Abtak Media Google News

રાજ્યમાં ઔદ્યોગીક મુડી રોકાણ અને સ્ટાર્ટઅપને વેગ આપવાના સરકારના અભિગમ સામે જીઆઈડીસીના પ્લોટોનો આ ભાવ વધારો અવરોધ રૂપ બની શકે: કોરોના કટોકટી અને મંદીના પગલે સરકારે જંત્રી દરમાં કોઈ ફેરફાર કર્યો નથી ત્યારે ઔદ્યોગીક પ્લોટના ભાવ વધારાથી આશ્ર્ચર્ય

Advertisement

ગુજરાતની હવામાં જ ધંધો છે, ગુજરાતની ભુમી પર ઔદ્યોગીક હુન્નર, કસબ અને શુન્યમાંથી સર્જન કરે તેવી ઔદ્યોગીક કૌશલ્યતાના ભંડાર ભરેલા છે. રાજ્યમાં ઔદ્યોગીક વિકાસ માટે ઔદ્યોગીક વસાહતોનું સતત વિસ્તરણ થતું રહે છે. અલબત રાજ્યના ઉદ્યોગપતિઓની ગણતરી અને ઈચ્છાઓ વિરુધ્ધ ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ જીઆઈડીસીએ ગઈકાલે કરેલી એક જાહેરાતમાં 1લી એપ્રીલ 2021થી જીઆઈડીસીના પ્લોટની કિંમતમાં 15% જેટલો વધારો કર્યો છે. સાણંદ ઔદ્યોગીક વસાહતમાં 3780 રૂપિયા પ્રતિ ચો.કિ.ના જૂના ભાવમાં વધારો કરીને 4, 160 રૂપિયા કરી નાંખ્યા છે. આ જ રીતે ગાંધીનગરમાં 7.20, દહેજમાં 2.240, હાલોલમાં 2.110 અને શૈખામાં 2.420 રૂપિયાનો નવો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. માર્ચ 30ના રોજ યોજાયેલી ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમની 511ની બેઠકમાં 15% ભાવ વધારાનો નિર્ણય લેવાયો હતો.

જીઆઈડીસીના આ નિર્ણય અંગે ઉદ્યોગપતિઓમાં ભારે આશ્ર્ચર્ય ફેલાયું છે. રાજ્યમાં અત્યારે નબળી આર્થિક વ્યવસ્થા અને ઔદ્યોગીક મંદીના આ માહોલમાં જીઆઈડીસીના પ્લોટમાં ભાવ વધારો કરવો ઉચિત ન હોવાનું ઔદ્યોગીક સુત્રોમાં મત પ્રવર્તી રહ્યો છે. એકાદ વર્ષ સુધી ભાવ વધારો ન થવો જોઈએ. અત્યારે નવા ઉદ્યોગોની રચના અને રોકાણમાં ખુબજ વિલંબ થઈ રહ્યો છે તેવા સંજોગોમાં આ ભાવ વધારો ઔદ્યોગીક મંદીમાં પડ્યા પર પાટુ અને ખાસ કરીને નવા ઉદ્યોગની રચના અને સ્ટાર્ટઅપના ક્ધસેપ્ટને મોટો ફટકો પાડશે. સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, સીયાના પ્રમુખ અજીત શાહે જણાવ્યું હતું કે, અમે જીઆઈડીસીના પ્લોટીંગના ભાવ વધારાના નિર્ણય અંગે વિવિધ સ્તરે રજૂઆતો કરી છે. અત્યારે કોરોના કટોકટી અને મહામારીમાં ઉદ્યોગ જગત ભારે મંદીનો સામનો કરી રહી છે. રાજ્ય સરકાર જંત્રીના દરમાં કોઈ વધારો કરતી નથી. ત્યારે જીઆઈડીસીને આ ભાવ વધારો કરવાની શું જરૂર પડી. વિસેક જેટલા ઔદ્યોગીક એકમના સંગઠનોએ આ અંગે રજૂઆતો કરીને ભાવ વધારો અત્યારે અનુચીત હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ રાજ્યના જીઆઈડીસીમાં અત્યારની પરિસ્થિતિમાં 70 ટકાથી વધુ જમીન પડતર છે. છતાં 15 ટકાનો આ ભાવ વધારો ઔદ્યોગીક વિકાસ અને નવા કારખાનાઓના નિર્માણ માટે અવરોધરૂપ બની રહેશે. 70 ટકા જેટલી જમીનો પડતર છે તો કઈ દ્રષ્ટિએ પ્લોટના ભાવ વધાર્યા હશે. અત્યારે સરકાર મુડી રોકાણ અને ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન આપી રહી છે. તો બીજી તરફ ઔદ્યોગીક એકમો સ્થાપવા માટેની જમીનોમાં 15 ટકા જેટલો ભાવ વધારો ઔદ્યોગીક જગતમાં વિકાસને મોટો અવરોધ આપશે.

રાજકોટમાં જ ખીરસરાની નવી બનતી જીઆઈડીસી ઉપરાંત મેટોડા અને કુવાડવામાં પણ મોટાભાગના પ્લોટો ખાલી પડ્યા છે તેવા સંજોગોમાં જીઆઈડીસીએ સાણંદ સહિતની ઔદ્યોગીક વસાહતોમાં 15 ટકાના જાહેર કરેલા ભાવ વધારાને પગલે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર અને તાલુકા કક્ષાના ઔદ્યોગીક વસાહતોમાં અત્યારે નવા મુડી રોકાણ અને સ્ટાર્ટઅપના સરકારના ધ્યેયને પ્લોટના ભાવ વધારાના અવરોધનો સામનો કરવો પડે તેવા સંજોગો ઉભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.