Abtak Media Google News

જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા.  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારે ઔપચારિક રીતે ચર્ચાનો જવાબ આપશે.

બિલોને લીલીઝંડી મળ્યા બાદ જમ્મુ- કાશ્મીરની વિધાનસભા બેઠકો વધશે, સાથે બે સીટ કાશ્મીરી માઈગ્રન્ટ્સ માટે અને એક સીટ પીઓકેમાંથી વિસ્થાપિત નાગરિકો માટે અનામત રખાશે

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2023 જોઈએ તો 5 ઓગસ્ટ, 2019 ના રોજ, સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી.  તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. હવે આ નવા બિલમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો વધારવાની જોગવાઈ કરવામાં આવશે.  જો આ કાયદો બને છે તો જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 114 બેઠકો થઈ જશે. 5 ઓગસ્ટ, 2019 પહેલા જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની 111 બેઠકો હતી.  તેમાંથી 24 સીટો પીઓકેમાં હતી.  ત્યાં ચૂંટણી થઈ શકે નહીં.  આ રીતે કુલ 87 સીટો હતી, પરંતુ લદ્દાખ અલગ થયા બાદ માત્ર 83 સીટો જ રહી ગઈ હતી. આ બિલ કાયદો બન્યા બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની સીટો 83થી વધીને 90 થઈ જશે.  જમ્મુમાં છ અને કાશ્મીરમાં એક સીટ વધશે. આ સિવાય આ બિલમાં બે સીટ કાશ્મીરી માઈગ્રન્ટ્સ માટે અને એક સીટ પીઓકેમાંથી વિસ્થાપિત નાગરિકો માટે અનામત રાખવામાં આવશે.  બે કાશ્મીરી ઇમિગ્રન્ટ્સમાંથી એક સીટ મહિલા માટે હશે.  લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા કાશ્મીરી સ્થળાંતર કરનારા અને વિસ્થાપિત નાગરિકોને નામાંકિત કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય બેઠકો જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકોથી અલગ હશે.  આ હિસાબે જમ્મુ-કાશ્મીરમાં 93 બેઠકો હશે. આ સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 16 બેઠકો અનામત રાખવામાં આવી છે.  જેમાં 7 સીટો એસસી અને 9 સીટો એસટી માટે રાખવામાં આવી છે.

જમ્મુ ક્ષેત્રમાં, સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક સીટ વધારવામાં આવી છે.  તે જ સમયે, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.

જમ્મુના સાંબામાં રામગઢ, કઠુઆમાં જસરોટા, રાજૌરીમાં થન્નામંડી, કિશ્તવાડમાં પેડર-નાગસેની, ડોડામાં ડોડા પશ્ચિમ અને ઉધમપુરમાં રામનગર નવા ઉમેરવામાં આવ્યા છે.  તે જ સમયે, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.  કુપવાડામાં ત્રેહગામ નવી સીટ હશે.  હવે કુપવાડામાં 5ને બદલે 6 બેઠકો થશે.

જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારો) બિલ, 2023માં એસસી- એસટી અને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ છે. બિલ અનુસાર, જેમના ગામ એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે અને સરકારે તેમને પછાત જાહેર કર્યા છે તેમને સામાજિક અને આર્થિક રીતે પછાત ગણવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.