Abtak Media Google News

ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીનાં વિવાહનો પાવન પ્રસંગ જયાં દર વર્ષે ઉજવાય છે તે પોરબંદર જિલ્લાના માધવપુરના મેળા તરીકે પ્રખ્યાત ઉત્સવને પ્રતિ વર્ષ રાષ્ટ્રીય એકતા મેળા તરીકે ઉજવવાની ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી જાહેરાતને વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ આવકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયથી દેશમાં એકતા, અખંડિતતા વધુ મજબુત બનશે તેમ જણાવ્યું છે.

વધુમાં તેઓએ આ નિર્ણયને આવકારતા નિવેદનમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વિશ્ર્વ ફલકે નવી ઓળખ આપવા શ્રેષ્ઠતમ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માધવપુરના વિશ્ર્વ પ્રસિદ્ધ મેળાને પ્રતિ વર્ષ રાષ્ટ્રીય એકતા મેળા તરીકે ઉજવવા કરેલી જાહેરાતથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ વધુ દ્રઢ બનશે. ભગવાન શ્રી કૃષ્ણ હિંદુ સમાજમાં કાયમ પથદર્શક રહ્યા છે. ગીતા દ્વારા જ્ઞાન આપીને કૃષ્ણએ તમામ સમસ્યાઓનું નિરાકરણ બતાવ્યું છે. આવા યોગેશ્ર્વર કૃષ્ણના જીવનમાં મહત્વના એવા રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ દર વર્ષ માધવપુર ઘેડ ખાતે યોજાય છે. દેવાધિદેવ મહાદેવ પ્રથમ જયોર્તિલિંગ સ્વરૂપે પ્રભાસતિર્થમાં સોમનાથ મહાદેવ સ્વરૂપે બીરાજે છે તો યોગેશ્ર્વર શ્રી કૃષ્ણએ દ્વારિકાને પોતાની રાજધાની તરીકે પસંદ કરીને સૌરાષ્ટ્રને પોતાની કર્મભૂમિ બનાવી છે. જયાં હરી અને હરનો સદાકાળ નિવાસ છે તેવી સૌરાષ્ટ્રની પાવન ભૂમિ ઉપર ભકત સુદામા અને ભકત કવિ નરસિંહ મહેતાએ ખુદ પરમાત્માને દોડીને આવવું પડે તેવી વ્યકિતની આહલેક જગાવી છે.

સૌરાષ્ટ્રના ભાતીગળ મેળાઓમાં એક મેળો માધવપુરના મેળા તરીકે પ્રખ્યાત કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ઉજવવામાં આવે છે પરંતુ જે રીતે તરણેતરના ભાતીગળ મેળાને પ્રસિદ્ધિ મળી છે તેવી પ્રસિદ્ધિ માધવપુરના મેળાને મળી નહોતી પણ હવે જયારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવા માધવપુરના મેળાને રાષ્ટ્રીય એકતા મેળા તરીકે પ્રતિ વર્ષ ઉજવવા જાહેરાત કરી છે ત્યારે હવે માધવપુરનો મેળો પણ તરણેતર અને શિવરાત્રીના મેળાની જેમ જ વિશ્ર્વ ફલક ઉપર પ્રસિદ્ધ થશે તેવી શ્રદ્ધા વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ વ્યકત કરી છે.

ભારતમાં વિવિધ રાજયોને વિવાહ બંધન દ્વારા એક તાંતણે બાંધવામાં આવતા હતા. ભીમ અને હિંડબા, રામ અને સીતા અને શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહ તેની સાબિતી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂર્વોતર રાજયોને પણ આપણી સંસ્કૃતિની મુખ્યધારામાં લાવવા માટે માધવપુરના મેળા દ્વારા ગુજરાત અને અરૂણાચલ પ્રદેશને વિવાહ પ્રસંગ જેવા માધ્યમથી એક સુત્રે બાંધવાનો પ્રયાસ માધવપુરના મેળા દ્વારા કર્યો છે. હવે જયારે માધવપુરનો મેળો રાષ્ટ્રીય એકતા મેળા તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે બે રાજયો વચ્ચેનું ત્રણ હજાર કિ.મી.નું અંતર મીટાવીને રાષ્ટ્રીય એકતા અને વિવિધતામાં એકતાનું પ્રતીક બની રહેશે તેમ દીપક મદલાણીએ અંતમાં ઉમેર્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.