Abtak Media Google News

ત્રણ દિવસથી કોરોનાના કેસ વધતા જાય છે: શનિવારે ૮૦, રવિવારે ૮૫ ને સોમવારે ૮૬ નવા કેસ એક મહિલા દર્દીના દાગીના કાઢી લેવાયાના આક્ષેપથી ચકચાર: માંડ મામલો થાળે પડ્યો

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ક્રૂર પંજો ફેલાયેલો છે, જેમાં છેલ્લાં ત્રણ દિવસથી કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો છે. શનિવારે એકી સાથે ૮૦ દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી રવિવારે શહેરી વિસ્તારના ૭૬ અને ગ્રામ્ય વિસ્તારના ૯ મળી વધુ ૮૫ દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવતા ભયનો માહોલ ફેલાયો હતો. સોમવારે પણ શહેરી વિસ્તાર ૭૭ અને ગ્રામ્ય વિસ્તારના ૯ મળી ૮૬ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે જામનગર જિલ્લા માટે રેકોર્ડ સમાન છે. જી. જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૬ દર્દીઓ ના સોમવારે બપોર થી આજે સવાર સુધીમાં મૃત્યુ નિપજયા છે. ઉપરાંત ૫૩ દર્દીઓ સાજા થઇ જતાં જીજી હોસ્પિટલમાંથી રજા આપવ ામાં આવી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧,૮૯૨ નો થયો છે.

જામનગરમાં  કોરોનાએ  ભારે તાંડવ મચાવ્યો છે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૬ દર્દીઓ ના જી.જી. હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજયા હતા. જેમાં જામનગર શહેરના ૫ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક દર્દીનું મૃત્યુ નિપજયું હતું. દેવભૂમિ દ્વારકાના દર્દીની દફનવિધિ ધોરાજી ના કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી, જ્યારે બાકી તમામ ની અંતિમ વિધિ જામનગરના સ્મશાનમાં કરી લેવામાં આવી છે.

જામનગરના એક મહિલા દર્દીના મૃત્યુ પછી તેના શરીર પરથી દાગીના કાઢી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો, અને થોડો સમય માટે મૃતદેહને પણ સ્વીકારવામાં આવતો ન હતો, જોકે પાછળથી મામલો થાળે પડ્યો હતો.

જામનગરના વેપારી અગ્રણી અને કો.કો. બેંકના ડાયરેક્ટર પ્રવીણભાઈ ચોટાઇ ના પરિવારના અગિયાર સભ્યો કોરોના સંક્રમિત બન્યા છે અને સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, દરમિયાન તેમના પરિવારના એક સભ્ય વિનુભાઈ ચોટાઈ નું ત્રણ દિવસ પહેલા સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. ત્યાર પછી ગઈકાલે તેમના પરિવારના મનુભાઈ ચોટાઈ નામના બીજા સભ્ય નું પણ મૃત્યુ નિપજતાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.

જામનગર શહેર અને જિલ્લા માં સોમવારે પણ  કોરોના નો વિકરાળ પંજો પડ્યો હતો. અને રવિવાર ના એકીસાથે ૮૫ કેસ પછી જામનગર શહેરમા સોમવારે  એકીસાથે વધુ ૭૭ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી જામનગર શહેરમાં ગભરાટનો માહોલ ફેલાયો છે.  જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧,૬૧૩ નો થયો છે.

જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તાર મા  વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી  ગ્રામ્ય વિસ્તારનો આંકડો ૨૭૯ નો થયો છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ ની સંખ્યા ૧,૮૯૨ ની થઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાંથી  વધુ ૫૩ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને રજા આપવામાં આવી છે.

જામનગર જેલમાં ૩૫૭ કેદીઓના  કોરોના ટેસ્ટ: તમામ નેગેટીવ

જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના કહેરને ધ્યાને લઈ જામનગર જિલ્લા જેલમાં તા. ૧૪-૮-૨૦૨૦ થી તા. ૨૧-૮-૨૦૨૦ સુધી કોરોના રેપીડ એન્ટીબોડી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જામનગર જિલ્લા જેલના કાચા કામના ૩૨૩ આરોપી, ૨૭ પાકા કેદી તથા ૭ પાસા અટકાયતી એમ કુલ ૩૫૭ કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવેલ હતા. જેમાં તમામ કેદીઓના ટેસ્ટ નેગેટીવ આવેલ હતા. કેમ્પમાં જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સ્ટાફ, જામનગર જિલ્લા જેલના ઈ.ચા.અધિક્ષક પી.એચ.જાડેજા, જેલર જે.આર.સીસોદીયા, ફિઝીશ્યન ડો.સી.એસ.ડાંગેરા, ડો.જે.એ.જાડેજા, ડો.એમ.આઈ.સમા તથા જેલ સ્ટાફે જરૃરી બેઠક વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા કરી જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.