Abtak Media Google News

લોહીએ માનવ શરીરનું જીવંત ઝરણું છે, આ લાલ પ્રવાહી શરીરમાં ઘણા બધા કાર્યો કરે છે: શરીરનાં અવયવોના સંચાલન માટે જે પોષણ અને પ્રાણવાયુની જરૂર પડે તે તત્વો રક્ત-કોષિકાઓ દ્વારા પૂરા પાડે છે

પૃથ્વી પર વસતા દરેક માનવીનાં રક્તનો કલર લાલ છે. માનવીને સર્જરીમાં-અકસ્માતમાં-લોહી ઓછુ થવાના જેવા વિવિધ કિસ્સામાં રક્ત ચડાવવાની જરૂર પડે છે. કોઇક રક્તદાન કરે તો જ તે બીજાને આપી શકાય છે. રક્તદાન સૌથી શ્રેષ્ઠ અને મહાદાન છે. બ્લડ બેંક તમારા રક્તની વિવિધ નિયત તપાસ કર્યા બાદ જ બીજાને આપે છે. રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ છે. લોહીના પ્રત્યેક માઇક્રોલીટર જથ્થામાં 40 થી 60 લાખ રક્તકણો હોય છે. આજે દુનિયાભરમાં લોહીના વિવિધ રોગો પણ જોવા મળે છે. તેમાં રહેલી ઘણી બધી ઉણપને કારણે આવા રોગો થતાં હોય છે.

આપણા જીવનમાં આપણે અચાનક જ જીવનનાં સૌર્દ્ય પ્રત્યે જાગરૂક થઇ જઇએ છીએ. વસંતના આગમન ટાણે આપણા જીવનમાં એક તાજગી અને આનંદની ક્ષણોનો ઉભરો આવે છે. નવપલ્લવિત વૃક્ષો અને તેના પુષ્પગુચ્છોની જેમ માનવ શરીરમાં પણ પળેપણ આવી વસંત આવે છે, જેનું કારણ છે કુદરતની અણમોલ ભેટ-રક્ત, રુધિર, લોહી. અનાદિકાળથી લોહીને આપણે મંત્રમુગ્ધ બનીને જોઇએ છીએ. અજ્ઞાન ગુફાવાસી આદિમાનવી પણ એટલું તો સમજી શકતો કે જીવન બચાવવા લોહી બચાવવું જરૂરનું છે.

રક્તમાં ઘણાં ગૂઢ રહસ્યો છુપાયાં છે. આશ્ર્ચર્યની વાત તો ત્યાં છે કે રક્ત વિશે વધુ જાણવા આપણે કોશિશ કરીએ છીએ ત્યારે જ આપણને સમજાય છે કે રક્ત વિશે આપણે કેટલું થોડું જાણીએ છીએ! હજારો વૈજ્ઞાનિકોએ રક્તમાં રહેલાં ગૂઢ રહસ્યોનો ભેદ ઉકેલવા જીવનભર પરિશ્રમ કર્યો છે. બાયોકેમિસ્ટોએ હિમોગ્લોબીન અને પ્રોટીન પદાર્થોને અવિરત અભ્યાસ આદર્યો છે. લોહીનાં દર્દોને સમજવા તથા તેની વધુ ઉમદા સારવાર થઇ શકે તેવા માર્ગ શોધવા હિમેટોલિજિસ્ટે તેમનું જીવન સમર્પિત કર્યું છે.

Blood Components Blood Cells Platelets Plasma White1 1 આ બધા પ્રયાસોના ફળસ્વરૂપે રક્તનાં રહસ્યો ઉપરથી થોડો ઘણો પણ પડદો ઉપડ્યો છે. તેને કારણે કુદરતના આ જટિલ છતાં જીવંત તત્વ વિશે આપણે કંઇક જાણીએ અને આ જાણકારીના ચમકારામાંથી એટલું ચોક્કસ લાગશે કે રક્તનો અભ્યાસએ જીવનનો પણ અભ્યાસ છે, કેમકે ખરેખર તો રક્ત એ જ જીવન છે.

રક્ત એ માનવશરીરનું જીવંત ઝરણું છે. આ લાલ પ્રવાહી શરીરમાં ઘણાં બધાં કાર્યો કરે છે અને શરીરનો કોઇપણ ભાગ તેના સિવાય જીવંત રહી શકતો નથી. શરીરના અવયવોના સંચાલન માટે જે પોષણ અને પ્રાણવાયુની જરૂર પડે છે તે તત્વો રક્ત-કોષિકાઓ દ્વારા પૂરાં પાડે છે. શરીરના બિનઉપયોગી કચરાને રક્ત ખાસ અવયવો મારફત બહાર ફેંકવામાં મદદરૂપ બને છે અથવા તો તેવાં તત્વોને નિરુપદ્રવી પદાર્થોમાં ફેરવી નાખે છે.

