Abtak Media Google News

ગ્રામ્ય પંથકોમાં 2 થી લઈને  8 ઈંચ સુધીનો વરસાદ: અનેક નદીઓમાં ઘોડાપુર: નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક

જુનાગઢ સહિત સમગ્ર સોરઠને મેઘરાજો છેલ્લા 48 કલાકથી ઘમરોળી રહ્યો છે. અને જૂનાગઢમાં છેલ્લા 24 કલાક દરમિયાન 11 ઇંચ તથા ગિરનાર ઉપર 16 ઇંચ વરસાદ સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં બે થી લઈને આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના વાવડ મળી રહ્યા છે. જેના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તથા ઓજત વિવર, વિલીંગ્ડન સહિતના ડેમ ઓવરફ્લો થયા છે, તથા જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીર આવ્યા છે. બીજી બાજુ ભારે વરસાદના કારણે શહેરમાં પ્રવેશતા અનેક રાજમાર્ગો ઉપર ગઈકાલે પાણી ભરાતા રસ્તા ડાયવર્ટ કરવા પડે તેવી ફરજ પડી હતી. આ સાથે જૂનાગઢ સહિત જિલ્લાના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં ક્યાંક નદીના તો ક્યાંક વરસાદના પાણી ઘુસતા ઘરવખરી તણાઈ હતી અને અનેક જગ્યાઓએ વાહન ડૂબીયા હોવાના સમાચારો મળી રહ્યા છે.

જુનાગઢ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી મેઘરાજા અનરાધાર તોફાની બેટિંગ શરૂ કરી છે. જેના કારણે જૂનાગઢમા છેલ્લા 24 કલાક દરમિયાન પોણા અગિયાર ઇંચ વરસાદ નોંધાયો છે, તો ગિરનાર ઉપર જાણે આભ ફાટ્યું હોય તે રીતે 16 ઇંચ જેટલો વરસાદ થયા હોવાના વાવડ મળી રહ્યા છે. આ સાથે આજે સવારના 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો, માણાવદરમાં સવા બે ઇંચ, વંથલીમાં પાંચ ઇંચ, ભેસાણમાં છ ઇંચ, વિસાવદરમાં 6 ઇંચ, મેંદરડામાં સાડા સાત ઇંચ, કેશોદમાં અઢી ઇંચ, માંગરોળમાં અઢી ઇંચ, માળિયામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. આ જોતા જુનાગઢ જિલ્લાનો છેલ્લા 24 કલાક દરમિયાન 55 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જૂનાગઢને પાણી પૂરો પાડતો ઓજત રિવર ડેમ બીજા દિવસે પણ ઓવર ફ્લો રહેવા પામ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જુનાગઢનો વિલીંગ્ડન ડેમ પણ આ વખતે પ્રથમ વખત ઓવરફ્લો થતા જુનાગઢ વાસીઓમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.

જૂનાગઢમાં ગઈકાલે સવારથી ઝીણો ઝરમર વરસાદ ચાલુ હતો, ત્યારે એકાએક બપોરે ત્રણ વાગ્યાથી સુપડા ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને સાંજના 8 વાગ્યા સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રાજકોટ તરફથી જૂનાગઢના પ્રવેશ માર્ગ સાબલપુર નજીકના જીઆઇડીસી વિસ્તાર પાસે પાણી ભરાતા આ મુખ્ય માર્ગ બંધ કરવો પડ્યો હતો અને વાહનોને બાયપાસ ઉપરથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે ઝાંઝરડા નજીકનો અંડર બ્રિજ અને જોષીપરાનો અંડર બ્રિજ પૂરેપૂરો ભરાઈ જતા વાહનોને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

તો શહેરના અનેક રસ્તાઓ ઉપર એકથી લઈને ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા શહેરનો વાહન વ્યવહાર સ્થગિત થઈ ગયો હતો. તો ગિરનાર દરવાજા નજીકના વાણંદ સોસાયટી અને નીચલા દાતાર વિસ્તાર તથા જલારામ સોસાયટી અને નરસિંહ મહેતા તળાવ આસપાસના વિસ્તારોમાં આવેલ મકાનોમાં કેડસમા પાણી ભરાયા હતા અને અનેક લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ હતી. આ સાથે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પણ પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા.

