વરવી રહે છે. અત્યારે કોરોના સંક્રમણ કાળમાં પણ કોરોનાનો ડર વધુ ભયજનક પરિસ્થિતિ ઉભી કરી રહ્યું છે. બેખૌફ લોકોની બેવકુફીએ તંત્રને ઉંધેમાથે કરી ઉચ્ચાટનું વાતાવરણ ઉભુ કર્યું છે. સાથો સાથ કોરોના કરતા કોરોનાની દહેશતે વધુ ગભરાટ ફેલાવ્યો છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના નવા વાયરાની દહેશત ઉભી થઈ ગઈ છે. ત્યારે હજુ રસીને આવતા ખાસ્સો છ મહિનાનો સમય થશે ત્યારે કોરોનાના ત્રીજા વાયરાએ રોગની અસર કરતા તેની દહેશતે વધારે લોકોને ભયભીત કર્યા છે. હવે શું થશે તેવો ઉચ્ચાટ લોકોમાં પ્રવર્તી રહ્યો છે. એક તરફ કોરોનામાં રિકવરી રેટ વધી રહ્યો છે. મૃત્યુદર ઘટી ગયાના આંકડાકીય દાવાઓથી પરિસ્થિતિ સુધારામાં હોય તેવા માહોલ વચ્ચે છેલ્લા એક પખવાડિયાથી ઉત્તર ભારત સહિતના દેશમાં કોરોનાના નવા દર્દીની સંખ્યામાં વિસ્ફોટક વધારો થયો છે. રાજકોટ સહિત ગુજરાતમાં પણ કોરોનાના સંક્રમિત દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં કોરોનાથી નહીં પરંતુ કોરોનાના ડરથી લોકો અને તંત્રમાં હવે શું કરવું તેનો ઉચ્ચાટ પ્રવર્તી રહ્યો છે.

કોરોનાની રસી આવતા હજુ ઓછામાં ઓછા છ મહિનાનો સમયગાળો થવાનો છે ત્યારે આ દરમિયાન કોરોનાથી સુરક્ષીત કેમ રહેવું, મને કોરોના થશે તો શું થશે  તેવા અજ્ઞાત ભયથી લોકો રીતસરના ફફડી રહ્યાં છે. સરકારી તંત્રએ કોરોના ટેસ્ટની વ્યવસ્થા સંગીન બનાવી છે અને કોઈપણ વ્યક્તિને જરાપણ લક્ષણ દેખાય તો તેને જરા પણ ન છુપાવવા તેવી અપીલ કરી છે. દરમિયાન કોરોના રસી બનાવતી ઓકસ્ફોર્ડ લેબોરેટરીએ દાવો કર્યો છે કે, આ દવા એપ્રીલ ૨૦૨૧ સુધીમાં આવી જશે અને ૧૦૦૦ રૂપિયામાં જરૂરી બે ડોઝ લોકોને મળી રહેશે. ૨૦૨૪ સુધીમાં કદાચ દરેક ભારતીયો સુધી રસી પહોંચી જશે. ઓછામાં ઓછી ૨ વર્ષની કવાયત દરેક ભારતીય સુધી દવા પહોંચાડવા કરવી પડશે. બીજા શબ્દમાં કહીએ તો કોરોના રસી માટે હજુ દિલ્હી ઘણુ દૂર છે. ભારત સરકારે સૌથી સસ્તા દરે આ રસી ઉપલબ્ધ થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. કોવાક્ષ દ્વારા સરકારને સહયોગ આપવાની તૈયારી સાથે આ કવાયત હાથ ધરવામાં આવી છે. મોટી ઉંમરના અને નાના બાળકો માટે કોવિડ-૧૯ની રસી જલ્દીથી પ્રાપ્ત થાય તેવા સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. આ મહેનત છતાં હજુ રસી આવતા આવતા એપ્રીલ સુધી રાહ જુવી પડે તેમ છે. ભારત સરકારે ઓકસ્ફર્ડ કોવિડ રસી જલ્દીથી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે.

