ધાંગધ્રા: જૂથ અથડામણ બાદ પોલીસ કર્મી પર પથ્થરમારો, પીઆઈ સહિત ત્રણ ઘાયલ

પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા 32 ટિયર ગેસના સેલ છોડ્યા: 24 શખ્સો સામે નોંધાતો ગુનો

અબતક સબનમ ચૌહાણ સુરેન્દ્રનગર

ઝાલાવાડ પંથકમાં દરબાર અને રબારી જૂથ વચ્ચે મુસ્લિમ અને દલિત વચ્ચે તેમજ માથાભારે ભરવાડ ગેંગ દ્વારા ચાલતી ગેંગવોર ના કારણે અવારનવાર શહાસ્ત્ર અથડામણની ઘટનાઓ બનતી રહે છે. ઝાલાવાડ પંથકમાં ચાલતી ગેંગવોરમાં પોલીસને સંડોવી દેવાના અથવા તો પોલીસ પર હુમલા કરવાના બનાવો બની રહ્યા છે. આવો જ વધુ એક બનાવ ગઇ કાલે ધાંગધ્રા શહેરમાં બન્યો હતો. બે જૂથ વચ્ચે શહસ્ત્ર ધીંગાણું ચાલી રહ્યું હતું. તેઓને વિખેરવા પોલીસે કરેલા હળવા લાઠીચાર્જથી ટોળું વિફર્યું હતું અને પોલીસ પર આડેધડ શરૂ કરેલા પથ્થરમારામાં એક પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારી ઘવાયા હતા. આ ઘટના બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ રેન્જ આઇજી ધાંગધ્રા ખાતે પોચી બેકાબૂ બનેલી પરિસ્થિતિ પર અંકુશ મેળવ્યો હતો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રામાં અમદાવાદ રોડ પર રેલવે નાળા પહેલાં મીયાણા સમાજની વસ્તી છે જ્યારે નાળા બહાર દલિત સમાજની વસ્તી છે. બંને સમાજ વચ્ચે અગાઉ થયેલી માથાકૂટ મુદ્દે બુધવારે રાતે બોલાચાલી થતાં જૂથ અથડામણ સર્જાઈ હતી. ધીંગાણું સર્જાતાં સિટી પીઆઇ આર. જી. ચૌધરી, પીએસઆઇ કે. ડી. જાડેજા અને સ્ટાફે ઘટનાસ્થળે જઈને કાર્યવાહી હાથ ધરી હતી.

બે જૂથ વચ્ચે થયેલા ધીંગાણા પર કાબૂ મેળવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો થતાં સિટી પીઆઇ આર. જી. ચૌધરી, કોસ્ટેબલ મહાવીરસિંહ રાઠોડ અને કોસ્ટેબલ વિજયસિંહને ઈજા થતાં સિટી પોલીસની મદદે તાલુકા પોલીસ દોડી આવી હતી. ડીએસપી હરેશ દુધાત, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પાટડી સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળે આવી હતી. તો બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના 32 શેલ છોડ્યા હતાં. જિલ્લાભરની પોલીસ ઘટનાસ્થળે ખડકી દેવા સાથે નગરમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે હિતેષભાઈ ઉર્ફે લાલો ગીરધરભાઈ ચૌહાણ, મહેન્દ્રભાઈ ઉર્ફે મયો ખાનાભાઈ પરમાર, હર્ષદભાઈ જયંતીભાઈ સિંધવ, મહેન્દ્રભાઈ ઉર્ફે જાડો શિવાભાઈ પરમાર, અનિલભાઈ ઉકાભાઈ ચૌહાણ, ગણેશભાઈ ઉર્ફે ગીડો મોતીભાઈ જાદવ, આનંદભાઈ રાજુભાઈ છાસિયા, મનીષભાઈ ઉર્ફે લાલો અમુભાઈ ચૌહાણ, જયેશભાઈ વાણિયા, હરિભાઈ ચૌહાણ, હકો પરમાર, નરેન્દ્ર ઉર્ફે પન્ની તળશીભાઈ ચૌહાણ, અક્ષયભાઈ સાગઠિયા, જીગો સિંધવ, પ્રકાશભાઈ રાતોજા, કમાભાઈ ઠીંગણાનો ભાઈ ગાંગુલી. તો સામે પક્ષે અજુભાઈ જુમાભાઈ માણેક, રાજાબાબુ, યાકુબભાઈ જુમાભાઈ માણેક, ઇંદ્રશીભાઈ બબાભાઈ મોવર, રિયાજભાઈ ઇશાભાઈ માણેક, આશીફ મોવર, જુસબભાઈ હાજીભાઇ માણેક, શાહરૂખભાઈ સલીમભાઈ મોવર સામે ફરિયાદ નોંધી આઠ શખ્સોની અટકાયત કરી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.

રેન્જ આઈ.જી સંદીપસિંઘ ધાગધ્રા ખાતે દોડી આવ્યા: પોલીસ કર્મીઓ સાથે મુલાકાતનો દોર યથાવત કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં રેન્જ આઈ.જી સંદીપ સિંઘ સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે દોડી આવ્યા છે અને આ મામલે કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિને લઈ અને પોલીસ કરીને સાથે બેઠક દોર યથાવત કરી દીધો છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધાંગધ્રા કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિનું એપિક સેન્ટર બન્યું છે પહેલા દેવચરાડી ગામે હત્યાનો બનાવ બન્યો અને જેમાં પોલીસની બેદરકારીના કારણે પરિવારજનોએ બે દિવસ સુધી લાશ ના સ્વીકારી અને આ મામલો થાળે પડ્યો ત્યાં દુદાપુર નજીકથી સ્ટેટ મોનેટરીંગ ટીમ દ્વારા વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો ત્યાં આ વાતને હજુ 24 કલાકના થયા ધાગધ્રા ના હરીપર રોડ ઉપર જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો આશરે 200 લોકો બે સમાજના સામે સામે આવી ગયા અને પથ્થર મારા સહિતના કૃત્ય આચરવામાં આવ્યા ત્યારે આ મામલે પી.આઈ ચૌધરી અને એક પોલિસ કર્મી ને ઇજા પહોંચી અને હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ અને ચર્ચામાં આવેલું ધાંગધ્રા શાંત પડે તે માટે રેન્જ આઈ જી દોડી આવ્યા અને અધિકારીઓ સાથે બેઠક યોજી સૂચનાઓ આપવામાં આવી.