Abtak Media Google News

સાગર સંઘાણી

રાજ્યમાં છેતરપીંડીના બનાવોમાં દિવસે ને દિવસે ધરખમ વધારો થતો જાય છે તેમાં પણ ઓનલાઈન છેતરપીંડીના ભોગ લોકો વધુ બને છે ત્યારે જામનગરમાં વધુ એક છેતરપીંડીની ઘટના સામે આવી છે જેમાં બર્થડે પાર્ટી તેમજ અન્ય પ્રસંગોમાં સેલિબ્રિટીના વિડીયો બનાવી આપવાના બહાનેએક કંપનીના નામથી લોકો પાસે નાણા ખંખેરવામાં આવતા હતા ત્યારે આ મામલે પોલીસે પાટણના એક શખ્સને ઝડપીને આગળ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં આવેલી લવલી વેડિંગ મોલ નામની કંપની દ્વારા જુદા જુદા નાગરિકોને જન્મદિવસથી પાર્ટી અથવા અન્ય સામાજિક પ્રસંગો માટે ડિજિટલ ગ્રુપ, ગુજરાતી મુવી, અને ટેલિવિઝનના સેલિબ્રિટી અથવા તો સિંગર પાસેથી બર્થડે વિશ અંગેના વિડીયો બનાવી આપવાનું કામ કરવાની પ્રક્રિયા ચલાવવામાં આવતી હતી.

ઉપરોક્ત કંપનીનો લોગો અને વેબસાઈટનો ઉપયોગ કરીને પાટણના એક સગીર વયના યુવકે પોતાના મોબાઈલ નંબર નાખીને મીડિયામાં લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું, અને જામનગર શહેરના ઉપરાંત અન્ય વિસ્તારના કેટલાક નાગરિકો કે જેઓને સેલિબ્રિટીનો સંપર્ક કરી વિડીયો બનાવી આપવાના ડિજિટલ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ત્યારબાદ કોઈ ગ્રીટીંગ્સ બનાવી આપ્યા ન હતા, અથવા તો આડીઅવળી પોસ્ટ તૈયાર કરીને આપી હતી, અને લોકોના નાણા ખંખેરવાનું શરૂ કર્યું હતું ત્યારે આ મામલે જામનગરની લવલી વેડિંગ મોલ કંપનીને જાણ થતાં તેમણે તરત જ જામનગરના સાઇબર ક્રાઇમ સેલનો સંપર્ક સાધ્યો હતો, અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

જામનગર સાઈબર સેલે ફરિયાદના અનુસંધાને ઊંડાણપૂર્વકની તપાસના અંતે અને સોશિયલ મીડિયાના જુદા જુદા સોર્સ મારફતે આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું, અને તેનું લોકેશન પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રડા ગામનું મળ્યું હતું. જ્યાં રહેતો અને અભ્યાસ કરતો એક સગીરવયનો વિદ્યાર્થી કે જેના દ્વારા છેતરપીંડી આચરવામાં આવતી હતી ત્યારે સાઇબર સેલની ટીમે તેને જામનગર લઈ આવ્યા પછી અદાલતમાં રજૂ કર્યો હતો. જામનગરની અદાલતે તેને જામીન પર મુક્ત કર્યો છે. જેણે ૬ થી વધુ વ્યક્તિ પાસેથી નાણા પડાવી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.