દીદી…તેરા “દેવર” દિવાના: મમતાએ 2024માં “મોદી મુક્ત” થવા વિપક્ષોને આહવાન આપ્યું!!!

અબતક, નવી દિલ્હી : દીદી તેરા દેવર દિવાના આ ફિલ્મી લાઇન દેશના રાજકારણમાં બરાબર ફિટ બેસે છે. દીદી એટલે મમતા તેમના દેવર એટલે મોદી અને દિવાના બન્યા એટલે કે બધું કબ્જે કરતા જાય છે. જો કે મમતાએ આ વાત ગંભીરતાથી લઈને 2024માં મોદી મુક્ત બનવા માટે વિપક્ષોને આહવાન કર્યું છે કે હવે બધાએ એક થઈને ભાજપ સામે લડવું પડશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ  ઉત્તરપ્રદેશ, દિલ્હી અને ગુજરાતમાં મેગા વર્ચ્યુઅલ રેલી યોજી સંબોધન કર્યું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે ઉત્તરપ્રદેશ, દિલ્હી અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં મેગા વર્ચ્યુઅલ રેલી કરી હતી. શહીદ દિવસ પર કરેલી આ વર્ચ્યુઅલ રેલીથી મમતા બેનરજીએ જાહેર કર્યું કે બંગાળ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હવે તેમની નજર દિલ્હીની સરકાર પર છે. મમતા બેનરજીએ કહ્યું કે જ્યાં સુધી ભાજપ આખા દેશમાં સાફ નહીં થાય ત્યાં સુધી તમામ રાજ્યોમાં ખેલા થશે. અમે 16મી ઓગષ્ટે ખેલા દિવસની શરુઆત કરીશું અને ગરીબ બાળકોને ફૂટબોલ વહેંચીશું.

મમતા બેનરજીએ ઉમેર્યું કે, આજે આપણી આઝાદી ખતરામાં છે. ભાજપે આપણી સ્વતંત્રતાને ખતરામાં મૂકી છે. ભાજપને પોતાના મંત્રીઓ પર ભરોસો નથી અને એજન્સીઓનો દુરપયોગ કરે છે. અમારા ફોન ટેપ કરવામાં આવે છે. મેં મારા ફોન પર પ્લાસ્ટર ચઢાવી દીધું છે, આપણે કેન્દ્ર પર પણ પ્લાસ્ટર ચઢાવી દેવું જોઈએ, અન્યથા આખો દેશ બરબાદ થઈ જશે. ભાજપે સંઘીય ઢાંચાને ધ્વસ્ત કરી દીધો છે.

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ‘બંગાળ પોતાની દિકરી ઈચ્છે છે’નો નારો આપનાર મમતા બેનરજીએ બે દિવસ પહેલાં નારો આપ્યો છે – જેને દેશ ઈચ્છે છે. હવે એ(મમતા) યુપી, દિલ્હી, ગુજરાત, અસામ, તમિલનાડુ અને ત્રિપુરા સહિત દેશભરમાં રેલી યોજી રહી છે. લાઈવ સ્ટ્રીમિંગની સાથે-સાથે મમતાના ભાષણને સ્થાનિક ભાષાઓમાં અનુવાદ કરવાની વ્યવસ્થા કરાઈ છે.

મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા મદન મિત્રાએ જણાવ્યું કે 21 જુલાઈએ વર્ચ્યુઅલ રેલી યોજીને અમારી પાર્ટી રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશ કરી રહી છે. 2024માં દિલ્હીમાં મમતા સરકાર હશે. 2024ની ચૂંટણીમાં સૌથી મોટું ફેક્ટર યુપી છે. અહીંયા 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ હારવા જઈ રહ્યું છે.

કોલકાત્તામાં 1993માં 21 જુલાઈએ યુથ કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં 13 કાર્યકરોના મોત થયા હતા. આ પ્રદર્શનનું નેતૃત્વ મમતા બેનરજી કરી રહ્યા હતા. ત્યાર બાદથી તૃણમૂલ કોંગ્રેસ આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવે છે. પ્રતિ વર્ષ 21 જુલાઈના રોજ મમતા બેનરજી મોટી રેલીનું આયોજન કરે છે.

“સિધુ પાજી”નો ભરોસો કોંગ્રેસની નાવને “કિનારો” બતાવશે ?

નવજોતસિંઘ સિધુએ પોતાના નિવાસ સ્થાને 62  ધારાસભ્યોને એકત્ર કરી પોતાની રાજકીય શક્તિનો પરચો બતાવ્યો

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથેના વિવાદ અને તેમની મરજી વિરુદ્ધ રાજ્ય કોંગ્રેસના અધ્યક્ષ બનેલા પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ પોતાના નિવાસ સ્થાને બુધવારે 62 જેટલાં ધારાસભ્યોને એકત્ર કરી પોતાની રાજકીય શક્તિનો પરચો બતાવ્યો હતો. જેથી હવે પ્રશ્ન એ સર્જાયો છે કે “સિધુ પાજી”નો ભરોસો કોંગ્રેસની નાવને “કિનારો” બતાવશે ?

ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભામાં કોંગ્રેસના 80 ધારાસભ્યો છે. સિદ્ધુ બુધવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો સાથે સુવર્ણ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતાં. સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાથી વ્યથિત થયેલા અમરિંદર સિંહે જણાવ્યું હતું કે જ્યાં સુધી સિદ્ધુ તેમની માફી નહીં માગે ત્યાં સુધી તેઓ તેમને નહીં મળે.

બીજી બાજુ સિદ્ધુની સાથે રહેલા ધારાસભ્યો પૈકીના કેટલાંકે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ માફીની વાતને ભૂલી જવી જોઈએ. પંજાબ કોંગ્રેસમાં હજુ કેપ્ટન અમરિંદરસિંઘ અને સિદ્ધુ વચ્ચેની તકરાર વચ્ચે વહેતી થયેલી અટકળો અનુસાર  ટૂંક સમયમાં પાર્ટીના એક કાર્યક્રમમાં નવજોત સિદ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંઘ એક સાથે નજરે આવી શકે છે. કેમ કે શુક્રવારે નવજોત સિંઘ સિદ્ધુ એક કાર્યક્રમમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનું પદ સંભાળશે. આ કાર્યક્રમમાં આવવા માટે નવજોત સિદ્ધુ મુખ્યમંત્રી અમરિંદર સિંઘને આમંત્રણ આપી શકે છે.