Abtak Media Google News

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે મેચની સીરિઝમાં મોહાલીમાં જીત મેળવીને સીરિઝમાં 2-0થી આગળ છે. સીરિઝની ત્રીજી વનડે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે, જેને ખંઢેરી સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ મેચ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ નહિવત હોવાનું હવામાન વિભાગ દ્વારાજણાવવામાં આવ્યું  છે. રાજ્યમાં હાલ કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે જેની મોટાભાગે અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં જોવા મળી રહી છે.

ભારતની ત્રણ વનડે મેચની ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં અંતિમ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાવાની છે અને તેમાં વરસાદની સંભાવનાઓ નહિવત છે.

વાતાવરણ ચોખ્ખું રહેશે: મહત્તમ તાપમાન 36 જયારે ન્યુનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે, હવામાં ભેજનું પ્રમાણ 60 ટકા જયારે સાંજના સમયે 20 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે

રાજકોટ હવામાન વિભાગના વાલાભાઇએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાલે રાજકોટમાં આખો દિવસ વરસાદની શક્યતા નહિવત છે. સાંજના સમયે એટલે કે 5 થી 7 દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે જો કે વાતાવરણ ચોખ્ખું રહેશે. કાલના દિવસે મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી જયારે ન્યુનતમ તાપમાન 25 થી 27 ડિગ્રી જેટલું રહેંશે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ 80 ટકા જયારે 4 વાગ્યા બાદ 60 % જેટલો ભેજ રહેંશે. ઉપરાંત પવનની ગતિ 12 કિમી પ્રતિ કલાક અને સાંજના ટાઈમે 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

આકાશ વાદળછાયું રહેવાથી ખેલાડીઓને મેદાન પર વધુ પરસેવો થઈ શકે છે. ભેજ અને બફારાના કારણે મેદાન પર ખેલાડીઓએ વધુ પરેશાનીઓનો સામનો મેચ દરમિયાન કરવો પડી શકે છે.

વર્લ્ડકપ પહેલા ભારતે એશિયા કપ પર વિજય મેળવ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ જીતીને ફોર્મ જાળવી રાખવાના પ્રયત્નો કરશે. ભારત બેમાંથી એક મેચ જીતશે તો સીરિઝ પર કબજો કરી લેશે.

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારતે ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે વનડે મેચ રમી છે. જેમાં જાન્યુઆરી 2020માં રમાયેલી વનડેમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે વિજય થયો હતો. આ સિવાય સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે રાજકોટમાં રમેલી ત્રણમાંથી માત્ર 1 જ મેચ જીતી છે. આવામાં ઓસ્ટ્રેલિયા સામે રાજકોટમાં ભારતનું પલડું ભારે છે.

ખેલાડીઓ કાઠિયાવાળી ભોજનનો માણશે આનંદ

ભારતીય ક્રિકેટર્સ ગુજરાતીની ફેમસ વાનગીઓનો સ્વાદ માણશે. જેમાં ખાસ રાજકોટના સ્પેશિયલ ફાફાડા ગાઠીયા-જલેબી અને ઢોકળાનો સ્વાદ માણશે. આ સાથે જ કાઠિયાવાળી ભોજન થાળનો ખાટો-મીઠો-તીખો સ્વાદ એન્જોય કરશે. હોટલ સયાજીમાં ક્રિકેટર્સ માટે જીમની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

વહેલી સવારે વિરાટનું પણ રાજકોટમાં આગમન

રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈને શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. વર્લ્ડ કપ પહેલાંની મહત્ત્વની કહી શકાય એવી સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટમાં કાલે રમાવાની છે. ત્યારે આજે વહેલી સવારે એરપોર્ટ ખાતે વિરાટ કોહલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડી રાજકોટ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટથી ખેલાડીઓ હોટલ તરફ રવાના થયા હતા. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઓસ્ટ્રેલિયા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં રોકાણ કર્યું છે. ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

સોમવારના રોજ બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટલ સયાજી ખાતે રોકાશે, જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાણ કર્યું છે. ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓના રોકાણને લઇ હોટલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.

હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. હોટલમાં વિરાટ કોહલીને 801 નંબરનો રૂમ આપવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમ ફાળવવામાં આવ્યો છે. આ પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જાકુઝી બાથ, મિટિંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, અને સાઉન્ડપ્રૂફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોટલનો દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવામાં આવ્યો છે, જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મૂકવામાં આવી છે. તો સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જિમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.