શરીરમાં પ્રવેશતા જીવાણુઓનો પણ રક્ત પ્રતિકાર કરે છે.

પ્રત્યેક વ્યક્તિના કદ અને સ્થિતિ-સંજોગોના આધારે પ્રત્યેક મનુષ્યમાં રક્તનો જથ્થો રહેલો હોય છે. 73 કિલોગ્રામ વજન ધરાવતી પુખ્ય વયની વ્યક્તિમાં 4.7 લીટર રક્ત હોય છે. 36 કિલોગ્રામ વજનવાળા બાળકમાં આથી લગભગ અર્ધો જથ્થો રક્તનો હોય છે, જ્યારે 4 કિલોગ્રામ વજનવાળા શિશુના શરીરમાં ફક્ત 300 મિલી લીટર રક્ત હોય છે. ઉચ્ચ પ્રદેશોમાં રહેતા મનુષ્યોમાં મેદાન વિસ્તારમાં રહેેતા લોકો કરતાં લગભગ  1.9 રક્ત વધુ હોય છે. તેથી શારીરીક જરૂરીયાત પ્રમાણે વધુ રક્ત વધુ પ્રાણવાયુ ગ્રહણ કરી શકે છે.

આખા શરીરમાં રક્તનો સંચાર હ્રદ્ય દ્વારા થાય છે. હ્રદ્યમાંથી ધમનીઓ દ્વારા રક્ત શરીરમાં વહે છે અને નસો દ્વારા હ્રદ્યમાં પાછું ફરે છે. હ્રદ્ય સાથે જોડાયેલી મોટી ધમનીઓ રક્તને નાની-નાની રક્ત-કોષિકાઓ સુધી લઇ જાય છે. આ રક્ત-કોષિકાઓમાં અતિસૂક્ષ્મ વાળ જેવડી બારીક નસ ‘કેપિલરી’ તરીકે ઓળખાય છે. રક્તમાં તેમજ શરીરના કોષોમાં પ્રાણવાયુ પોષણ તેમજ બિનઉપયોગી તત્વની આપ-લે આ અતિસૂક્ષ્મ કેપિલરીની દીવાલો દ્વારા થાય છે. આ સૂક્ષ્મ કેપિલરીઓ દ્વારા રક્ત મોટી નસોમાં, તેમાંથી વધુ મોટી નસોમાં છેવટે સૌથી મોટી નસ દ્વારા હ્રદ્યમાં દાખલ થાય છે. રક્તને ગતિશીલ રાખવામાં બીજા અવયવો પણ કાર્ય કરે છે. જેમકે ફેફ્સાં જેના દ્વારા રક્તને પ્રાણવાયુ મળે છે અને અંગારવાયુનું નિષ્કાસન થાય છે. કીડની રક્તને ઝેરી તત્વોથી બચાવે છે તેમજ રક્તના પ્રવાહીરૂપને મીઠાના જથ્થાને નિયમિત રાખે છે. લીવર તેમજ આંતરડાં રક્તને પોષણ પુરૂં પાડે છે.

રક્તના ચાર મુખ્ય વિભાગો છે: (1) રુધિરસ (પ્લાઝમા) (2) રક્તકણ (3) શ્ર્વેતકણ અને (4) ત્રાક્કણ. આમાંના છેલ્લા ત્રણ વિભાગોને ચોક્કસ આકાર હોવાને કારણે “ફોર્મ્ડ એલીમેન્ટસ” કહેવામાં આવે છે. લોહીના રક્ત અને શ્ર્વેતકણને “કોર્પકલ્સ” તરીકે ઘણીવાર ઓળખવામાં આવે છે.

પ્લાઝમા (રુધિરસ): લોહીના પ્રવાહી હિસ્સાને પ્લાઝમા અથવા રુધિરસ કહેવામાં આવે છે. આ પીળાશ પડતું પ્રવાહી સમગ્ર લોહીના જથ્થાના લગભગ 55 થી 65 ટકા હોય છે. રક્તકણ, શ્ર્વેતકણ અને ત્રાક્કણ ઘન પદાર્થો હોય રુધિરસમાં તરતા રહે છે. રુધિરસમાં મહદ્અંશે પાણી હોય છે. આમ છતાં તેમાં અસંખ્ય બીજા પદાર્થો હોય છે, જેવા કે પ્રોટીન, પાચન થયેલ ખોરાક તથા બિનઉપયોગી તત્વો.

