Abtak Media Google News

જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૫૭૩ થઈ

જામનગરમાં કોરોનાએ કાળો કેર સર્જયો છે. ગઈકાલે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૮ કમભાગી દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે ૮૭ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૧૭ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો છે, જેમાં ગઇકાલે કોરોનાનો વિકરાળ પંજો પડ્યો છે. શહેર ૮૧ અને ગ્રામ્ય વિસ્તાર ના ૬ મળી એકી સાથે ૮૭ દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં જામનગર જિલ્લામાં એક દિવસ ના સૌથી વધુ કેસ નો રેકોર્ડ થયો છે, ઉપરાંત જી જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૬ દર્દીઓ ના કોરોના ના કારણે મૃત્યુ નિપજયા છે. ઉપરાંત ૧૭ દર્દીઓ સાજા થઇ જતાં જીજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧,૫૭૩ નો થયો છે.

જામનગરમાં  કોરોના એ  ભારે તાંડવ મચાવ્યો છે, ગઇકાલે વધુ ૬ દર્દીઓના જીજી હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજ્યા છે. જામનગરના જડેશ્વર પાર્કમાં રહેતા વલ્લભભાઈ તુલસીભાઈ ગોહિલ (૬૫), જામજોધપુરના શારદાબેન (૬૫), વુલન મીલ પાસે રહેતા ધરમશીભાઈ ડાભી (૬૦), અને જામનગરમાં રહેતા રજનીકાંતભાઈ (૫૬) ઉપરાંત દેવુભા ના ચોકમાં રહેતા ૪૮ વર્ષના યુવાન અને ખંભાળિયા નાકા પાસે રહેતા ૬૫ વર્ષના વૃદ્ધના ગઈકાલે સાંજે જી.જી હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજયા છે.

જામનગર શહેર માં ગઇકાલે  કોરોના નો વિકરાળ પંજો પડ્યો છે,  અને જામનગર શહેર માટે રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા એકીસાથે ૮૧ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી જામનગર શહેરમાં હાહાકાર મચી ગયો છે, અને લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે.  જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧,૩૨૮ નો થયો છે. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં   ગઇકાલે વધુ છ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી  ગ્રામ્ય વિસ્તારનો આંકડો ૨૪૫ નો થયો છે.

સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧,૫૭૩ ની થઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાંથી  ગઇકાલે વધુ ૧૭ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને રજા આપવામાં આવી છે.

અનાજ કરિયાણાના વધુ ૧૩ વેપારીઓ કોરોના પોઝિટિવ

હાપા યાર્ડમાં આરોગ્ય પરીક્ષણ ચાલુ

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે સવારે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન શાકભાજીનું ખરીદ અને વેંચાણ કરવા માટે આવતા હોલસેલ અને રીટેઈલ વિક્રેતાઓના કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા પછી આજે ફરીથી હાપા માર્કેટીંગ યાર્ડમાં આરોગ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, અને અનાજ અને કરિયાણાના સાડા પાંચસોથી વધુ વેપારીઓ અને કર્મચારીઓ, શ્રમિકો વિગેરેનું પરીક્ષણ કરાયું હતું. જેમાં ૧૩ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

જામનગર નજીક હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટૂકડી દ્વારા વ્હેલી સવારથી શાકભાજીના અને ફ્રૂટના વિક્રેતાઓનું આરોગ્ય ચેકીંગ કરવામાં આવ્યું હતું અને ૮પ૦થી વધુ વેપારીઓના કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ૧૬ વિક્રેતાઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતાં અને તમામને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારપછી આજે ફરીથી સવારે નવ વાગ્યાથી સાડાબાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટૂકડી દ્વારા આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું છે. માર્કેટીંગ યાર્ડના ૬૮૩ થી વધુ અનાજ કરિયાણાના વેપારીઓ અને કર્મચારીઓ તેમજ મજૂરો વિગેરેનું કોરોના પરીક્ષણ કરાયું છે. જે પૈકી વધુ ૧૩ લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે, અને તેઓને જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા માર્કેટીંગ યાર્ડમાં સેનીટાઈઝેશન સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.