Abtak Media Google News
  • છેલ, ગાડી આવી ગામ ગોઢે રે…. છુક, છુક, છુક, છુક…
  • બેન્ડની સૂરાવલી સાથેની એક વખતની તવારીખ આજે બેસૂરી બની
  • કલાકાર ‘દમાસ’ અને તેનો પૌત્ર ડાયને એ પણ ખારાઘોડાના ખોરડામાં લીધા હતા અંતિમ શ્ર્વાસ
  • એ ગાડી, એ ઘોડાગાડી (બગી) એ રેલવે સ્ટેશન અને બેન્ડનો કલાકાર દમાસ અને ડાયને આજ યાદે, ધુંવા ઔર પરછાઇયા

1712035446033

એ વરસ ઇ.સ. 1882 ની આજુબાજુ નું હતું. બ્રિટિશરો ને ખારાઘોડા માં આવ્યા ને માંડ-માંડ દશ વરસ થયા હતા.  જોકે દશ વરસ માં તો તેમને ખારાઘોડા ને લગભગ ડેવલોપ કરી નાખ્યું હતું. ખારાઘોડા (નવાગામ ) ની વિભાગો પ્રમાણે વિવિધ કોલોનીઓ તૈયાર થઈ ચૂકી હતી.  ગામમાં એલોપેથી હોસ્પિટલ ને શરૂ થયા સાત વરસ થઈ ચૂક્યા હતા.  1882 એટલે આજથી  લગભગ 139 વરસ પહેલાં ની વાત છે. બ્રિટિશ સરકાર ની મીઠા કમ્પની ના  વડા અધિકારી માટે બે વિશાળ બંગલા  બંધાઈ ચુક્યા હતા. વડો અધિકારી એક બંગલા ની ઉપર ગેલેરીમાં થી દુર દેખાતા રણ ને જોઈને મીઠાના વેપાર ને વિસ્તારવા ના સપનાઓ જોઈ રહ્યો હતો. એ બંગલા ની ડાબી બાજુ  વીસ ફૂટ પહોળો રસ્તો રેલવે સ્ટેશન સુધી લંબાતો જતો હતો. ત્રણ વરસ પહેલાં જ એ રસ્તા ની બન્ને તરફ પીલુડી ના ઝાડ નું વાવેતર કર્યું હતું.એ ઝાડ પણ ત્રણ વરસ માં ભારે કાઠું કાઢી ચુક્યા હતા.   થોડા દિવસ પહેલા જ  વિરમગામ થી ખારાઘોડા સુધી ની બ્રોડગેજ લાઈન ના પાટા પથરાઈ ચુક્યા હતા. ખારાઘોડા નું રેલવેસ્ટેશન પણ ચમકદાર થઈ ને ઉભું હતું.  એ રેલવે સ્ટેશન  થી  બ્રિટિશરો  ઉત્તર ના રાજ્યો તરફ  ભરપૂર મીઠાની નિકાસ કરી ને લખલૂટ નફો રળવાના હતા.  પણ આપણે અહીંયા  માત્ર રેલવે ની જ વાત કરવી છે. પેસેન્જર  ટ્રેન પણ નિયમત શરૂ થઈ ગઈ હતી.  જોકે એ જમાના માં ટ્રેન એન્જીન અને તેની વાગતી વહીસલ એ બધું કૌતુક હતું. લોકો બળદ-ગાડા અને પગપાળા મુસાફરી કરતા હતા. એ જમાના માં ખારાઘોડા માં રેલવેગાડી નું આગમન થયું હતું. સામાન્ય માણસ માટે આ રેલવે માં સફર કરવી એ ચમત્કાર થી જરાય ઉતરતી નહોતી. ટ્રેન આવી ને ઉભી રહે એટલે ઘોડાગાડી અધિકારીઓ ને લેવા  આવીને આગોતરી ઉભી રહી જતી. સિપાહી ના બેન્ડ ની સુરાવલી  વગાડતો  કલાકાર દમાસ અને તેની ટીમ  ના બેન્ડ ના અવાજ થી રેલવે સ્ટેશન સંગીતમય બની જતું. સ્વચ્છ અને સુંદર રેલવે સ્ટેશન  ની આસપાસ લીલા વૃક્ષો વચ્ચે સંગીત ના સુર માં એન્જીન ની તીણી વહીસલ ભળી જતી હતી.  આ રેલવે સ્ટેશન માં ભલે સંગીત વાગતું હોય .પણ,  તેની સામે ની બાજુએ મીઠાના સ્ટોરેજ પ્લોટ અને તેની પાછળ થોડાક સિપાહી ના ક્વાર્ટર હતા. એ ક્વાર્ટર થી અડધો કિલોમીટર પાછળ ના ભાગમાં   ધાણી ફૂટ ગોળીઓ ચલાવી ને  સિપાહીઓ  નિશાન બાજી ની પ્રેક્ટિસ કર્યા કરતા.  ગામ લોકો માં ’બટ વારા ’  એરિયા તરીકે ઓળખાતા એ ફાયરિંગ પ્રેક્ટિસ વિસ્તાર માં ક્યારેય સામાન્ય જણ ફરકતા નહોતા. ખારાઘોડા અને બ્રિટિશરો નો વેપાર બન્ને વિસ્તરતા જતા હતા.  રેલવેસ્ટેશન  પૂર્વ તરફ થોડે દુર રેલવે ના ગાર્ડ અને એન્જીન  ડ્રાયવર માટે  વિશ્રામગૃહ(રનિંગ રૂમ) , તેની પાછળ ના ભાગમાં  થોડા  રેલવે સ્ટાફ ક્વાર્ટર પણ હતા. એ સ્ટાફ ક્વાર્ટર ની પાછળ એક ઊંચી ટાંકી અને તેમાં પાણી ભરેલું રહેતું. સ્ટીમ એન્જીન ત્યાં આવી ને ઉભા રહેતા અને એ એન્જીન ના બોઇલર માટે કોલસા અને પાણી નો સ્ટોક  ત્યાંથી ભરવામાં આવતો.

