Abtak Media Google News

સાગર સંઘાણી

 

રાજ્યમાં છેતરપીંડીના કિસ્સાઓની વાત કરીએ તો દિવસે-દિવસે આશ્ચર્ય જનક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં માસ્ટર માઈન્ડ ઠગો નવા-નવા કીમીયાઓ અપનાવીને લોકોને છેતરતા હોય છે ત્યારે વધુ એક ઘટના જામનગરમાં સામે આવી છે જેમાં ‘ફોન પે’ ના કર્મચારી તરીકે-ઓળખ આપીને વેપારી પાસેથી નાણાં પડાવવામાં આવ્યા હતા ત્યારે આ શખ્સને સાઇબર ક્રાઇમ સેલની ટીમે ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આજે ડીજીટલ યુગનો જમાનો છે ભાગ્યે જ કોઈ એવા વ્યક્તિઓ હશે જે ઓનલાઈન મની ટ્રાન્ઝીકશન નહિ કરતા હોય ત્યારે જામનગરમાં ‘ફોન પે’ ના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપીને દુકાનદારો પાસે જઈ ફોન પે અપડેટ કરવાના બહાને વેપારીઓના ક્યુ આર કોડ નો ઉપયોગ કરી તેમના ખાતામાંથી નાણા પડાવી લેવાનો કારસો રચનાર એક શખ્સને સાયબર ક્રાઇમ સેલ ની ટીમે ઝડપી લીધો છે. જેણે જામનગરના પાંચ વેપારીઓ પાસેથી ૨,૦૮,૦૦૦ ની રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે.

જામનગરની સાયબર ક્રાઇમ સેલની ની ટીમની કામગીરીની વિગતો મુજબ જામનગર શહેરના જુદા જુદા વેપારીઓ પાસેથી ફોન પે ના કર્મચારી તરીકે ઓળખ આપી તેઓના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાનો કારસો રચવામાં આવી રહ્યો હતો, જે અંગે વોચ ગોઠવી સાયબર ક્રાઇમ સેલની ટીમેં જામનગરમાં કાલાવડ નાકા બહાર ગરીબ નવાજ પાર્ક સોસાયટીમાં રહેતા ઇઝરાઇલ ઈકબાલ સમા નામના શખ્સની અટકાયત કરી લીધી હતી.

પોલીસ દ્વારા તેની પૂછપરછ દરમિયાન તેણે જામનગરના રણજીત સાગર રોડ પર વેરાઈ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી વેપારીને ફોન પે ના કર્મચારીની ઓળખ આપી તેના ખાતામાંથી એક લાખ પંદર હજારની રોકડ રકમ ઉપાડી લીધી હોવાનું કબૂલ્યું હતું.

આ ઉપરાંત પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક્સ્ટ્રા લુક હેર કટીંગ નામની દુકાનમાં તેના વેપારી પાસે રૂપિયા ૪૦ હજારની રકમ ટ્રાન્સફર કરાવેલી હતી. નીલકમલ સોસાયટીમાં આવેલી મહેશ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ના વેપારી પાસેથી રૂપિયા ૧૫,૦૦૦, રવિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી રૂપિયા ૮,૦૦૦ જ્યારે સ્વામિનારાયણ નગરમાં આવેલી ચામુંડા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી રૂપિયા ૩૦,૦૦૦ પડાવી લીધા નું સામે આવ્યું હતું. નાના વેપારીઓને પોતાની જાળમાં ફસાવી લઈ બે લાખ આઠ હજાર જેટલી રકમ છેતરપિંડી થી મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા તેની વિશેષ પૂછપરછ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.