Abtak Media Google News

ગુજરાતમાં એક જ દિવસમાં 1580 કેસ: અમદાવાદ, સુરતની સ્થિતિ વધુ ચિંતાજનક

સુરત, અમદાવાદ, વડોદરામાં કોરોના વિસ્ફોટથી સૌરાષ્ટ્ર સહિતના પંથકોમાં સંક્રમણનો ભરડો વધુ કસાય તેવી દહેશત

કોરોનાના ભરડામાંથી બહાર નીકળવા વિશ્વભરનાં દેશો પ્રયાસમાં જુટાયા છે. રસીકરણની સાથે ફરજીયાત નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે. સ્ક્રિનિંગ, ટેસ્ટીંગ વધારી દેવાયું છે. તેમ છતાં કોરોનાનો કહેર યથાવત છે. થોડા સમયનાં બ્રેક બાદ વાયરસે ફરી માથુ ઉંચકતા ભારતમાં કેસ સતત વધી રહ્યા છે. ગત વર્ષે માર્ચથી જૂન માસ જેવી રકતાર કોરોનાએ ફરી પકડતા મોટુ જોખમ ઉભુ થયું છે. કોરોનાની આ પુન: તેજ ગતિ અતિગંભીર સાબિત થઈ રહી છે. જેને ધ્યાને લઈ બૈખોફ લોકોએ પોતાની બેવકુફી છોડી વધુ સાવધાન થવાની જરૂર છે. ગુજરાતમાં માત્ર એક જ અઠવાડીયામાં કેસમાં 82 ટકાનો વધારો થયો છે. ગઈકાલે એક દિવસમાં સૌથી વધુ 1580 કેસ નોંધાયા છે. એમાં પણ અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ ચિંતાજનક બનતી જઈ રહી છે.

સુરત, અમદાવાદ, વડોદરામાં કોરોના વિસ્ફોટથી સૌરાષ્ટ્ર સહિતના પંથકોમાં સંક્રમણનો ભરડો વધુ કસાય તેવી દહેશત છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 451 સુરતમાં 405 વડોદરામાં 112, રાજકોટમાં 109, જામનગરમાં 25, જૂનાગઢમાં 9, કચ્છમાં 10, મોરબીમાં 9, અમરેલીમાં 7, ભાવનગરમાં 4, ગીર-સોમનાથમાં 4, સુરેન્દ્રનગરમાં 4 જયારે બોટાદ અને પોરબંદરમાં એક એક કેસ નોંધાયા છે. અન્ય પ્રદેશોની સરખામણીએ સૌરાષ્ટ્રમાં કોરોનાનો આતંક ઓછો છે. પરંતુ આનાથી રાહતનો શ્ર્વાસ લેવાની જરૂર નથી કારણ કે કોરોનાનો ખતરો સૌરાષ્ટ્ર પરથી સંપૂર્ણ પણે હટયો નથી. રાજકોટમાં તો કોરોનાનો ભરડો યથાવત જ છે.

વકરતા કોરોનાને નિયંત્રિત કરવા અમદાવાદ, રાજકોટ, વડોદરા, અને સુરત એમ ચાર મહાનગરોમાં રાત્રી કફર્યું વધારી દેવાયો છે તો રંગોનાં પર્વ ધુળેટી પર પણ સંપૂર્ણ પણે પ્રતિબંધ લાદી દીધો છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, રાજયભરમાં ધુળેટીના પર્વ પર રોક લગાવી દેવાઈ છે. હોળીના દિવસે માત્ર ધાર્મિક રીતે જ હોળી દહન કરી શકાશે. ગુજરાતભરમાં કોરોના ટેસ્ટીંગ વધારી દેવાયું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ છ લોકોનાં મોત થયા છે. આ આંકડો ઓછો છે. પરંતુ છેલ્લા સાડાચાર મહિનાની સરખામણીએ સૌથી વધુ છે. તેમજ રીકવરી રેટમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.

દેશમાં દર અઠવાડિયે કેસમાં 67%નો વધારો

ભારતમાં ગત અઠવાડિયે કોરોના કેસ સૌથી વધુ નોંધાયા છે. સાપ્તાહિક કોરોના કેસમાં સરેરાશ 67%નો વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક છે. દર અઠવાડિયાના એકિટવ કેસ 1 લાખને પાર થઈ ગયા છે. એટલું જ નહીં કોરોનાથી થતા મૃત્યુદરમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા નવ સપ્તાહમાં 41 % નો ઉછાળો નોંધાયો છે. ગત 15થી 21 માર્ચ દરમિયાન 2.6 લાખ નવા કેસ નોંધાયા છે. જે એના અગાઉના અઠવાડિયામાં 1.55 લાખ કેસ હતા. દેશમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રની છે.જયાં દરરોજ 30 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.