Abtak Media Google News

શુક્રવારે ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને એક હજાર લોકોને ઈજા થઈ હતી, જોકે આ ઘટના આટલી ભયાનક કઈ રીતે બની ગઈ એ અંગે કેટલાય એવા પ્રશ્નો છે, જેનો કોઈ જવાબ નથી. જો કે, વર્ષ 2022માં જ કેગ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રેન દુર્ઘટના થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. અ આ રિપોર્ટમાં રેલવેની અનેક ત્રુટી દર્શાવવામાં આવી હતી પણ કમનસીબે આ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નહીં અને 288 લોકોએ જીવ ગુમાવવો પડ્યો.

Advertisement

ઓડિશાની ઘટનાની વાત કરવામાં આવે તો પાટા પર ઊભેલી ટ્રેનમાં અન્ય ટ્રેન ટકરાઈ હતી, જે બાદ તેના ડબ્બા ત્રીજા પાટા સુધી જઈ પડ્યા હતા. જેમાં પસાર થઈ રહેલી ત્રીજી ટ્રેન ટકરાઈ હતી.

આ ઘટના પાછળનાં કારણો અંગે એક ઊંડાણપૂર્વકની તપાસની જરૂર છે. જોકે આ ઘટનાથી ભારતીય રેલવેમાં સલામતીનો પ્રશ્ન ફરી ઊઠી રહ્યો છે.

ભારતની રેલવે સિસ્ટમ દુનિયાની સૌથી મોટી ટ્રાન્સ્પોર્ટ સિસ્ટમ તરીકે જાણીતી છે. જેમાં વર્ષે અંદાજે અઢી કરોડ લોકો એક લાખ કિલોમિટર જેટલી મુસાફરી કરે છે.

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે અગાઉ કરેલાં નિવેદન પ્રમાણે ગયા વર્ષે 5,200 કિલોમિટરના નવા પાટા નાખવામાં આવ્યા હતા. તેમનું કહેવું હતું કે દર વર્ષે આઠ હજાર કિલોમિટરના ટ્રેકને દર વર્ષે અપગ્રેડ કરવામાં આવે છે.

વૈષ્ણવે એવું પણ કહ્યું હતું કે મોટાભાગના ટ્રેકને અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે, જેથી ટ્રેન 100 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે. કેટલાક ટ્રેકને 130 કિલોમિટર પ્રતિ કલાક તો કેટલાક ટ્રેકને 160 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ માટે તૈયાર કરાઈ રહ્યા છે.

એક તરફ દેશભરમાં ઝડપી ટ્રેન દોડાવી શકાય એ માટે સરકારે યોજના અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે.

તો બીજી તરફ રેલવે ટ્રેનોના અકસ્માતના પ્રશ્નનો સામનો કરી રહ્યું છે. રેલવે બોર્ડના પૂર્વ ચેરમેન વિવિકે સહાયે કહ્યું કે ટ્રેન પાટા પરથી ઊતરી જાય તેના ઘણાં કારણો હોઈ શકે- જેમકે ટ્રેકની માવજત ન થઈ હોય, કોચમાં કોઈ ખરાબી હોય, અથવા ડ્રાઇવિંગમાં ત્રુટી રહી ગઈ હોય.

2019-20 માટેના સરકારના રેલવે સેફ્ટી અને કેગના રિપોર્ટમાં નોંધ્યું છે કે, રેલવેના અકસ્માતો પૈકી 70 ટકા કિસ્સામાં ગાડી પાટા પરથી ઊતરી ગઈ હતી, એ પહેલાંના વર્ષે આ પ્રમાણ 65 ટકા હતું.આ રિપોર્ટમાં એવી 40 ઘટનાઓ છે જેમાં ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી, આ પૈકીમાં 33 પેસેન્જર ટ્રેન નહોતી. 40માંથી 17 ઘટનાઓ ટ્રેકમાં ખામીના કારણે થઈ હતી. નવ દુર્ઘટના એવી હતી જેમાં એંજિન, કોચ કે વેગનમાં ખરાબીના કારણે ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી.

ધાતુમાંથી બનેલા રેલવે ટ્રેકને તાપમાનની અસર થાય છે, તે શિયાળામાં સંકોચાય છે અને ઊનાળામાં તે વિસ્તરે છે. તેની નિયમિત રીતે માવજત થાય તે જરૂરી છે. સમયાંતરે ઢીલા પડેલા ભાગોને ટાઇટ કરવા પડે છે, સ્લિપર બદલવા પડે છે અને જરૂર પડ્યે ઑઇલિંગ કરવું પડે છે. આનું ઇન્સ્પેક્શન ક્યારેક પગપાળા કરાય છે તો ક્યારેક ટ્રોલી, લોકોમોટિવ અને અન્ય વાહનોથી કરાય છે.

110 કિલોમિટરથી 130 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડી શકે, એ માટે બનાવાયેલા ટ્રેકની દર ત્રણ મહિને ઓછામાં ઓછા એક વખત તપાસ થવી જ જોઈએ.

જોકે ઓડિશામાં ઘટેલી આ ઘટના પાછળ કયાં કારણો જવાબદાર હતાં, એ તો તપાસ બાદ જ બહાર આવશે. જોકે આ વચ્ચે ચર્ચા એ પણ થઈ રહી છે કે અકસ્માતોને રોકવા માટે ‘કવચ’ ડિવાઇસ લગાવાઈ રહ્યું હતું. રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ કામગીરી માત્ર બે લાઇન પર જ થઈ રહી છે, દિલ્હી-કોલકાતા અને મુંબઈ-દિલ્હી.

