Abtak Media Google News

૧૫મીએ સાંજે ૭:૩૦ કલાકે દિવાળી કાર્નિવલ શરૂ થશે: ૧૭મીએ ભવ્ય આતશબાજી, ૧૮મીએ મુખ્ય કાર્નિવલ: રેસકોર્સ રીંગરોડને શણગારાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમવાર આગામી ૧૫ થી ૧૯ ઓકટોબર દરમિયાન દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫મીએ સાંજે ૭:૩૦ કલાકે કાર્નિવલનો આરંભ થશે. રેસકોર્સ રીંગરોડને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવશે.આ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા આગામી તા.૧૫ થી ૧૯ ઓકટોબર એટલે કે એકાદશીથી દિવાળીના દિવસ સુધી શહેરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત પાંચ દિવસ માટે રેસકોર્ષ સંકુલમાં રંગબેરંગી રંગોળી, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેના ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે.દિવાળી કાર્નિવલ ૧૫મી ના રોજ સાંજે ૭:૩૦ કલાકથી રાજકોટના રંગીલા નગરજનો માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉત્સવ અંતર્ગત તા.૧૫ એટલે કે એકાદશીથી નગરજનો માટે દિવાળી કાર્નિવલ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો જેવા કે તા.૧૫ થી એકાદશીના દિવસથી રેસકોર્ષ રીંગ રોડ ફરતે આકર્ષક, ભવ્ય અને રંગબેરંગી રોશનીનો ઝગમગાટ કરવામાં આવશે. જયારે તા.૧૭ એટલે કે ધનતેરસના દિવસે, દર વર્ષની જેમ જ ભવ્ય આતશબાજી-લેસર શો સહિતના રંગબેરંગી કાર્યક્રમો ઉજવાશે. જેમાં અવનવી ડિઝાઈનના ફટાકડાની આતશબાજી તેમજ ડીજેના સથવારે નગરજનો આનંદ માણી શકશે. જયારે તા.૧૮મીએ એટલે કે કાળી ચૌદશના દિવસે રેસકોર્ષ રીંગ રોડ ફરતે રેસકોર્ષ મેદાન તરફના નેકલેશ આકારમાં વન-વે રોડમાં અવનવી ડિઝાઈનની કલાત્મક રંગોળીઓ બનાવાશે. તેમજ રોડ ઉપર ૧૦ જેટલા સ્ટેજ બનાવી તેમાં રાસ-ગરબા, સંગીત સંધ્યા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમજ રાજકોટ શહેરના નગરજનો દરરોજ રાત્રે અવનવા લેસર લાઈટ શો માણી શકશે.  આ ઉપરાંત રેસકોર્ષ મેદાનમાં ફુડ સ્ટોલ અને બાળકોની રાઈડસનો આનંદ પણ આ દિવસોમાં લોકો માણી શકશે અને બાળકો માટે ખાસ કાર્ટુન્કેરેકટરના આકર્ષણો પણ ઉભા કરાશે. આ સિવાય સાયકલીંગ ગ્રુપ, વિદ્યાર્થીઓ વિગેરે દ્વારા પણ તેઓની વિવિધ કલાકૃતિઓ રમત-ગમત વિગેરે બેનમુન આયોજનોથી સમગ્ર રેસકોર્ષમાં કાર્નિવલનું ભવ્યાતિ ભવ્ય વાતાવરણ ઉભું કરાશે. સાથોસાથ આ કાર્નિવલમાં શહેરના અગ્રણી ઉધોગપતિઓ, સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ડોકટરો સહિતના મહાનુભાવો ઉત્સાહભેર જોડાશે. સમગ્ર રાજકોટના શહેરીજનોને અને યુવાધનને સહ પરિવાર માણવા લાયક આ કાર્યક્રમમાં પધારવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરે અનુરોધ કર્યો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.