જુનાગઢ શહેરની સાથે ગિરનાર પર્વત અને જંગલ ઉપર પણ ગઈકાલે જાણે આભ ફાટયું હોય તે રીતે મુશળધાર તોફાની વરસાદ વરસ્યો હતો અને લગભગ 16 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ગિરનાર ઉપરથી પાણીઓના ધોધ છુટ્યા હતા તે સાથે ગિરનાર પર્વત માંથી નીકળતી સોનરખ નદી અને કાળવો તથા લોલ નદી ગાંડીતુર બની હતી. આ સાથે શહેરનો પાવન પવિત્ર દામોદર કુંડ બીજી વખત પૂરેપૂરો ભરાઈ જવા પામ્યો હતો, અને છેક રોડ સુધી પૂરના પાણી પહોંચ્યા હતા. તે સાથે શહેરનો ઐતિહાસિક વિલીંગ્ડન ડેમ પણ ઓવરફલો થયો હતો. તો ભવનાથ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ જવા પામ્યુ હતું અને ભવનાથના માર્ગો ઉપર પાણીના પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આજ રીતે જુનાગઢ જિલ્લામાં 2 થી 8 ઇંચ જેટલો વરસાદ 24 કલાક દરમિયાન ખાબકી જતા જિલ્લાની મોટાભાગની નદીઓમાં ક્યાંક પુર તો ક્યાંક ઘોડાપુર આવ્યા છે. તે સાથે જિલ્લાના તમામ નાના-મોટા તળાવો અને નદી – નાળાઓ પણ પાણીથી પ્રભાવિત બન્યા છે, તો ઘેડ પંથકના અનેક ખેતરોમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો પ્રથમ વરસાદથી જ ઊઠવા પામી છે. આ સાથે ધેડ વિસ્તારના અનેક રસ્તાઓ પર કોઝવેના ભારે પાણી આવી જતા રસ્તાઓ બંધ થયા હોવાના સમાચારો મળી રહ્યા છે. જિલ્લાના ખેડૂતોમાંથી પોતાના ખેતરોમાં ક્યાંક પાળો તૂટવાના કારણે તો ક્યાંક પાળા બન્યા હોવાના કારણે અને ક્યાંક તંત્રની અણ આવડતના કારણે પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે.

જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પાંચ ઇંચ, ભેસાણમાં છ ઇંચ, વિસાવદરમાં છ ઇંચ અને મેંદરડા માં સાડા સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા તાલુકાની તમામ નદીઓમાં ભારે પુર આવ્યા છે. તે સાથે જિલ્લામાં વરસાદી જળબંબાકાર થતાં તમામ જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઈ હોવાના સૂત્રોમાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે, હજુ પણ હવામાન વિભાગ તરફથી 48 કલાક જુનાગઢ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. અને આજે સવારથી જ નભ ઉપર વરસાદી વાદળોના ગોટેગોટા છવાયા છે, ત્યારે આજે પણ જુનાગઢ શહેર સહિત જિલ્લામાં વરસાદ ખાબકી પડે તેવું જાણકારોમાંથી જાણવા મળી રહ્યું છે.

જૂનાગઢમાં બે અંડરબ્રીજ બંધ   

જુનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ક્યાંક ઓચિંતા પડેલા ભારે વરસાદ અને ક્યાંક જુનાગઢ મનપા તંત્રની બેદરકારીના કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો ભોગ બની રહ્યા છે, શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ રહ્યા છે. તો શહેરના બે અંડરબ્રીજો બંધ થતાં લાખો લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તે સાથે નિચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા અનેક ઘરમાં પાણી ઘૂસી ગયાની તથા લાખો રૂપિયાના નુકસાન થયા હોવાની રાવ ઉઠવા પામી છે.

પરંતુ તંત્ર દ્વારા ડિઝાસ્ટ મેનેજમેન્ટ કાગળ ઉપર ચીતરી વાસ્તવમાં કાર્યવાહી ન કરાતા અથવા તો અધિકારીઓની અનઆવડત કે કર્મચારીઓની આળસના કારણે તે સાથે મનપાના પદાધિકારીઓ અને અદાધિકારીઓની હોતી હે ચલતી હે ની નીતિના કારણે જુનાગઢ વાસીઓ પ્રથમ વરસાદે જ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હવે તંત્ર જાગે અને વાસ્તવમાં કામગીરી કરે તો ચોમાસાના આગલા દિવસોમાં જુનાગઢ વાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવું સમગ્ર જુનાગઢ વાસીઓ ઇછી રહ્યા છે અને તંત્ર કંઈક કરશે તેવી આશા સેવી રહ્યા છે.