આલ્બ્યુમીન, ફાઇબ્રીનોજન અને ગ્લોબ્યુલીનએ રુધિરસનાં મુખ્ય પ્રોટીન તત્વો છે. આલ્બ્યુમીન રક્ત-કોષિકાઓમાં રુધિરસને જાળવવામાં મદદ કરે છે. જ્યારે આલ્બ્યુમીનનું પ્રમાણ ઘટે છે ત્યારે રુધિરસનું પ્રવાહી આજુબાજુના સેન્દ્રિય પદાર્થમાં ઘૂસી જાય છે, જેના પરિણામે સોજો ઉત્પન્ન થાય છે. ફાઇબ્રીનોજન લોહીનો ગઠ્ઠો બનાવવાનું મહત્વનું કાર્ય કરે છે, જે પ્રક્રિયા દ્વારા ઘા ઉ5ર લોહી થીજી જાય છે. ગ્લોબ્યુલીન પ્રોટીન, ખાસ કરીને ગામા ગ્લોબ્યુલીન્સ, રોગોના ચેપનો પ્રતિકાર કરે છે. આ પ્રોટીનની ઉણપ જે ‘અંગોમાં ગ્લોબ્યુલીનેમિયા’ તરીકે ઓળખાય છે તે વારંવાર ગંભીર ચેપી રોગો ઉત્પન્ન કરે છે.

પાચન થયેલો ખોરાક આંતરડા દ્વારા રુધિરસમાં આવે છે. રક્ત દ્વારા આવો ખોરાક રક્ત-કોષિકાઓમાં જાય છે અને આ પ્રક્રિયા દ્વારા શક્તિ અને નવા સેન્દ્રિય પદાર્થો બને છે. બિનઉપયોગી તત્વો રક્તકોષોમાંથી લોહી દ્વારા ખેંચાઇ જાય છે. યુરીયા અને એમોનિયા જેવા કેટલાય બિનજરૂરી પદાર્થો રુધિરસમાં હોય છે અને રુધિરસમાંથી આવા પદાર્થોનો નિકાલ કીડની અને લીવર દ્વારા થાય છે. કોષિકા દ્વારા ઉત્પન્ન થયેલ બાયકાર્બોનેટ કણો જ અંગારવાયુનું રૂપાન્તર કરે છે. તે રુધિરસ ફેફ્સાંમાં રહેલ સૂક્ષ્મ નળીઓમાં પહોંચાડે છે, જ્યાં બાયકાર્બોનેટ કણો પાછા કાર્બન ડાયોક્સાઇડ (અંગારવાયુ)માં બદલાઇ જાય છે. આ અંગારવાયુ સૂક્ષ્મ નળીઓની દીવાલ મારફત ફેફ્સાંમાં દાખલ થાય છે અને ત્યાંથી શ્ર્વાસ દ્વારા શરીર બહાર ફેંકાઇ જાય છે. રુધિરસની અંદર ઘણી જાતના પીગળેલા વાયુઓ તેમજ ખનિજ-તત્વો હોય છે. આ ઉપરાંત તે હોર્મોન્સ તરીકે જાણીતાં રાસાયણિક દ્રવ્યોને શરીરના એકભાગથી બીજા ભાગ સુધી લઇ જવાનું કાર્ય કરે છે.

રક્તકણો (રેડ બ્લડ સેલ્સ): આકૃતિજન્ય તત્વોમાં અતિ સંખ્યા ધરાવતું તત્વ રક્તકણો છે, જે એરીથ્રોસાઇટ તરીકે પણ ઓળખાય છે. લોહીના પ્રત્યેક માઇક્રોલીટર જથ્થામાં 40 થી 60 લાખ રક્તકણો છે. રક્તના પ્રવાહમાં રક્તકણો અવિતરત પરિભ્રમણ કર્યા કરે છે. આ રક્તકણોનું મુખ્ય કાર્ય ફેફ્સામાંથી પ્રાણવાયુ શરીરના સેન્દ્રિય પદાર્થોને પહોંચાડવાનું તેમજ સેન્દ્રિય પદાર્થોમાંથી અંગારવાયુ ખેંચી ફેફ્સાંમાં પહોંચાડવાનું  છે.

(પૂરક માહિતી ‘રહસ્યમય રક્ત’ બુક પ્રોજેક્ટ લાઇફ રાજકોટમાંથી)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.