રાજકોટ જિલ્લા પંચાયતને પાંચ જિલ્લાનાં 2.31 લાખ તિરંગા અપાશે

હર ઘર તિરંગાનાં સ્લોગન સાથે ઝુંબેશનાં સ્વરૂપમાં કામગીરી હાથ ધરાઈ

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રનાં 11 જિલ્લા માટે 5.12 લાખ ધ્વજ સરકાર મોકલશે.આગામી 15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈ લોકોમાં દેશ ભકિતનો જુવાળ ઉભો કરવા સરકારે આદેશો જારી કરતા ગ્રામ પંચાયતથી માંડી જિલ્લા કક્ષાની કચેરીઓ આયોજનમાં વ્યસ્ત બની ગઈ છે. હર ઘર તિરંગાનાં સ્લોગન સાથે એક ઝુંબેશનાં સ્વરુપમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રનાં 11 જિલ્લા માટે તંત્ર 5.12 લાખ તિરંગા ફાળવશે અને એક – બે દિવસમાં રાજકોટ ઝોન માટે ધ્વજ રાજકોટ જિલ્લા પંચાયતને પહોંચાડી દેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતને પાંચ જિલ્લાનાં 2.31 લાખ તિરંગા અપાશે, આગામી 15 દિવસ પંચાયત તંત્ર વ્યસ્ત રહેશે. વિકાસ કમિશનર અને ડીડીઓનાં આદેશના પગલે દરેક જિલ્લા પંચાયતોમાં તા. 30 મીથી તા. 15 ઓગસ્ટ સુધીનાં કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. શિક્ષકો, તલાટીઓ, આંગણવાડી કાર્યકરો, પશુપાલન વિભાગ, ખેતીવાડી સહિતના વિભાગોનાં કર્મચારીઓને પણ આ ઉજવણીનાં કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે. કેટલાક તાલુકામાં એક માહોલ ઉભો કરવા કામગીરી શરૂ કરી તેનાં પગલે અન્ય કામગીરી આરંભી દેવામાં આવી છે. ઘરે ઘરે જઈ રંગોળી દોરવામાં આવશે.

વેશભુષા કાર્યક્રમો, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો, તિરંગા ફેરી જેવા કાર્યક્રમો યોજાશે. 15 દિવસ સુધી પંચાયતનો સ્ટાફ આ ઉજવણીમાં વ્યસ્ત બનશે. બે અલગ અલગ સાઈઝનાં ધ્વજનું વેચાણ કેટલી કિંમતે કરવું તેની ગાઈડ લાઈન બનાવાશે.

રાજયનાં વહીવટી તંત્રએ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે 5.12 જે રીતે ધ્વજની જરૂરિયાત હોય તે મુજબ પ્લાનીંગ કરી રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ ઝોનને મોકલવા વ્યવસ્થા કરી છે. રાજકોટ જિલ્લા પંચાયતને પાંચ ઝોન માટે 2.31 લાખ ધ્વજ ફાળવવામાં આવી રહયા છે તેમાં રાજકોટ જિલ્લાનાં 70 હજાર ધ્વજનો સમાવેશ થાય છે. આ ધ્વજ રાજકોટ જિ.પંચાયતને મોકલી દેવામાં આવશે આ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. દરેક તાલુકા – જિલ્લામાં ચૂંટાયેલા સભ્યોને પણ ઉજવણીમાં સામેલ કરવા સૂચના અપાઈ છે.

દરમિયાન બે અલગ અલગ સાઈઝનાં ધ્વજ આવશે અને તેનું વેચાણ કેટલામાં કરવુ અને ઉજવણી બાદ તેના ઉપયોગ સંબંધી કેટલીક ગાઈડ લાઇન ગાંધીનગરથી હજુ આવશે તેમ અધિકારીઓએ જણાંવ્યુ હતુ.