Abtak Media Google News

અબતક-રાજકોટ

જ્યારે આપણું કોઈ પણ કામ પૂર્ણ ન થતું હોય ત્યારે આપણે ભગવાન પાસે માનતા માનીએ છીએ. અને તે કામ પૂર્ણ થઈ ગયા બાદ આપણે ભગવાન પાસે કરેલી માનતા પ્રમાણેનું કાર્ય કરીયે છીએ. લોકોની એવી માન્યતા છે કે માનતા માનવાથી તેમની મનોકામના પૂર્ણ થઈ જશે. ત્યારે રાજકોટમાં એક બાળકીની માનતા પૂરી કરવા પરિવાર જતો હતો અને તે બાળકી જ આ માનતાની યાત્રા દરમિયાન મૃત્યુ પામી. બાળકીની સાથે જ તેનો પરિવાર પણ આ કાળનો કોળિયો ગળી ગયો.આ ઘટના આહીર પરિવારની છે જેમાં માનતા પૂરી કરવા જતાં પરિવારને ગોજારો અકસ્માત નડયો હતો.

રાજકોટમાં રહેતો આહીર ગઈ કાલે રાત્રે ચોટીલા માનતા પુરી કરવા જતો હતો તે પહેલાં જ કુવાડવા અને કુચિયાદળ વચ્ચે કોઈ અજાણ્યા વાહન ચાલકે પરિવારના તમામ સભ્યોને હડફેટે લેતા બાળકી સહિત બેના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટનાની કરુણતા એ હતી કે માતાએ જે બાળકી માટે માનતા માની હતી તે માસૂમ અને તેના કાકા કાળનો કોડયો બનતા પરિવારમાં અરેરાટી મચી છે. જ્યારે તેની માતાની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે આવેલા સુંદરમ પાર્ક-૨ માં રહેતા વિક્રમભાઈ મનુભાઈ મિયાત્રા (ઉ.વ.૩૦) તથા તેમના પત્નિ પાયલબેન મિયાત્રા (ઉ.વ.૨૫) અને તેમની માસૂમ બાળકી નવ્યા મિયાત્રા (ઉ.વ.૧) તથા વિક્રમભાઈના ગંજીવાળા વિસ્તારમાં રહેતા પિતરાઈ ભાઈ રવિભાઈ હરસુખભાઈ મિયાત્રા (ઉ.વ.૨૩) ચાલીને ચોટીલા માનતા પુરી કરવા જઈ રહ્યા હતા. પાયલબેને પોતાની પુત્રી નવ્યા માટે માતાજીની માનતા માની હતી. જેથી ગઈ કાલે રાત્રીના સમયે બાળકી સહિત પરિવારના ચારેય સભ્યો માનતા પુરી કરવા માટે ચોટીલા ચાલીને જઇ રહ્યા હતા.

તે દરમિયાન આહીર પરિવાર કુવાડવા અને કુચિયાદળ વચ્ચે હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે માસૂમ બાળકી નવ્યા સહિત ચારેય સભ્યોને ઠોકરે લીધા હતા. અકસ્માત સર્જાતા જ વાહન ચાલક નાસી છૂટ્યો હતો. જ્યારે ચારેય સભ્યો બેભાન થઈ ગયા હતા. પરંતુ સમયાંતરે વિક્રમભાઈ ભાનમાં આવી જતા તેઓએ અન્ય રાહદારીને રોકી ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ તુરંત દોડી આવી પરિવારના સભ્યોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે જોઈ તપાસી જે બાળકીની માનતા હતી તે નવ્યા મિયાત્રા અને તેના કાકા રવિ મિયાત્રાને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. તો બીજી તરફ બાળકીની માતા પાયલબેનને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આહીર પરિવારના લોકો એકઠા થઇ ગયા હતા.

વધુ મળતી વિગત મુજબ માતા પાયલબેનવ પોતાની એક વર્ષની બાળકી નવ્યા માટે માતાજીની માનતા રાખી હતી. જેના પગલે માતા-પિતા અને બાળકીના કાકા પણ માનતા પુરી કરવામાં જોડાયા હતા. પરિવાર રાત્રે ઘરેથી ચાલીને ચોટીલા માનતા પુરી કરવા જતાં હતાં તે દરમિયાન જ કુચિયાદળ પાસે અજાણ્યા વાહનની હડફેટે પરિવારનો માળો વિખાઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી માસૂમ બાળકી નવ્યા અને તેના કાકા રવિભાઈનું કરુણ મોત નિપજતા પકરીવારમાં કલ્પાંત છવાયો છે. પોલીસને ઘટનાની જાણ થતા તુરંત હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે ઘટનાની નોંધ કરી બંને મૃતદેહ પીએમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.