Abtak Media Google News

ખાનગી સંપત્તિમાં થયેલી નુકસાનીની ભરપાઈ પેટે આરોપીઓ પાસેથી પાઈ-પાઈની વસુલાત કરાશે

હરિયાણામાં કોમી હિંસાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હાલ સુધીમાં 6 લોકોના મોત નીપજ્યા છે, ખાનગી અને સરકારી સંપત્તિને નુકસાની થઇ છે. જે મામલે હાલ સુધીમાં કુલ 166 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં સોશિયલ મીડિયાના વાયરલે જ કોમી એકતામાં વાયરસ ફેલાવ્યાંનું સામે આવ્યું છે. લોકો સમજ્યા વિના સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા હોય છે જેના લીધે ભારે તંગદિલીની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ થોડા દિવસો પૂર્વે કોમી હિંસાના બનાવો બન્યા હતા. જેમાં પણ ક્યાંક સોશિયલ મીડિયાનો વાયરસ જ જવાબદાર હતો. ઉપરાંત ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં પણ સોશિયલ મીડિયાનો વાયરસ જ જવાબદાર હતો.

નૂહ અને ત્યારબાદ હરિયાણાના અન્ય કેટલાક જિલ્લાઓમાં હિંસા અને તોફાન બાદ રાજ્યની મનોહર લાલ ખટ્ટર સરકાર હવે એક્શનમાં છે. ખટ્ટર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ હિંસા દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ બદમાશો પાસેથી પાઇ પાઇ વસૂલ કરીને કરવામાં આવશે. સોમવારે નૂહથી શરૂ થયેલી આ સાંપ્રદાયિક હિંસા પછી, સીએમ મનોહર લાલ ખટ્ટરે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઘણી મહત્વપૂર્ણ વાતો કહી હતી. સીએમએ કહ્યું કે જે લોકો આ હિંસા માટે જવાબદાર છે તેમને ખાનગી સંપત્તિના નુકસાન માટે જવાબદાર ગણવામાં આવશે. જો કે, તેમણે કહ્યું છે કે આ હિંસામાં કોઈપણ સાર્વજનિક સંપત્તિને જે નુકસાન થયું છે તેની જવાબદારી સરકાર લેશે.

સીએમ ખટ્ટરે કહ્યું કે અમે એક એક્ટ પસાર કર્યો છે જેના હેઠળ સરકાર સરકારી સંપત્તિના નુકસાનની ભરપાઈ કરશે. પરંતુ જ્યાં સુધી પ્રાઈવેટ પ્રોપર્ટીનો સવાલ છે, જેઓ તેના માટે જવાબદાર છે તેમણે આ નુકસાનની ભરપાઈ કરવી પડશે. સીએમ ખટ્ટરે પણ ટ્વીટર પર કહ્યું કે આ ઘટનામાં સામેલ દરેક પીડિતને ન્યાય આપવામાં આવશે. રમખાણો દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ તોફાનીઓએ કરવી પડશે અને તેના માટે તેમની પાસેથી પૈસા વસુલવામા આવશે.

મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં સાંપ્રદાયિક હિંસામાં બે હોમગાર્ડ સહિત છ લોકો માર્યા ગયા હતા અને આ કેસોમાં 166 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે નