Abtak Media Google News

પદવીની ગરીમા જાળવવા યુનિવર્સિટીઓને તાકીદ કરતું હાઈકોર્ટ

એક સમયે ગુ‚ દ્વારા અપાતા શિક્ષણમાં ગુણવત્તા જળવાતી હતી. આવા ગુણવત્તાયુકત શિક્ષણ લઈને વિદ્યાર્થી પોતાના જીવનનું યોગ્ય રીતે ઘડતર કરી શકતા હતાં પરંતુ સમયાંતરે અનેક કારણોસર શિક્ષણની ગુણવત્તાનું સ્તર નબળુ પડવા લાગ્યું છે. જેના કારણે હાલના સમયમાં અલગ-અલગ યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને અપાતી ડિગ્રી મજાકરૂપ બની ગઈ છે. આવી જ વેદના ગુજરાત હાઈકોર્ટ તેના એક કેસના ચુકાદા દરમિયાન વ્યકત કરીને યુનિવર્સિટીઓને ડિગ્રીને મજાક ન બનાવવા તાકીદ કરી છે.

દરેક યુનિવર્સિટીઓએ ઉચ્ચ શૈક્ષણિક ધોરણોને જાળવી રાખવાની જરૂર છે તેમ ગુજરાત હાઈકોર્ટના જજ જે.બી.પારડીવાલાએ જણાવીને ઉમેર્યું હતું કે, યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર છે અને તેના ખૂબ જ ઉંચા ધોરણોની જાળવણી થવી જ જોઈએ. યુનિવર્સિટી ડિગ્રી ધારકને જે ડિગ્રી આપે છે તેનું તે ડિગ્રીને લગતા વિષયનું જ્ઞાન હોવું જોઈએ. હાલમાં ડિજી ધારક પાસે હાઈસ્કૂલના વિદ્યાર્થી જેટલા જ્ઞાનનો પણ અભાવ જોવા મળે છે.

નડીયાદની વિનાયક કોલેજ ઓફ નર્સીંગને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીએ નર્સીંગના જોડાણને રીન્યુ કરવાનો ઈન્કાર કર્યો હતો. જેના વિરોધમાં કોલેજના સંચાલકોએ હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં જસ્ટીસ પારડીવાલાએ જણાવ્યું હતું કે, કોઈપણ કોલેજ યુનિવર્સિટી પાસે માન્યતા માટે પોતાનો હકક છે તેવો દાવો ન કરી શકે જે માત્ર યુનિવર્સિટીનો જ હકક છે કે તે જેતે કોલેજને માન્યતા આપે કે નહીં. યુનિવર્સિટીની આ સત્રમાં માથુ મારીને કોલેજને માન્યતા આપવાનો હુકમ કરવો ન્યાયતંત્ર માટે વધારે પડતી ગણાશે.

મંજુરી આપવાની કાયદાકીય કાર્યવાહી જે યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે તેમાં કોર્ટ કાંઈ કરવાનું રહેતુ નથી. ન્યાયતંત્ર આ પ્રકારના કેસોમાં સંયમનો ઉપયોગ કરવો જોઈએ તેમ જજ પારડીવાલાએ જણાવીને આપણા દેશના ઘણા રાજયોમાં ડિગ્રીને મજાક સ્વરૂપે આપવામાં આવે છે. જેના કારણે દેશના શૈક્ષણિક ધોરણો પર પ્રતિકુળ અસર થાય છે જે દેશમાં પ્રગતિ કરવી હોય તો શિક્ષણના ઉચ્ચ ધોરણોને જાળવી રાખવું આવશ્યક છે અને તેના શૈક્ષણિક કઠોરતાની જરૂર છે. શિક્ષણ એ એક પવિત્ર બાબત છે અને આ સંબંધમાં સખત શિસ્ત અને ઉચ્ચ ધોરણોનું પાલન કરવું જોઈએ.

સરદાર પટેલ યુનિવર્સિટીએ નર્સીંગ કાઉન્સીલની માન્યતા પ્રાપ્ત આ કોલેજના જોડાણને રીન્યુ ન કરવા માટે પુરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવાના કારણને જવાબદાર માન્યું હતું. હાઈકોર્ટે યુનિવર્સિટીના જોડાણ રદ્દ કરવાના નિર્ણયને યોગ્ય માન્યો હતો. હાઈકોર્ટ કોલેજને ખામીઓ સુધારીને ફરીથી જોડાણ લેવા માટે નવેસરથી અરજી કરવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.