Abtak Media Google News

રહેણાંક વિસ્તાર, સિમવગડા અને દરીયા કાંઠે સંભવિત આફતની સ્થીતીને પહોંચી વળવા તંત્ર સાબદે

બીપોરજોય વાવાઝોડું જુનાગઢ જિલ્લાના દરિયા કિનારા નજીક આવી રહ્યું છે. ત્યારે માંગરોળનો દરિયો ગાંડોતુર બન્યો છે. અને 20 થી 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેના કારણે સોરઠ પંથકમાં સુસવાટા મારતા ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. તો જુનાગઢ જિલ્લામાં અડધાથી અઢી ઇંચ જેટલો  ધોધમાર વરસાદ ખાબકી જતા જુનાગઢ પાણીથી લબાલબ થઈ ગયું છે. જ્યારે માંગરોળના અમુક વિસ્તારોમાં ભારે પાણી ભરાયું છે. તો ગઈકાલે માંગરોળમાં બે બાઈક તણાયા હતા તથા એક મકાનની દિવાલને ધરાશાય થતા તંત્ર દ્વારા ત્રણ મહિલાઓને બચાવી લેવાઈ હતી. ઉપરાંત માંગરોળનો દરિયો ભયાનક બનતા તંત્ર દ્વારા માંગરોળ અને માળિયાના 47 જેટલા ગામડાઓને એલર્ટ કરી સેલ્ટર હાઉસમાં ખસેડી દેવામાં આવ્યા છે. આ સાથે જુનાગઢ કલેકટર દ્વારા તમામ તંત્રને એલર્ટ કરી જિલ્લામાં કોઈ જાનહાની કે માલહાની ન થાય અથવા કોઈ ગંભીર મુશ્કેલી સામે આવે તો તેનું તાત્કાલિક નિરાકરણ કરવા અધિકારીઓ સહિતની ટીમને તૈયાર રખાય છે.

જુનાગઢ જિલ્લાના દરિયા કિનારે સંભવત 15 તારીખે વાવાઝોડું બીપોરજોઈ ટચ થાય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે ગઈકાલથી જ માંગરોળનો દરિયો ભયંકર બની રહ્યો છે. અને મહાકાળી 20 થી 25 ફૂટ જેટલા દરિયાના મોજા ઉછડી રહ્યા છે જેના કારણે દરિયાના પાણી બંદરોના રોડ સુધી પહોંચ્યા છે અને માંગરોળના દરિયા કિનારાની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે માંગરોળમાં ગઈકાલે એક મકાનની દીવાલ તૂટી પડતા ફસાયેલી ત્રણ મહિલાઓને સહી સલામત રીતે તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવી છે. તો બીજી  દરિયા કિનારે આવેલા મચ્છીમારોના કાચા મકાનોમાં પાણી ઘુસી જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે તંત્ર દ્વારા તેમને ખસેડી લેવામાં આવ્યા છે. અને તેમની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તંત્ર દ્વારા માંગરોળ અને માળિયાના 47 જેટલા નીચાણ વાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી સેલ્ટર હાઉસમાં ખસેડી દેવામાં આવ્યા છે.

ગઈકાલે બીપોરજોય વાવાઝોડાની અસર સમગ્ર જૂનાગઢ જીલ્લામાં જોવા મળી રહી છે. જુનાગઢ જિલ્લાના કેશોદ, માળીયા, માંગરોળ તથા જુનાગઢ મહાનગર સહિતના વિસ્તારોમાં ગઈકાલ સવારથી જ પવનની ગતિ વધી હતી અને સાંજ પડતાં પવનની ગતિ સતત ને સતત વધી રહી છે. તે સાથે ગઈકાલે બપોર બાદ વરસાદે પણ ધુઆધાર વરસાદ વરસવાનો શરૂ કરતા જુનાગઢ શહેરના રાજમાર્ગો ઉપર પાણી ભરાયા હતા. અને મજેવડી દરવાજા નજીક ખામધ્રોલ રોડ ઉપર ખોદાએલા ખાડાને કારણે એક ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ સાથે જુનાગઢ શહેરમાં અનેક જગ્યાએ ખોદાયેલા રસ્તાઓમાં વાહનો ફસાયા હોવાના પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. તે સાથે મજેવડી દરવાજા નજીક આવેલા અંડર બ્રિજમાં પણ પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

