સરકારી સારવારમાં તબીબોને પણ છે વિશ્વાસ

જામનગરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા ત્રણ મહિલા તબીબોએ સરકારી સારવારથી કોરોનાને માત આપી

જામનગરના ત્રણ મહિલા તબીબોએ જી.જી.સરકારી કોવિડ હોસ્પિટલની સારવારથી કોરોનાને હરાવ્યો છે. આ ત્રણ મહિલા પૈકી ખાનગી પ્રેકટિસ કરનાર સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબે પણ સરકારી કોવિડ હોસ્પિટલની સારવાર લઇ કોરોનાને મ્હાત આપી છે.

શહેરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદીની દેસાઇ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. તેઓ આ વિશે કહે છે કે, હૃદયની બિમારી ધરાવતાં મારા ૮૭ વર્ષના પિતા ડો.ભરતભાઈ છાયાને કોરોના થતાં તેમની ૨૩ દિવસ કોવિડ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. હું તેમના સંપર્કમાં હતી તેમજ મને નબળાઇ જેવું લાગતાં મારો રિપોર્ટ કરાવ્યો હતો જે કોરોના પોઝીટીવ આવ્યો હતો.  મારી નાની પુત્રીને પણ લક્ષણો હતા. તેને પણ પાંચ દિવસ હોમ આઇસોલેશનમાં રાખી હતી. ડીન ડો.નંદીની દેસાઇ હોમ કવોરન્ટાઇન થયા હતા. ઘરેથી જ પોતાની મેડિકલ કોલેજની કામગીરી કરતાં હતા.  ૧૮ વર્ષથી જી.જી. હોસ્પિટલમાં ડો. મીતા પટેલ એનેસ્થેટિસ્ટ તરીકેની ફરજ બજાવે છે. તેઓને ગત તારીખ ૧લી જૂને અમદાવાદની હોસ્પિટલમાં ફરજ ઉપર મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી ૧૦ જૂને ફરજ પૂરી કરી પરત ફર્યા બાદ તેમને કોરોનાના લક્ષણો દેખાઇ આવતા, તપાસ કરાવતા કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓએ પણ કોવિડ હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી. ડો. મીતા પટેલ કહે છે કે, અમારી ફરજ દરમિયાન માસ્ક, પીપીઇ કીટ વગેરે પહેરીને જ દર્દીઓને તપાસતા હોઇએ છીએ. તમામ પ્રકારની સાવચેતી છતાં અમે દર્દીઓના સંપર્કમાં વધુ રહેવાથી સંક્રમિત થઇ જઇએ છીએ. ૧૫ મીનીટથી વધુ જો કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવીએ તો કોઇને પણ કોરોનાનો ચેપ લાગી શકે.ખાનગી પ્રેકટિસ કરનાર સ્ત્રી રોગ નિષ્ણાંત અને જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટીયુટના પ્રમુખ ડો.કલ્પના ખંઢેરિયાએ પણ સરકારી કોવિડ હોસ્પિટલની શ્રેષ્ઠ સારવાર લઇ કોરોનાને મ્હાત આપી છે. ડો.કલ્પના ખંઢેરિયા કહે છે કે હું કેટલાક લોકોના સંપર્કમાં હતી તેઓને કોરોના પોઝીટીવ આવતા મેં પણ મહાનગર પાલિકાના આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જયા મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી સારવાર માટે સરકારી કોવિડ હોસ્પિટલમાં હું પાંચ દિવસ રહી હતી. અહીં મને ઉતમ સારવાર આપવામાં આવે છે. આપણી એવી માનસિકતા છે કે, ખાનગી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર અને સુવિધા હોય છે. પરંતુ હકીકત એવી નથી.