Abtak Media Google News

ગોંડલના વાસાવડ ગામની દિકરીએ ઈન્ટરનેટ વગર માત્ર પુસ્તકોમાંથી જાણકારી મેળવી નિબંધ લખ્યો

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ નામના ખોબા જેવડા ગામની ગોહેલ દિપાલી કાળુભાઇ નામની ક્ધયાએ જાણીતા ગુજરાતી ગઝલકાર શૂન્ય પાલનપુરીની પંક્તિને આત્મસાત કરી બતાવી છે  કદમ અસ્થિર હો જેના, કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો

Advertisement

દિપાલી કાળુભાઇ ગોહેલ નામની ક્ધયા વાસાવડની સરકારી શાળા શામ સમજુ અજમેરા તાલુકા શાળામાં ધો-૯માં અભ્યાસ કરે છે. ગુજરાતના વીર સપુત ડો. વિક્રમ સારાભાઇની જન્મશતાબ્દી નિમિત્તે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા જો ડો. વિક્રમ સારાભાઇ આજે જીવંત હોત તો… નામના વિષય પર યોજાયેલી નિબંધ સ્પર્ધામાં આગળ-પાછળ એક એવા કુલ ૧૫ પાનાં ભરીને નિબંધ લખીને દિપાલીએ સમગ્ર રાજયમાં પહેલો નંબર અને રૂ. ૨૫ હજારનો રોકડ પુરસ્કાર મેળવ્યો છે.

શાળાના આચાર્યશ્રી મોહિતભાઇ રાજાણી, અને દિપાલીને આ નિબંધ લખવામાં મદદ કરનારા અન્ય શિક્ષકોશ્રી જયદેવ ગોહિલ અને સંજય પંચાસરા દિપાલીની નિષ્ઠાની ખૂબ જ સરાહના કરતાં કહે છે કે, દિપાલીના માતા-પિતા મજૂરી કામ કરે છે, એટલે દિપાલીને નેટ પરથી ડો. વિક્રમ સારાભાઇ વિષે નિબંધ લખવા જેટલી માહિતી મળવી શકય નહોતી. પરંતુ દિપાલીએ જરા પણ હિંમત હાર્યા વગર સરકારી શાળાની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ તમામ પુસ્તકોની લીટીએ લીટી વાંચી નાખી અને તેમાંથી કાચી નોંધ તૈયાર કરી. આર્ટીકલ, મુદ્દા, જોડણી, ફકરા, અક્ષરો, વ્યાકરણ, ભાષાકીય સજ્જતા  એક પણ બાબત એવી નહોતી કે દિપાલીએ તેમાં ઉત્કૃષ્ટતા ન જાળવી હોય. અથાક મહેનત, સરાહનીય સાતત્ય અને શ્રેષ્ઠતાના આગ્રહના સુભગ સમન્વય થકી દિપાલીએ રાજયકક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી સાબિત કરી બતાવ્યું કે સફળતા મેળવવા માટે એક પણ અભાવ જરૂરી નથી.

સ્વભાવે અંતર્મુખી પરંતુ બેહિસાબ હોશિયારીની માલિક એવી દિપાલી રાષ્ટ્રીય કક્ષાની એન.એમ.એમ.એસ. પરીક્ષા પાસ કરી છે, જે બદલ તેણીને આવતા ૪ વર્ષ સુધી પ્રતિ માસ રૂ. ૧૦૦૦ ની સ્કોલરશીપ મળતી રહેશે. જાણકારોના મતે આ પરીક્ષા ખૂબ અઘરી હોય છે, જેમાં પણ દિપાલીએ મેરીટમાં સ્થાન મેળવ્યું છે. રાજયની પનોતી પુત્રી એવી દિપાલીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.