મનપાની બેદરકારી ખૂલ્લી પડી, સરકારમાં રજૂઆત કરાશે

જુનાગઢના વાળંદ સોસાયટી સહિતના વિસ્તારોમાં ભરાયેલા પાણી મુદ્દે જૂનાગઢના ધારાસભ્યએ તંત્રના અધિકારીઓ સામે આંગળી ચીંધી સીધો આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓની અણઆવડતના કારણે લોકોને પારાવારા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ માટે મનપા તંત્રને પણ યોગ્ય કરવા સૂચના આપવામાં આવી છે, તથા જે લોકોને નુકસાની થવા પામી છે તે લોકોને નુકસાનીનું વળતર મળી રહે તે માટે તેઓ સરકારમાં રજૂઆત કરશે તેમ પત્રકારોને જણાવ્યું હતું.

બામણાસા ઘેડ ગામે શિક્ષકોની કાર પાણીમાં તણાય

જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં આવેલ બામણાસા ઘેડ ગામે વિદ્યાર્થીઓને ભણાવવા આવતા શિક્ષકોની કાર પાણીમાં ફસાય હોવાની વાત સામે આવી છે. જાણવા મળતી વિગતો મુજબ માણાવદરથી કાર લઈને શિક્ષકો કેશોદના બામણાસા ઘેડ ગામે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં આવતી ઉબેણ અને ઓજત નદીમાં ઘોડાપૂર આવી જતા આ શિક્ષકોની કાર પાણીમાં ફસાઈ હતી. જો કે, શાળાના સંચાલકો અને ગામ લોકોએ શિક્ષકો તથા કારને બચાવી લીધી હતી.

ભારે વરસાદ થી ઓજત ગાંડી  તુર બામણાસા પાસે પાળો  તૂટતા ખેતરો ખેદાન મેદાન

સૌરાષ્ટ્રમાં ગઈકાલે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ વચ્ચે ભારે વરસાદને લઈને ઓજત નદીમાં ઘોડાપૂર  આવ્યા હતા, ઓજતના ઉદગમ ગામ  ગોરવિયાલી અને ભેસાણ પંથકમાં ભારે વરસાદ આવતા બે કાંઠે નદી વહી હતી અને બામણાસા નજીક નદીનો  પાળો તૂટી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા ને અનેક ખેતરો ધોવાઈ ગયા હતા

ધારાસભ્ય કોરડીયા સતત ફીલ્ડમાં

ગઈકાલે જૂનાગઢમાં જળબંબાકાર થતા ઠેર ઠેર રસ્તાઓ બંધ થતાં અને ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તણાઈ હોવાના સમાચાર સાંભળતાની સાથે જ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા બાઇક લઈને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા અને લોકોની ફરિયાદો અને પરિસ્થિતિ જાણી તાત્કાલિક મનપાના અધિકારીઓ તથા પદાધિકારીઓને સ્થળ ઉપર બોલાવ્યાં હતા અને વાણંદ સોસાયટી વિસ્તારમાં જે પાણી ભરાયા હતા તેની આગળના પાડાને તોડી ભરાયેલું પાણી ખાલી કરવામાં આવ્યું હતું. જેના કારણે કલાકો બાદ લોકોની ઘરમાંથી પાણી ઓસર્યા હતા. જો કે તે દરમિયાન લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

સાવલી-2 ડેમ ઓવરફલો, હસનાપુર ડેમ પણભરાવાની તૈયારીમાં

જૂનાગઢ નજીકના હસનાપુર ડેમમાં વ્યાપક પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે, અને અત્યારે ડેમ 70 % ઉપર ભરાઈ જતા ગમે ત્યારે આ ડેમ ઓવરફ્લો થવાની શક્યતા હોવાથી બામણગામ, ગલિયાવાડ, સાબલપુર,  અને વીરપુર ગામના લોકોને સાવચેતા રહેવા અને જરૂર જણાય એ સલામત સ્થળે ખસી જવા તથા નદીના આસપાસના વિસ્તારમાં ન જવા માટે તંત્ર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

આ સાથે ખોરાસા ગીર ગામે આવેલ સાવલી -2 ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. અને હજુ પણ પાણીનો પ્રવાહ વધુ પ્રમાણમાં આવી રહ્યો હોવાથી સાબલી ડેમના બે દરવાજા 0.20 મી ખોલવામાં આવ્યા છે, તેના કારણે ડેમ નીચેના આવતા મગરવાડા, ડેરવાણ, માણેકવાડા, ખોરાસા અને સોંદરડા ગામના લોકોને સાવચેતા રહેવા અને નદીના પટમાં અવર-જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.