Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટના માધાપર ગામે મેઇન રોડ પર વાહન સામ સામે આવી જવા જેવી સામાન્ય બાબતે બે જુથ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધા બાદ પાનની દુકાને બેઠેલા બે પિતરાઇ ભાઇઓ પર ૧૪ શખ્સોએ ઘાતક હથિયાર વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરી રિવોલ્વર બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના મોડીરાત્રે પોલીસમાં નોંધાતા પોલીસે હુમલાખોરોને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ માધાપર ચોકડી પાસે આવેલ વિનાયક વાટીકામાં રહેતા ભાવિકસિંહ મહેશભાઇ ડોડીયા (ઉ.વ.૩૧) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજયભાઇ વીરડા તેના બે ભાઇ, નિલેશ આહીર, લાલો મિયાત્રા અને અન્ય ૧૦ જેટલા અજાણ્યા શબ્દોના નામ આપ્યા છે.

બપોરે વાહન સામ સામે આવી જવા બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન થઇ ગયું હતું: રાત્રે બન્ને ભાઇઓ પાનની દુકાને બેઠા હતા ત્યારે સંજય વીરડા સહિતના ૧૪ શખ્સો તુટી પડયા

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગઇકાલે માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ પુલ પહેલા માધાપર ગામ તરફ જવાના રસ્તે ગોલ્ડન પોર્ટીકો સોસાયટી પાસેથી ફરીયાદી યુવાન કાર લઇને પસાર થતો હતો ત્યારે સામેથી સંજય વિરડાની હાયર પુર ઝડપે ટ્રક લઇ ટ્રક લઇ ધસી આવતા બન્ને વાહનો સામસામા આવી ગયા હતા.

સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ સંજય વીરડા સહીતના શખ્સો ભેગા થઇ ગયા હતા અને ગાળાગાળી બાદ સમાધાન થઇ ગયું હતું અને ફરીયાદી ભાવીકસિંહ પોતાની કાર લઇને ત્યાંથી નીકળી ગયો હતો.

બાદમાં રાત્રીના પોણા આઠેક વાગ્યે ફરીયાદી ભાવિકસિંહ ડોડીયા અને તેનો પિતરાઇ ભાઇ ભગીરથ દોલતભાઇ ડોડીયા (ઉ.વ.૩૦) માધાપર ગામે ઇશ્ર્વરીયા પાનની દુકાને બેઠા હતા ત્યારે આરોપી સંજય વીરડા સહીતના ૧૪ શખ્સો ધોકા પાઇપ, ધારીયા  રિવોલ્વર જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવી ભાવીકસિંહ અને તેના પિતરાઇ ભાઇ ભગીરથ પર તુટી પડયા હતા અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોરો નાસી છુટયા હતા.

બીજીબાજુ ગંભીર રીતે ઘવાયેલા બન્ને પિતરાઇ ભાઇઓને સારવાર અર્થે ખાનગી  હોસ્પિટલમાં ખસેડાયા હતા ગાંધીગ્રામ પોલીસે ગેરકાયદેસર મંડળી રચી સરાજાહેર બે પિતરાઇની હત્યાનો પ્રયાસ કરવા અંગે તેમજ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવા અંગેનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. આ બનાવની તપાસ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે.એ.વાળા, પી.એસ.આઇ. જનકસિંહ રાણા, હીરાભાઇ સહીતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.