Abtak Media Google News

ડીઝીટલ યુગમાં પણ શૈક્ષણિક પછાત સમાજમાં પરિવારનું નડતર દુર કરવાની અંધશ્રધ્ધાની 18મી સદીની પ્રતિતિ કરવાતી ઘુણવાની ધૃણાસ્પદ ઘટનાએ 15 વર્ષની નિર્દોષ તરુણીનો સગા ભાઇ-બહેને કુરતાથી ઘાતકી હત્યા કરી ભોગ લીધાની હીચકારી ઘટનાથી સમગ્ર હાલાર પંથક હચમચી ગયો છે. નવરાત્રીમાં માતાજીનું સ્થાપન કરી ધુણતી બહેને પોતાના પરિવાર માટે પોતાની નાની બહેનને નડતર ગણાવી વિધી કરવાના બહાને  માતાજીના સ્થાપન પાસે છરી અને લાકડીથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધાનુ પોલીસમાં નોંધાતા પોલીસે મૃતકના ભાઇ-બહેન સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. તરુણીનો મૃતદેહ તેના પિતાને સોપતા અંતિમ વિધી માટે દાહોદના ધાનપુરા નજીક આવેલા માડવ ગામે લઇ જવામાં આવ્યો છે.

નવરાત્રિમાં માતાજીનું સ્થાપન કરી મોટી બહેને ધુણીને પોતાના પરિવાર માટે નાની બહેન જોખમી અને આફત સમાન ગણાવી માતાજીને ભોગ ધરાવવા ક્રુરતાથી હત્યા કરી

પોલીસે સગી બેનની હત્યાના ગુનામાં ભાઇ-બહેનની ધરપકડ કરી

માહિતી અનુસાર મૂળ દાહોદના વતની અને હાલ ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા ખેડૂત બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાકેશ છગનભાઈ તડવી તેની બહેન સવિતાબેન છગનભાઈ તડવી જે બંનેએ પોતાની જ સગી નાની બહેન શારદાબેન (ઉ.વ. 15) ને પોતાની ઓરડીમાં માતાજીના પાઠ રાખ્યા હતા, અને ઓરડી માં નિર્વસ્ત્ર કરી સુવડાવી દઈ મોટા ભાઈ-બહેને લાકડી અને છરીના ઘા મારીને હત્યા નીપજાવી હતી. અને ત્યારબાદ બંને ભાઈ-બહેન ધુણવા લાગ્યા હતા.

સમગ્ર બનાવ ગઈકાલે સવારે બન્યો હતો, ત્યારબાદ 24 કલાક સુધી હત્યા કરાયેલો મૃતદેહ ઓરડીમાં મૂકી રાખ્યો હતો, અને બંને ભાઈ-બહેન ઘરમાં ધૂણતા રહયા હતા. વાડીમાલિકને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે તુરંત જ ધ્રોલ પોલીસને જાણ કરી હતી. જેથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.જી. પનારા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને હત્યારા બંને ભાઈ-બહેનોને અટકાયતમાં લઈ લીધા પછી શારદાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યુ છે, જ્યારે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી લાકડી અને છરી સહિતના હથીયાર કબ્જે કરી લેવાયા છે. મોટો ભાઈ રાકેશ છગનભાઈ અને સવિતા છગનભાઈ બંને સામે  વાડી માલિક બીપીનભાઈ ગોપાલભાઈ બારૈયાની ફરિયાદ પરથી ધ્રોલ પોલીસે હત્યાનો ગુનોનોંધી ધરપકડ કરી છે.

પોલીસને પ્રાથમિક પૂછપરછ દરમિયાન અંધશ્રદ્ધાના કારણે મોટા ભાઈ-બહેનોએ પોતાની સગી નાની બહેનને વિધિના બહાને હત્યા કરી નાખી હતી. પોતે એવી શંકા વ્યક્ત કરી હતી, કે પોતાની નાની બહેન કે જે મોટા ભાઈ બહેનને મારી નાખશે તેવા ડરના કારણે બંનેએ નાની બહેનનું  કાળશ કાઢી નાખ્યા પછી માતાજીને પ્રસન્ન કરવા માટે ધૂણતા હતા. દરમિયાન પોલીસ દ્વારા રાકેશ પુખ્ત વયનો હોવાથી છે, જ્યારે તેની નાની બહેન સગીરવયની હોવાથી તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જ્યારે પીએસઆઈ પી.જી.પનારા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા બાળકીના માતા-પિતા દાહોદ વતનમાં હોવાથી પોલીસે તેને જાણ કરીને ધ્રોલ ખાતે બોલાવ્યા હતા, જે બાદ આખી ઘટનાથી વાકેફ કર્યા હતા અને 15 વર્ષની બાળકીના મૃતદેહનો કબ્જો પિતાને સોંપ્યો હતો. પિતા બાળકીને પોતાના વતનમાં લઈ જવાની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.