Abtak Media Google News

જુનાગઢમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે શહેરની ધાર્મિક સંસ્થાઓ પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાઇ છે, શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ ભવનાથ મંદિર, જવાહર રોડ ઉપર સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિર અને કોલેજ રોડ ઉપર આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર, જલારામ મંદિર સહિતના 7 જેટલા મુખ્ય મંદિરો  કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

જવાહર રોડ સ્થિત સુવર્ણ શિખર સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપ હરિપ્રસાદજીના જણાવ્યા અનુસાર, કોરોનાના કેસોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી તા. 30 એપ્રિલ સુધી મંંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. હરિભક્તો ભગવાનના શણગારના દર્શન ઓનલાઇન અને સોશ્યલ મિડીયાના માધ્યમથી કરી શકશે. જ્યારે ભવનાથ તથા ભૂતનાથ મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર તા. 30 એપ્રિલ સુધી તમામ ભાવિકો, દર્શનાર્થીઓ માટે મંદિરો બંધ રહેશે. પૂજારી દ્વારા મંદિરની દૈનિક ધાર્મિક પૂજા વિધી, આરતી મંદિરના નિયમ પ્રમાણે કરવામાં આવશે.

આજ રીતે જૂનાગઢની હવેલી ગલી ખાતે આવેલ શ્રી જલારામ બાપા અને શ્રી વિરબાઇ માંનું મંદિર, પંચહાટડીમાં આવેલ નગરશેઠની હવેલી ખાતેનું ભગવાનનું મંદિર તેમજ રાયજીનગર ખાતેનું શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર પણ કોરોનાના વધતાં જતાં કેસોને ધ્યાને લઇ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંંધ રહેશે. ત્રણેય મંદિરો ખાતે સત્સંગ, ભજન, હવન, સહિતના ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, માત્ર પૂજારી દ્વારા પૂજા અને આરતી થશે. તેવી નિર્ણય ત્રણેય મંદિરોનું સંચાલન કરી રહેલા જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર મહેન્દ્રભાઇ મશરૂ દ્વારા લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.