Abtak Media Google News

આંબેડકરનગરમાં લગ્ન પ્રસંગમાંથી આવી યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ

શહેરમાં જુદા-જુદા બે સ્થળોએ આપઘાતના બે બનાવો સામે આવ્યા છે. જેમાં પ્રથમ બનાવમાં મોરબી રોડ પર શિવપાર્ક સોસાયટીમાં ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા લાગી આવતા સગીરવયની પુત્રીએ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે તો બીજા બનાવમાં આંબડેકરનગરમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત આવતા યુવતીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યાની ઘટના પોલીસ ચોંપડે નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જૂના મોરબી રોડ પર આવેલી મહાશક્તિ પાર્ક સોસાયટીમાં રહેતી અંજલીબેન મયુરભાઇ પીપળીયા નામની 17 વર્ષની સગીરાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પરિવારજનોએ પુત્રીને લટકતી હાલતમાં જોઇ જતાં તુરંત હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે જોઇ તપાસી અંજલીને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.

આ અંગે ઘટનાની જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ બી.બી. કોડિયાતર સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અંજલીનું હાલમાં જ ધોરણ-8માં એડમિશન કરાવ્યું હતું. ગઇકાલે પિતા કામે ગયા અને માતા તથા નાના પુત્ર કામ સબબ બહાર ગયા હતા. જેવો ઘરે પરત ફરતા અંજલીને લટકતી હાલતમાં જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માતાએ અંજલીને ઘરકામ કરવા બાબતે ઠપકો આપતા લાગી આવતા આપઘાતી પગલુ ભર્યાંનું ખૂલ્યુ હતું.

તો અન્ય બનાવમાં એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં પ્રિયંકા લલીતભાઇ ચૌહાણ નામની 21 વર્ષની યુવતીએ પોતાની ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાઇ હતી. ઘટનાની જાણ થતા પીએસઆઇ બી.બી.રાણા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ચૌહાણ પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા વિરાણી શાળા પાસે ગયા હતા. જ્યાંથી પરત ફરી પ્રિયંકાએ પોતાના રૂમમાં કપડા બદલવા ગઇ હતી. ત્યારબાદ માતાએ પુત્રીને પંખા સાથે દુપટ્ટા વડે લટકતી જોતા તુરંત રિક્ષામાં હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઇ તપાસી પ્રિયંકાને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનોએ જણાવ્યા મુજબ મૃતક યુવતીએ હાલ ધોરણ-12ની પરીક્ષા આપી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.