Abtak Media Google News

આમ આદમી પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાયા બાદ વશરામ સાગઠીયાએ ફરી કોંગ્રેસનો પંજો પકડી લીધો: શહેર કોંગ્રેસના અનેક નેતાઓમાં નારાજગી

આમ આદમી પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા અને પૂર્વ નગરસેવિકા કોમલબેન ભારાઇએ ઘર વાપસી કરી છે. આજે બપોરે અમદાવાદ ખાતે તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. સત્તા માટે પક્ષ પલટો કરનારા માટે ફરી પક્ષે દ્વાર ખોલતા શહેર કોંગ્રેસના અનેક નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાની કાર્યકરોની ફરિયાદના આધારે પૂર્વ કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા ગઇકાલે આમ આદમી પાર્ટી દ્વારા તમામ હોદ્ા અને પ્રાથમિક સભ્ય પદેથી દુર કરવામાં આવ્યા હતા. ‘આપ’માંથી બરતરફ કરાયાના 24 કલાકમાં જ વશરામભાઇ સાગઠીયાએ ફરી ઘર વાપસી કરી છે. તેઓની સાથે રાજકોટના વોર્ડ નં.15ના પૂર્વ કોંગી નગરસેવિકા કોમલબેન ભારાઇએ પણ કોંગ્રેસનો પંજો પકડી લીધો છે.

આજે બપોરે અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉ5સ્થિતીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. “અબતક” સાથેની વાતચિતમાં વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે કોઇપણ શરત વિના મેં મારી માતૃ રાજકીય સંસ્થા કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. શક્તિસિંહ ગોહિલ સાથે મારે 36 વર્ષથી સંબંધ છે. મેં આજે વિધિવત રિતે ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. એક કાર્યકર તરીકે મેં પક્ષ દ્વારા જે કંઇ જવાબદારી સોંપવામાં આવશે તે હું નિભાવીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.