જુનાગઢ જિલ્લામાં ગઈકાલે બપોર બાદ શરૂ થયેલ વરસાદ મોડી રાત અને આજે વહેલી સવાર સુધી પણ ચાલુ રહ્યો હતો અને જિલ્લામાં અડધાથી અઢી ઇંચ જેટલો વરસાદ થયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો જુનાગઢ તાલુકાના અમુક ગામોના ખેતરોમાં ઊંચા બનાવેલા રસ્તાઓના કારણે બબ્બે ફૂટ પાણી ભરાયા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે.બીજી બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં નવ જેટલા કંટ્રોલરૂમમાં શરૂ કરવામાં આવ્યા છે. તો જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા પ્રમુખ પુનિત શર્માની અધ્યક્ષતામાં મળેલ મહામંત્રી સંજય મણવર, ભરત શિંગાળા સહિતના હોદ્દેદારોની બેઠકમાં કંટ્રોલરૂમ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અને શહેર ભાજપ દ્વારા 9173407290 તથા 9173406784 નંબર લોકોની સહાયતા માટે જાહેર કરવામાં આવ્યા છે અને વાવાઝોડાથી કોઈ નગરજનોને તકલીફ પડે તો આ નંબર ઉપર સંપર્ક કરવા ભાજપાના મીડિયા સેલના સંજય પંડ્યા  દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉપરાંત માં જુનાગઢ કલેક્ટર દ્વારા અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં તંત્ર દ્વારા પ્રવેશબંધી કરી દેવામાં આવી છે. આ સાથે સાસણના સફારી અને દેવળીયાના સફારી પાર્કમાં પણ પ્રવાસીઓ માટે પ્રવેશ બંધી કરાઈ છે. તથા જૂનાગઢનો સક્કરબાગ ઝુ પ્રવાસીઓની મુલાકાત માટે બંધ કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી બંધ રહેલ રોપવે પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સાથે જૂનાગઢ તંત્ર દ્વારા જે દૂધધારા પરિક્રમા ગિરનાર ફરતે પરિક્રમાના રૂટ ઉપર 35 કિલોમીટર ની દર વર્ષે યોજાય છે તે બંધ રાખવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર વન વિસ્તારોમાં વાવાઝોડાના કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાય થયા છે અને રસ્તાઓ પણ ખરાબ થતા દૂધધારા આ વર્ષે બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરી લેવામાં આવ્યો છે.

આ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ તથા આરોગ્યની ટીમને સતર્ક રાખવામાં આવી આવેલ છે તથા તમામ કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા સૂચના અપાય છે. બીજી બાજુ હાલમાં જૂનાગઢની તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. અને પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના આચાર્યએ પોતાની શાળાએ ઉપસ્થિત રહેવા અને જરૂર પડે તો જરૂરિયાતમંદોને ત્યાં રહેઠાણ સહિતની  વ્યવસ્થા ઊભી થાય તે માટે સૂચના આપી દેવામાં આવી છે.

જુનાગઢ જિલ્લામાં વાવાઝોડાના કારણે કોઈ ખતરો ઉભો થાય તો તેમાં તાત્કાલિક અને અસરકારક રેસ્ક્યુ સહિતની કામગીરી કરી શકાય તે માટે એનડીઆરએફની ટીમને પણ તૈનાત રખાય છે. તે સાથે 108, એમ્બ્યુલન્સ સહિતના ઇમર્જન્સી વાહનો અને પોલીસે તંત્રને પણ સાબદા કરાયા છે. માંગરોળ સહિતના જિલ્લાના દરિયા કિનારા ઉપર લોકો અવર-જવર ન કરે તે માટે પોલીસને ખડે પગે રાખી દેવામાં આવી છે. આ સાથે જિલ્લામાં વીજ પુરવઠો ન ખોરવાય અને તાત્કાલિક મરામત થઈ જાય તે માટે વીજ વિભાગની અનેક ટીમો પણ તૈયાર રખાય છે, ઉપરાંત રાજમાર્ગો અને  રસ્તા ઉપર કોઈ વૃક્ષ ધરાશાય થાય તો તાત્કાલિક રસ્તો ચાલુ કરવા માટે પણ વન વિભાગ સહિતના વિભાગોને જવાબદારી સોંપી દેવામાં આવી છે.

આમ બીપરજોય વાવાઝોડું જુનાગઢ જિલ્લાને ઘમરોડવા પહોંચી રહ્યું છે. અને જુનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારો અને ખાસ કરીને દરિયા આસપાસના વિસ્તારોમાં તેની અસર ભયંકરતા તરફ જઈ રહી છે. તો તેની સામે વહીવટી તંત્ર દ્વારા પણ વાવાઝોડાને ભરી પીવા માટે તમામ તૈયારીઓ અને આવશ્યકતા પગલાં લઈ લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.