કોરોના શરૂ થયો ત્યારે આ રોગચાળો ઉનાળામાં કાબુમાં આવશે તેવી આશા ઉભી થઈ હતી. પરંતુ જગતની આ આશા પણ ઠગારી પુરવાર થઈ અને વિશ્ર્વના ઘણા એવા વિશ્ર્વવૃતના દેશો હતા કે જ્યાં તાપમાન ૩૫ થી લઈ ૪૫ ડિગ્રી સુધી સામાન્ય રહેતું હોય તેવા આકરા બળબળતા તાપના વિસ્તારમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. હવે તો શરદી, તાવ માટે મામાના ઘર જેવી શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળામાં વાતાવરણની ઘનતાને કારણે વાયરલ ઈન્ફેકશન વધુ ફેલાવાની શકયતા છે ત્યારે આગામી દિવસોમાં ભારત સહિત સમગ્ર વિશ્ર્વ માટે વધુ ચિંતાના ગણી શકાય ત્યારે કોરોનાની બદલતી જતી તાસીર, તેના ગુણધર્મો અને કાચીંડાના બદલતા રંગની જેમ કોરોના પણ અલગ અલગ લાક્ષણીકતા સાથે સંક્રમિત થવાની તાસીર ધરાવે છે ત્યારે કોરોનાને કાબુમાં કરવા માટે સાવચેતી જ મોટું શસ્ત્ર બની રહેશે. કોરોનાથી બિનજરૂરી ગભરાવાને બદલે લોકોએ સંક્રમિત વ્યક્તિથી સલામત અંતર, હાથ ધોવાની ચીવટ, માસ્ક, સેનીટાઈઝરનો ઉપયોગ અને શરદી, ઉધરસ કે કોરોના સંબંધીત, સામાન્ય લક્ષણ દેખાય એટલે તુર્ત જ તેનો ઈલાજ કરાવવા સાવચેતી આ માટે રામબાણ ઈલાજ બની રહેશે.

નાછુટકે પાછલા દરવાજે લોકડાઉન !!!

કોરોના જતો રહ્યો…ચાલ્યો ગયો….ના બિન્દાસ્ત અભિગમ વચ્ચે લોકોની બેવકુફીથી આ રોગચાળો ફરીથી ઉથલો મારે તેવી પરિસ્થિતિએ તંત્રની મતી મુંઝવી દીધી છે. દેશમાં અગાઉ માર્ચથી ચોમાસા સુધી લોકડાઉન બાદ ક્રમશ રીતે અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. લોકડાઉનના કારણે અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું હતું. રોજગારી, શિક્ષણની પરિસ્થિતિ થાળે પાડવા માટે ધીરે ધીરે અનલોકની શ્રેણી ચાલુ કરવામાં આવી હતી. પરંતુ ફરીથી કોરોનાએ માથુ ઉંચકતા દેશમાં ના છુટકે પાછલા દરવાજે લોકડાઉન ફરીથી લાવવાની ફરજ પડે તેવું દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં એક જ દિવસમાં વિક્રમજનક રીતે વધેલા કોરોનાના નવા કેસના પગલે સમગ્ર ગુજરાતમાં ભયનું વાતાવરણ ઉભુ થયું છે. અમદાવાદમાં રાત્રી કફર્યુથી શરૂ થયેલી પ્રતિબંધની કવાયત ગુજરાતમાં આવનાર દિવસોમાં લોકડાઉનમાં પરિણમે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે. સત્તાવાર રીતે  અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાની રફતાર વધવા લાગી છે. મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય તંત્ર સજ્જ છે. અમદાવાદના ૧૪ વિસ્તારોમાં દર્દીની સંખ્યા વધતા માઈક્રો ક્ધટેઈનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર મિકાયલ રયાનના મતે હજુ સુધી રસી ક્યારે આવશે તેનું કોઈ નક્કી નથી ત્યારે આ વાયરસને ફરીથી ઉથલો મારતા અટકાવવા માટે સાવચેતી આવશ્યક છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ફરીથી લોકડાઉન આવે તેવું મનાઈ રહ્યું છે.

