Abtak Media Google News

મહિનાઓથી અટવાતી ફાઈલો : ગ્રામ્ય પંથકના વિકાસ કામોમાં અવરોધ

રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે અને રાજયમાં પણ ભાજપ સરકાર હોવા છતાં જિલ્લા પંચાયતમાં વિકાસ કામોની મંજૂરીમાં વિલંબ થતો હોવાની બુમરાળ ઉઠી છે.

રાજકોટ જિલ્લા પં.માં ભાજપનું શાસન છે અને રાજયમાં પણ ભાજપ સરકાર હોવા છતાં વિકાસ કામોની મંજૂરી મળવામાં ભારે વિલંબ થતો હોવાનો રોષ સભ્યોમાં જોવા મળી રહયો છે. વિવિધ સમિતિઓનાં ચેરમેનોની બેઠકમાં આ મૂદે ચર્ચા કરવામાં આવી હતી અને આગામી વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે જરુરી મંજૂરી વિભાગો પાસેથી મેળવી લેવા તાકિદ કરવામાં આવી હતી.

આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે પેન્ડિંગ કામો ઝડપથી પૂરા કરવા સૂચના અપાઈ હતી. રાજકોટ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિનાં ચેરમેનો – અધિકારીઓ સાથે સંકલન બેઠક મળી હતી.

લાંબા સમય બાદ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની હાજરીમાં સમિતિનાં ચેરમેનોની સંકલન બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં 15 માં નાણાંપંચના કામોનાં આયોજનો કર્યા બાદ જરૂરી મંજૂરી મેળવવા સરકારમાં મોકલવામાં આવ્યા હતા. મહિનાઓ થવા છતાં મંજૂરીઓ મળતી નથી પરિણામે વિકાસ કામો ટલ્લે ચડી રહયા છે. ચૂંટણી નજીક હોય નાણાંપંચ સહિતનાં કામો ઝડપી થાય તે માટે તાત્કાલિક મંજૂરી મળી જાય તે માટે પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી હતી. જો કે આ સંકલનની બેઠકમાં કેટલાક સિનિયર સભ્યો ગેરહાજર હતા.

સમિતિઓનાં ચેરમેન સાથેની સંકલન બાદ દરેક શાખા અધિકારીઓ સાથે પ્રમુખ સહિતનાં પદાધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા સ્તરે વિકાસ કામોની મંજૂરી બાકી હોય તો તત્કાળ આપી દેવા અને સરકારમાં જે દરખાસ્તો કરવામાં આવી છે તેનું ફોલઅપ લેવામાં આવે તેવી સૂચનાઓ અપાઈ હતી. દિવાળી પહેલા આચાર સંહિતા લાગુ પડી જશે તેવી શકયતાનાં પગલે પેન્ડીંગ કામો ઝડપથી પુરા કરવા આ બેઠકનો મુખ્ય એજન્ડા હતો પરંતુ કેટલાક સિનિયર સભ્યોને સંકલનની બેઠક અંગે જાણકારી ન હોવાનો પણ કચવાટ જોવા મળ્યો હતો.

આમ કેન્દ્ર રાજ્ય અને જિલ્લા પંચાયતમાં પણ એક સરખી ભાજપની સરકાર હોવા છતાં પ્રજાકીય કામોની વહીવટી પ્રક્રિયાની મંજૂરીમાં વિલંબ થતો હોવાની રાવ ઉઠી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.