Abtak Media Google News

શ્વાન ઝૂમે આતંકીઓ સાથે જંગ ખેલ્યો: સેનાએ લશ્કરના બે આતંકીઓને ઠાર માર્યા

શ્વાન સૌથી વફાદાર પ્રાણી હોય છે તે વાતમાં શંકાને સ્થાન નથી. શ્વાનની વફાદારીના અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે શ્વાનની શિસ્ત અને વફાદારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે ભારતના લશ્કરી શ્વાન ઝૂમએ લશ્કર એ તોયબાના આતંકીઓને શોધી કાઢ્યા અને હથિયારોથી સજ્જ આતંકીઓ પર હુમલો પણ કરી દીધો. જવાબમાં આતંકીઓએ શ્વાનને બે ગોળી મારી દીધી હતી પરંતુ તેમ છતાં બે ગોળીઓ વાગવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ પણ શ્વાન આતંકીઓ સામે લડતો રહ્યો હતો અને અંતે જવાનોએ આતંકીઓને ઠાર કર્યા હતા. હાલ ઝૂમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

એક લશ્કરી આક્રમક શ્વાનને સોમવારે સવારે આતંકીઓને શોધવા સલામતી દળોએ છોડી મુકયો હતો. વાસ્તવમાં દક્ષિણ કાશ્મીરના તંગપવા વિસ્તારના એક મકાનમાં આતંકીઓ છુપાયા છે, તેવી પાકી માહિતી મળતાં સલામતી દળોએ રવિવાર રાતથી જ તે મકાનને ઘેરી લીધું હતું. સોમવારે સવારે જવાનોને ઝૂમ નામના શ્વાનને તે મકાનમાં જવા આદેશ આપ્યો. ઝૂમ વિષે તેમણે જણાવ્યું હતું કે, તે ખૂબ જ તાલિમબદ્ધ, ઝનૂની અને પ્રતિબદ્ધ શ્વાન છે. તેને ત્રાસવાદીઓને શોધવા ખાસ તાલિમ અપાઈ છે.

તેણે કાશ્મીરમાં થયેલી કેટલીયે અથડામણોમાં ભાગ લીધો છે. તે એ મકાનમાં ઘૂસી ગયો હતો અને આતંકીઓ સામે રીતસર યુદ્ધ જ કરવા લાગ્યો, ત્યારે આતંકીઓએ તેને બે ગોળી પણ મારી હતી. આથી ભારે ઇજાગ્રસ્ત થયો હોવા છતાં તેણે આતંકીઓને છોડયા નહીં.દરમિયાન સલામતી દળોએ તે બંને લશ્કર-એ-તૈય્યબા આતંકીઓને ઠાર માર્યા. પરંતુ તેમાં બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા.તે જવાનો અને તે બહાદૂર શ્વાન ’ઝૂમ’ને સારવાર અપાઈ રહી છે. ઝૂમ ને વેટરનરી હોસ્પિટલ (પશુ ચિકિત્સાલય)માં સારવાર અપાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.