Abtak Media Google News

શહેર ભાજપની સંકલન બેઠક માટે પણ સમય નથી, પ્રમુખ સિવાયની આપી ટીમ જુની: હજી એકાદ સપ્તાહ નવા સંગઠન માળખાની રચનાની સંભાવના નહિવત

રાજકોટ શહેર ભાજપના અઘ્યક્ષ તરીકે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કમલેશ મિરાણીના સ્થાને મુકેશભાઇ દોશીની નિયુકિત કરવામાં આવી છે. નવ નિયુકત પ્રમુખ એકાદ સપ્તાહમાં નવુ સંગઠન માળખુ જાહેર કરી દેશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ સતત કાર્યક્રમોની વણઝારના કારણે જુની ટીમના સહારે જ ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. શહેર ભાજપની સંગઠન સમિતિની બેઠક બોલાવવાનો પણ સમય નથી.

લોકસભાની ચુંટણીના આડે હવે 10 મહિનાનો સમય બાકી રહ્યો છે. ત્યારે ચુંટણી લક્ષી કામગીરીને વેગવાન બનાવવા માટે સંગઠન માળખુ મહત્વનો ભાગ ભજવે છે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તાજેતરમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે મુકેશભાઇ દોશીની નિયુકિત કરવામાં આવી છે. સામાન્ય રીતે નવનિયુકત પ્રમુખ આઠ થી દશ દિવસમાં પોતાની નવી ટીમ જાહેર કરી દેતા હોય છે. પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે તાજેતરમાં નવ વર્ષ પૂર્ણ કરતા હાલ ભાજપ દ્વારા રાજયવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ સંગઠાત્મક કાર્યક્રમો યોજાઇ રહયા છે. આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રીની જનસભા પણ યોજાવાની છે. સતત કાર્યક્રમોની વ્યસ્તતાના કારણે નવા સંગઠન માળખાની રચના વિલંબમાં પડી રહી છે. સામાન્ય રીતે નવી ટીમ જાહેર કર્યા પૂર્વ શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક મળતી હોય છે. જેમાં અલગ અલગ હોદા પર અલગ અલગ વ્યકિતની નિયુકિત કરવા માટે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવતી હોય છે. જ્ઞાતિ અને જાતિના સમીકરણોના આધારે નામો નકકી કરવામાં આવતા હોય છે. ત્યારબાદ આ તમામ સંભવિતો નામ હાઇકમાન્ડ સમક્ષ મોકલવામાં આવતા હોય છે. હાઇડમાન્ડ દ્વારા લીલીઝંડી મળતાની સાથે જ પ્રમુખ દ્વારા સંગઠન માળખુ જાહેર કરવામાં આવતું હોય છે.

મુકેશ દોશીએ પ્રમુખ તરીકે ચાર્જ સંભાવ્યાના બીજા દિવસથી વિવિધ સંગઠાત્મક કાર્યક્રમોની વણઝાર શરુ થઇ જવા પામી છે. જેના કારણે નવી ટીમની રચના કરવા માટે તેઓને સમય જ મળ્યો નથી. સાંસદ, ધારાસભ્યો અને મેયર સહિતના સંકલન સમિતિના સભ્યો પણ સતત કાર્યક્રમોમાં વ્યસ્ત છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓ રાજકોટ જીલ્લાના આટકોટ ખાતે આવ્યા છે. આ ઉપરાંત આગામી 14મી જુનના રોજ રાજકોટ ખાતે કેન્દ્રીય મંત્રીની જનસભા યોજવાની છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહ્યો છે. સતત કાર્યક્રમોના કારણે સંગઠન સમિક્ષાની બેઠક પણ મળી શકી નથી. જેના કારણે નવા સંગઠન માળખાની રચના માટે કોઇ પ્રાથમિક તૈયારી ચર્ચા પણ થઇ શકી નથી.

દરમિયાન આગામી શુક્રવારે શિક્ષણ સમિતિની ચુંટણીના ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જો કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછુ નહીં ખેંચે તો સમિતિના 1ર પૈકી 8 સભ્યોની ચુંટણી યોજાશે શિક્ષણ સમિતિની ચુંટણીમાં કોર્પોરેટરો જ મતદાન કરી શકે છે. અને તેમાં પ્રેફરન્સ મત આપવાના રહે છે. એટલે પસંદગીના ઉમેદવારને એકડા-બગડા આપવાના રહે છે. જો આઠ સભ્યો માટે ચુંટણી યોજવાની જરુરીયાત ઉભી થશે તો ભાજપના તમામ 68 કોર્પોરેટરોને મતદાન માટે ટ્રેનીંગ આપવી પડશે. જેમાં એકાદ દિવસ નિકળી જશે આગામી એકાદ સપ્તાહ સુધી હજી નવા સંગઠન માળખાની રચના થાય તેવી કોઇ જ સંભાવના દેખાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.