કોરોનાની રસી ઉપર કેટલો ભરોસો?

સમગ્ર વિશ્ર્વને ધુણાવતું કોવિડ-૧૯ જન્ય કોરોના માનવ જાત માટે દિવસે દિવસે ઘાતક પુરવાર થઈ રહ્યું છે. મૃત્યુનો આંક વૈશ્ર્વિક ધોરણે હજ્જારો નહીં પરંતુ લાખોને પાર કરી ચૂક્યું છે. આ વાયરસ કેમ કાબુમાં આવે તેનો કોઈ રસ્તો હજુ મળ્યો નથી. મોટાભાગનું વિશ્ર્વ શરૂઆતમાં માનતું હતું કે, કોવિડ-૧૯ને લેબોરેટરીમાં તૈયાર કરીને જીનેટીક બોમ્બ તરીકે વાપરવાનું કાવતરું છે. આવી વાતો વચ્ચે હજુ કોરોનાની નિશ્ર્ચિત ઈલાજ કરતી રસી બની નથી. રશિયાની સ્પુટનીક-વી રસી કોરોના માટે અકસીર પુરવાર થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. દરમિયાન સીરમ ઈન્સ્ટિટયુટે ઓકસ્ફોર્ડ કોવિડ-૧૯ નામની રસી બનાવી છે. હજુ આ રસી એપ્રીલ મહિના સુધીમાં આવશે. સરકારે ૧ થી વધુ વિકલ્પ પર વિચારણા કરીને રસી જેમ બને તેમ જલ્દીથી આ રસી દેશના દરેક વ્યક્તિને મળી રહે તેની કવાયત હાથ ધરી છે પરંતુ આ રસી પર કેટલો ભરાસો કરવો તે તો સમય અને સંજોગો જ નિશ્ર્ચિત કરશે.

કોરોના વકરવાની દહેશતને લઈ રાજકોટ સહિત સેન્ટરની સર્વેલન્સ ટીમ દોડશે

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં વિસ્ફોટક ઉછાળો આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાત પર નજર કેન્દ્રીત કરી છે. ટેસ્ટીંગ કામગીરીની સમીક્ષા માટે કેન્દ્રીય સમીતીએ પ્રવાસ શરૂ કર્યો છે. ગુજરાત, હરીયાણા, રાજસ્થાન, મણીપુરમાં કોરોના ટેસ્ટ બરાબર થાય છે કે કેમ તે અંગે કેન્દ્રએ તપાસની કવાયત શરૂ કરી છે.  કેન્દ્ર સરકારની ઉચ્ચસ્તરીય ટીમ ગુજરાત, મણીપુર, રાજસ્થાન અને હરિયાણાની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતો લઈ નવા વધતા કેસોની સાથે સાથે ટેસ્ટીંગની સુવિધાઓની ઉપલબ્ધી અને તેની કાર્યવાહી બરાબર થાય છે કે કેમ તેની સમીક્ષા હાથ ધરી છે. એઈમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરીયા અને નીતિ આયોગના ડો.વી.કે.પટેલ, એસ.કે.સિંઘ, ડો.એલ.સ્વસ્તીચંદ્રન સહિદના સનદી અધિકારીએ સમગ્ર દેશમાં મોનીટરીંગ હાથ ધર્યું છે. ગુજરાતમાં ડો.એસ.કે.સિંઘના માર્ગદર્શન હેઠળ સમીક્ષા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ સહિત ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગની કામગીરી માટે સર્વેલન્સ ટીમે નજર દોડાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.