Abtak Media Google News

અનેક વિસ્તારોમાં પાંચ-પાંચ દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ: પીજીવીસીએલના કારણે અંધારા ઉલેચાતા ન હોવાનું કોર્પોરેશનનું રટણ

રાજકોટમાં ગત સપ્તાહે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાની અસરના કારણે શહેરમાં પીજીવીસીએલને પારાવાર નુકશાની થવા પામી છે. વાવાઝોડા અને ભારે વરસાદમાં ભલે શહેરમાં વિજ પૂરવઠો થોડી ઘણીવાર માટે ખોરવાયો હોય પરંતુ બિપરજોયની અસર હજુ શહેરીજનો વેઠી રહ્યા છે. રંગીલા રાજકોટમાં અંધારા છવાઇ ગયા છે. એક સપ્તાહમાં સ્ટ્રીટ લાઇટની 3531 ફરિયાદો નોંધાઇ છે. જે પૈકી 1244 ફરિયાદો આજની તારીખે પેન્ડિંગ છે. અનેક વિસ્તારોમાં પાંચ-પાંચ દિવસથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોર્પોરેશનનું તંત્ર પીજીવીસીએલનું બહાનું આગળ ધરી રહ્યું છે. સમયસર ફરિયાદ ન ઉકેલાતા હોવાની રાવ છેક શાસકો સુધી પહોંચી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ 13 થી 20 જૂન સુધીના એક સપ્તાહના સમયગાળામાં શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની 3531 ફરિયાદો નોંધાઇ છે. જે પૈકી કોર્પોરેશનની રોશની શાખા દ્વારા 2240 ફરિયાદો હલ કરી દેવામાં આવી છે. જ્યારે આજની તારીખે 1244 ફરિયાદો પેન્ડિંગ છે.

શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં છેલ્લા પાંચ દિવસથી સમગ્ર એરિયામાં સ્ટ્રીટ બંધ છે. જેની પાછળ કોર્પોરેશન નહિં પરંતુ પીજીવીસીએલ તંત્ર જવાબદાર હોવાનું મનાઇ રહ્યું છે. કારણ કે પીજીવીસીએલના જે પોલમાં ફોલ્ટ સર્જાયો છે તે સમયસર રિપેર કરવામાં આવ્યો નથી. જેના કારણે અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ થઇ શકી નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં પીજીવીસીએલનું તંત્ર ગંભીરતા દાખવતું નથી. એવા જવાબ આપવામાં આવે છે કે ટીમ કચ્છ સહિતના વિસ્તારોમાં હોવાના કારણે સ્ટાફ હાજર નથી. જેના કારણે સમયસર રિપેરીંગની કામગીરી થઇ શકતી નથી. બંને તંત્રના સંકલનના અભાવે શહેરીજનોએ અંધારામાં રાતવાસા કરવા પડે છે.

વાવાઝોડા અને ત્યારબાદ પડેલા ભારે વરસાદના કારણે ડ્રેનેજની ફરિયાદોમાં પણ સારો એવો વધારો નોંધાયો છે. એક સપ્તાહમાં ડ્રેનેજની 6865 ફરિયાદો મળી હતી. જે પૈકી 5677 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે 838 જેટલી ફરિયાદો આજની તારીખે પેન્ડિંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.