ખારાઘોડા રેલવે નો 1882 નો એ કાળ અને  તેની પૂર્વભૂમિકા બાંધવાનું અહીંયા એટલા માટે થયું છે કે એ જુના રેલવે રનિંગ રૂમ ની બાજુમાં બાવળ ની વચ્ચે એક  નાનકડી કબર નજરે પડી અને કુતુહલ થયું.  સદનસીબે એ કબર ઉપર અંગ્રેજી માં  લાગેલી તકતી  નું મોટાભાગ નું લખાણ  વાંચી શકાય તેવું છે.  તકતી માં લખ્યા પ્રમાણે એન્જીન દ્રાયવર ના 8 માસ ના દીકરા નું અવસાન  થયા ની તેમાં નોંધ છે. 27 ડિસેમ્બર 1894 ની તારીખ પણ વાંચી શકાય છે. ફરતી તરફ લોખન્ડ ની મજબૂત  પટ્ટી  બનાવેલી છે. (અમે પણ આ કબર ની આસપાસ થોડું સફસુફ કરી કડીયા ને બોલાવી રીપેરીંગ કરવાનો પ્રયાસ પણ કર્યો છે.) મુખ્ય વાત છે કે  ખારાઘોડા ના રેલવેસ્ટેશન ની   દોઢ સદી ની સફર છે. એ બ્રોડગેજ રેલવે ઉપર કેટલીયે ટ્રેનો આવી ચુકી છે. કેટલા વરસ સુધી આવતી ટ્રેને દમાસ નામ ના કલાકારે સાથીઓ સાથે સુરાવલી છેડી હશે એ કોઈએ જાણ્યું નથી. આઝાદી પછી તો ટ્રેન માં જોડવામાં આવતા ડબ્બા ઘટતા ગયા.  1980 માં 6 ડબ્બા જોડાઈ ને આવતા એ ઘટી ને પાંચ થયા છેલ્લે તો માત્ર એક ડબ્બો ને ત્યારબાદ તો પેસેન્જર ટ્રેન સાવ બંદ થઈ ગઈ.  રેલવે સ્ટેશન ને સુકારો થયો હોય તેમ બધું સુકાતું રહ્યું.  વિરમગામ સુધી પહોંચતા વચ્ચે આવતા સ્ટેશનો પણ ખંડેર થઈ ગયા. ટ્રેન આવી ને ઉભી રહેતી ત્યારે બેન્ડ માં સુરાવલી છેડતો કલાકાર ’દમાસ’  હવે નથી. એ દમાસ ની ત્રીજી પેઢીએ તેનો પૌત્ર ડાયન પણ દાદા ના પગલે ખારાઘોડા માં  બેન્ડનો મશહૂર મશક પ્લેયર  થયો. વખત નું કામ છે પસાર થવાનું  1882 થી ખારાઘોડા નામના એક રંગમંચ ઉપર રેલવે ની સફર નો પરદો જાણે કે પડી ગયો. !!!  સંગીત ની સુરાવલી છેડતો દમાસ પણ ન રહ્યો. તેનો પૌત્ર ડાયને પણ  ખારાઘોડા માં છેલ્લા શ્વાસ લીધા. તેનું કાચું ખોરડું હતું એ પણ પડી ગયું. ..  બેન્ડ ની સુરાવલી સાથે ની એક વખત ની તવારીખ આજે બેસૂરી છે….

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.