Abtak Media Google News
  • પક્ષને વટવૃક્ષ બનાવવા કાળી મજૂરી કરનારાઓ હવે “માર્ગદર્શક” ભૂમિકામાંથી પણ ગયા: આયાતીઓ સર્વે સર્વા બની ગયા
  • પ્રબળ દાવેદારો હાલ હાંસિયામાં: વોર્ડ લેવલના કાર્યકર્તાઓ પાસે પક્ષનો હવાલો હોય તેવો માહોલ: લોકસભાની ચૂંટણી પછી દબાવાયેલી સ્પ્રિંગ ઉછળશે?
  • રાજકોટ શહેર ભાજપ અંદર ખાને ભારે વિરોધ વંટોળ પણ “સાઈડ લાઈન” થવાના ડરથી ન બોલવામાં નવ ગુણ માની સંનિષ્ઠો શાંત બેઠા છે!

ભાજપના પાવર હાઉસ અને ગ્રોંથ સેન્ટર ગણાતા રાજકોટ શહેરમાં હાલ અંદર કમલમાં કાળો કકળાટ મચ્યો છે. વર્ષોથી પાર્ટીને મજબૂત કરવા કાળી મજૂરી કરી રહેલા પક્ષના સંનિષ્ઠ કાર્યકરોના હૈયામાં અસંતોષની આગ ભભૂકી ઉઠી રહી છે. પરંતુ તમામના મોઢ શિસ્તના તાળા લાગ્યા છે. વોર્ડ કક્ષાના આગેવાનો પાસે હાલ પક્ષનો હવાલો હોય તેવું લાગી રહ્યું છે. પદ મળતા મોટા થઇ ગયેલા નેતાઓ પોતાની જીતને જાણે “મોદી-શાહ” માનવા માંડ્યા હોય તેવું લાગી રહ્યું છે. ન બોલવામાં નવ ગુણ તે  કહેવતને અનુસરી સંનિષ્ઠોએ પોતાના મોં સિવી લીધા છે. લોકસભાની ચૂંટણી બાદ દબાવાયેલી આ સ્પ્રીંગ ઉછળશે.

Advertisement

શિસ્તબધ્ધ ગણાતા ભાજપમાં હાલ ઉપરથી બધુ બરાબર લાગે છે પરંતુ અંદરખાને મોટો ડખ્ખો ચાલી રહ્યો છે. કોર્પોરેશનમાં આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં અગાઉ ગેરલાયક ઠેરવવામાં આવેલા કોંગ્રેસના બંને કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇને બેસવા દીધા હોવાની નાછૂટકે  ફરજ પડી હતી. ભગવાન રામે પણ વનવાસ ભોગવવો પડ્યો હતો. તેમ આગામી પાંચ વર્ષ રાજકોટ શહેર ભાજપના એવા નેતા કે જેને સાંસદ બનવાના ભારે અભરખા હતા. તેઓએ “પરષોત્તમ” નામ જપી વનવાસ સ્વિકારવો પડશે.

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી હાલ વિક્રમાદિત્યના સિંહાસન પર સવાર છે. જેથી તેઓને પક્ષને બેઠો કરનારએ સામાન્ય કાર્યકરની પીડા કે હૈયે ભભૂકતી આગ અનુભવાતી નથી. કાર્યકરો તો છોડો શહેર ભાજપના સર્વેસર્વા આ નેતા ઉપરથી મળેલી વિશેષ છૂટનો બેફામ ઉપયોગ કરી ધારાસભ્ય લેવલના નેતાને પણ ઘઘલાવી નાંખે છે. થોડા સમય પહેલા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ વચ્ચે કાર્યકરોની આગેવાનીમાં થયેલી ચકમક હાલ ભલે શાંત પડી ગઇ હોય તેવું લાગી રહ્યું હોય પરંતુ અંદરખાને હજી બધુ સમુસુતરૂં નથી.

તાકાતવાળા ધારાસભ્ય અને પ્રદેશ કક્ષાના નેતા શહેર ભાજપને ધારે તેમ ચલાવી રહ્યા છે. તેઓને મન પડે તેવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનમાં સપ્ટેમ્બર માસમાં મેયર સહિતના પાંચેય પદાધિકારીઓની નિમણુંકમાં વર્ષો જૂની પરંપરા અને પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો છે. ઉતરતા મેયર અને સ્ટે.ચેરમેનને પેટા સમિતિના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે. આડેધડ નિમણુંકથી ખૂદ કોર્પોરેટરો અને કાર્યકરો પણ આશ્ર્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા.

લોકસભાની ચૂંટણીની ટિકિટ માટે ભાજપમાં ઘણા નેતાઓ પ્રબળ દાવેદાર હતા છતા સ્થાનિક નેતાઓને સાઇડ લાઇન કરી ભાજપ હાઇકમાન્ડ દ્વારા પરષોત્તમભાઇ રૂપાલાને રાજકોટથી ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો જેનાથી કેટલાક નેતાઓ રાજીના રેડ થઇ ગયા છે. જ્યારે કેટલાકના મોંઢા પડી ગયા છે. ખૂદ સિટીંગ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પરષોત્તમભાઇને ટિકિટ આપવાનો આડકતરો વિરોધ કર્યો હોય તેવું તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે.

હાલ ભલે શહેર ભાજપમાં બધુ સલામત હોય તેવું ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું હોય પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. 2014માં લોકસભાની ચૂંટણી વેળાએ શહેર ભાજપ કાર્યાલયે જે રિતે તાળાબંધી કરવામાં આવી હતી. કંઇક આવો જ માહોલ હાલ પક્ષમાં દેખાય રહ્યો છે. પરંતુ કાર્યકરો કે આગેવાનો પાસે કોઇ વિકલ્પ ન હોવાના કારણે બધાએ મોંઢા સિવી લીધા છે. સંનિષ્ઠ કાર્યકરો હાલ હાંસિયામાં ધકેલાય ગયા છે. એક સમયે જેના દ્વારા ચૂંટણીની વ્યૂહરચના ઘડવામાં આવતી હતી. તેઓની સલાહ પણ હાલ લેવામાં આવતી નથી.

રાજકોટ શહેર ભાજપનું ઘર સતત સળગતું રહે તેમાં પ્રદેશ હાઇકમાન્ડને રસ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ આમ પણ સરકાર અને સંગઠનમાં રાજકોટ કંઇ ઉપસતું નથી. હવે લોકસભાની ચૂંટણીમાં પણ રાષ્ટ્રીય નેતાને રાજકોટથી ટિકિટ આપી પક્ષે સ્થાનિકોને પોતાની હેસિયતમાં રહેવા ઇશારામાં સમજાવી દીધું છે. હાલ જે પોતાની જાતને “કમલ” કસપી માની રહ્યા છે. તેઓનું રાજકીય ભાજપ લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ નક્કી થઇ જશે.

લોકસભાની ચૂંટણી બાદ માત્ર રાજકોટ શહેર ભાજપ નહીં પરંતુ ગુજરાતના રાજકારમાં નવા-જૂનીના એંધાણ દેખાય રહ્યા છે. હાલ પોતાની જીતને જીતના સારથી સમજીને આગળ ચાલી રહેલાઓને દ્વારપાળ બનાવી દેવામાં આવશે. સંનિષ્ઠોના હૈયાની હાય પક્ષનું નિકદંન કાઢી નાખશે તેવા નિશાશા કાર્યકરો નાંખી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.