Abtak Media Google News
અબતક,વડોદરા
આગામી સમયમાં જ્યારે તમે શહેરમાં ટુ-વ્હીલર ખરીદવા માટે શોરૂમમાં જશો તો તમારે હેલ્મેટ પણ ફરજિયાત ખરીદવું પડશે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, ૧૯૮૯ ના નિયમ ૧૩૮ (૪) (એફ) ટુ-વ્હીલરના ઉત્પાદકો માટે ટુ-વ્હીલરની ખરીદી સમયે રક્ષણાત્મક હેડગિયર્સ પૂરા પાડવાનું ફરજિયાત બનાવે છે. ત્યારે હવે ટુ-વ્હીલરના વેચાણકારોએ તમામ ખરીદદારને ફરજિયાત હેલ્મેટ આપવું પડશે જેની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે. હાલ આ નિર્ણયની અમલવારી વડોદરામાં થઈ છે પરંતુ ટૂંક સમયમાં જ આ નિર્ણયની અમલવારી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં થઈ શકે તેવી પ્રબળ શકયતા છે.

હવે ભવિષ્યમાં ટુ વ્હીલર ખરીદવા જાવ ત્યારે હેલ્મેટ પણ ફરજીયાત ખરીદવું પડશે, મારી પાસે છે-જૂનું પડ્યું છે તેવા બહાના નહીં ચાલે !!

 

શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘે ટ્રાફિક વિભાગને નિયમનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે જેમાં ટુ-વ્હીલર કંપનીઓએ વાહન સાથે હેલ્મેટ આપવું પડશે. બે દિવસ પહેલા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસને જ્યારે નજરમાં આવ્યું કે ટુ-વ્હીલર વેચતા મોટાભાગના શોરૂમ ગ્રાહકોને હેલ્મેટ આપતા નથી તે પછી આ પગલું ભરવામાં આવ્યું. સિંહે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે “તેમાંથી ઘણા શોરુમ્સે ગ્રાહકોને થોડા હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું અને તેઓને હેલ્મેટ ખરીદવાનું સૂચન કર્યું હતું, પરંતુ તેઓ એ ખાતરી કરશે નહીં કે ગ્રાહક હેલ્મેટ ખરીદે.”

 રોડ સેફટી કાઉન્સીલની બેઠકમાં લેવાયેલા નિર્ણયની વડોદરામાં અમલવારી શરૂ:
ટૂંક સમયમાં રાજકોટ-સૌરાષ્ટ્રમાં બની શકે છે અમલી 

તેમણે આગળ કહ્યું કે “તેથી, મેં ટ્રાફિક વિભાગને નિયમનો કડક અમલ કરવા જણાવ્યું છે. અમારી ટીમો હવે અલગ-અલગ શોરૂમની ઓચિંતી મુલાકાત લેશે અને તપાસ કરશે કે શું તેઓ ટુ-વ્હીલર સાથે હેલ્મેટ આપી રહ્યા છે. અમે લોકો હેલ્મેટ પહેરે તે સુનિશ્ચિત કરીને જીવન બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” પોલીસે કહ્યું કે ઘણા લોકો હેલ્મેટ ખરીદવાને બદલે ટુ-વ્હીલર પર ડિસ્કાઉન્ટ મેળવીને ખુશ હોય છે.
સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, ૧૯૮૯ ના નિયમ ૧૩૮ (૪) (એફ) ટુ-વ્હીલરના ઉત્પાદકો માટે ટુ-વ્હીલરની ખરીદી સમયે રક્ષણાત્મક હેડગિયર્સ પૂરા પાડવાનું ફરજિયાત બનાવે છે. જો કે, આ નિયમનું રાજ્યભરમાં ભાગ્યે જ પાલન થાય છે. નિયમો અનુસાર, હેલ્મેટ સારી ગુણવત્તાની છે તેની ખાતરી કરવા માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ) દ્વારા પ્રમાણિત હોવું જોઈએ.
રોડ સેફ્ટી કાઉન્સિલના સભ્ય સત્યેન કુલાબકરે જણાવ્યું હતું કે, “આ શિથિલતા માટે ગ્રાહકો અને શોરૂમ બંને જવાબદાર છે. ઘણી વખત ગ્રાહકો તેમની પાસે હેલ્મેટ હોવાનું બહાનું કાઢીને શોરૂમ મેનેજમેન્ટને હેલ્મેટને બદલે ડિસ્કાઉન્ટ આપવાનું કહે છે. પરંતુ પોલીસ વિભાગના નિયમનો કડક અમલ કરવાનો નિર્ણય જીવન બચાવવામાં મદદ કરશે. એકવાર લોકોને ફરજિયાતપણે હેલ્મેટ આપવામાં આવે તો તેઓ તેને પહેરે તેવી પૂરેપૂરી શક્યતા છે.” તો બીજી તરફ શોરૂમના માલિકોએ જણાવ્યું હતું કે મોટાભાગે ગ્રાહકો હેલ્મેટના ફરજિયાત નિયમો સામે દલીલ કરે છે અને ટુ-વ્હીલર ખરીદતી વખતે ડિસ્કાઉન્ટનો આગ્રહ રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.