હજી એ પણ સ્પષ્ટ નથી કે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઊતરી પડી એની કેટલી વાર પછી શાલિમાર ટ્રેન અથડાઈ હતી. 2010માં પશ્ચિમ બંગાળમાં પાટા પરથી ઊતરી ગયેલી ટ્રેન આવી રહેલી અન્ય ટ્રેન સાથે અથડાઈ ત્યારે 150 લોકોના મૃત્યુ થયાં હતાં.

તપાસમાં એવું બહાર આવ્યું હતું કે માઓવાદીઓએ રેલવેના પાટાને ક્ષતિ પહોંચાડી હતી જેના કારણે કોલકાતા-મુંબઈ પેસેન્જર ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી. જેમાં તેના પાંચ ડબ્બા આવી રહેલી માલગાડી સાથએ ટકરાયા હતા. જોકે આ ઘટનામાં એવું કંઈ થયું હોવાનો અંદાજ હજી સુધી નથી.

રેલવેના પ્રમાણે 2021-22માં ટ્રેનના કુલ 34 અકસ્માત થયા હતા, જેમાં પાટા પરથી ઊતરી જવું, આગ લાગવી, ધડાકો થવો, અન્ય રાહદારી વાહન સાથે ટક્કર, વગેરે કારણો સામેલ હતા.

રિપોર્ટમાં નોંધ્યું છે કે અકસ્માતોની વધી રહેલી સંખ્યા અંગે રેલવેનું તંત્ર ચિંતિત છે અને આ અંગે સિનિયર મેનેજરોને ‘સ્ટાફ પાસે લાંબા કલાકો સુધી કામ લેવા’ અંગે ઝીણવટભરી તપાસ કરવા કહેવાયું હતું.ખાસ કરીને પૂર્વ તટીય રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવેને આ અંગે તાત્કાલિક પગલાં લેવા કહેવાયું હોવાનું પણ નોંધ્યું છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઘટેલી ઘટના પણ આ જ રેલવે ઝોનમાં આવે છે.

 

ન હોય… ટ્રેક ઇન્સ્પેક્શન ક્યાંક થયાં ક્યાંક બાકી!!

એપ્રિલ 2017થી માર્ચ 2021 દરમિયાન પાટા પરથી ઊતરી ગયેલી ટ્રેનો અંગે સરકારના ઑડિટર્સ દ્વારા કરાયેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. રિપોર્ટમાં લખ્યું હતું કે ટ્રેકના સ્ટ્રક્ચર અંગે જે ઇન્સ્પેક્શન થવાં જોઈએ તેની તુલનામાં 30થી 100 ટકા જેટલાં ઓછાં થયાં હતાં.

 

ટ્રેન પાટા પરથી ઉતરી જવાની 1129 ઘટનાઓમાં બે ડઝન પરિબળો જવાબદાર!!

પાટા પરથી ટ્રેનની ઊતરી જવાની 1,129 ઘટનાઓમાં બે ડઝન જેટલાં પરિબળો જવાબદાર હતાં.આ પૈકીની 171 ઘટનામાં મુખ્ય કારણ ટ્રેકની અપૂરતી મરમ્મત હતું, એ બાદ બીજું કારણ ટ્રેક અંગેના માપદંડોને અનુમતિપાત્ર હદ કરતાં વધારે વખત ન જાળવવા અંગે હતું. 180 જેટલી ઘટનાઓમાં પાટા પરથી ટ્રેનના ઊતરી જવા પાછળ મિકેનિકલ કારણો હતાં. તે પૈકી એક તૃતીયાંશ ઘટનાઓ કોચ અને વેગનમાં ખામીના કારણે ઘટી હતી. આ સિવાય ટ્રેનના પાટા પરથી ઊતરી જવા માટે અન્ય એક પરિબળ ‘ખરાબ ડ્રાઇવિંગ અને વધારે પડતી ઝડપ’ પણ હતું.

 

કેગનો રિપોર્ટ હોવા છતાં કોઈએ ગંભીરતા લેવાની તસ્દી કેમ ન લીધી?: સીબીઆઈએ આ દિશામાં પણ કરવી પડશે તપાસ

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં સીબીઆઈ તપાસ થઈ શકે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે રેલવે તરફથી તેની ભલામણ આવી છે આવી સ્થિતિમાં હવે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી શકે છે. મોટી વાત એ છે કે ગઈકાલે એક પૂર્વ રેલ મંત્રીએ પણ આ સમગ્ર ઘટનાને કાવતરું ગણાવ્યું હતું. આ દરમિયાન સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. કેન્દ્ર આ ભલામણને ક્યારે મંજૂર કરશે તે હજુ સ્પષ્ટ નથી.મીડિયા સાથે વાત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આટલી મોટી દુર્ઘટના સાથે બધાએ સાથે મળીને બચાવ કાર્ય કર્યું છે. અત્યાર સુધી ટ્રેકનું સમારકામ થઇ ગયું છે, જે ઉપર ઈલેક્ટ્રીક વાયર છે તેને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યાંની પરિસ્થિતિ જોતા રેલવે બોર્ડ તરફથી સીબીઆઈ તપાસની ભલામણ આવી છે, તેને આગળ વધારવામાં આવશે. જો કે, હવે અગાઉ જ કેગ દ્વારા રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો તેમ છતાં પણ કેમ કોઈએ જવાબદારી લઇ આ મુદ્દે ગંભીરતા ન દાખવી તે દિશામાં તપાસ કરવી પણ જરૂરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.