Abtak Media Google News

કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મામલે સુપ્રીમમાં સુનાવણી 

કલમ 370ને હટાવવાના નિર્ણયને પડકારતી અરજી ઈ સુનાવણી શરૂ થઇ ગઈ છે. બુધવારે શરૂ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બંને પક્ષે દલીલો સાંભળી એક સવાલ કર્યો હતો કે, શું દેશની આઝાદીના 70 વર્ષ બાદ પણ કલમ 370ની જરૂરિયાત ઉભી છે? એકતરફ ભારતની અખંડીતતાના દાખલા આપવામાં આવે છે, સાર્વભૌમત્વની વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ હજુ પણ કલમ 370ની જરૂરિયાત હોય તેવું દર્શાવવામાં આવે છે.

સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે કલમ 370 નાબૂદ કરવા અને અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજનને પડકારતી અરજીઓની સુનાવણી શરૂ કરી રહી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અરજદારો તરફથી દલીલો કરી હતી કે કલમ 370 હવે “અસ્થાયી જોગવાઈ” નથી અને જમ્મુ અને કાશ્મીરની બંધારણ સભાના વિસર્જન પછી તે કાયમી છે.

ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્રના 5 ઓગસ્ટ, 2019ના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી શરૂ કરી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તનો પણ સમાવેશ થાય છે. કોર્ટે અરજદારોના મુખ્ય વકીલ સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલને પૂછ્યું કે એક જોગવાઈ (કલમ 370), જેનો બંધારણમાં ખાસ ઉલ્લેખ અસ્થાયી જોગવાઈ તરીકે કરવામાં આવ્યો હતો, તે 1957માં જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાની મુદત પૂરી થયા પછી અમલમાં આવી. તો તે કેવી રીતે કાયમી હોઈ શકે છે?

સિબ્બલે દલીલ કરી હતી કે કલમ 370 નાબૂદ કરવા માટે સંસદ પોતાને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા તરીકે જાહેર કરી શકતી નથી કારણ કે બંધારણની કલમ 354 સત્તાના આવા ઉપયોગને અધિકૃત કરતી નથી. તેમણે કહ્યું કે કલમ 370ની કલમ 3ની સ્પષ્ટ શરતો દર્શાવે છે કે કલમ 370ને હટાવવા માટે બંધારણ સભાની ભલામણ જરૂરી હતી. સિબ્બલે દલીલ કરી હતી કે બંધારણ સભાના વિસર્જનને ધ્યાનમાં રાખીને આ જોગવાઈને રદ કરી શકાય નહીં. આ મુદ્દે આજે પણ સુપ્રીમમાં સુનાવણી ચાલુ રહેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.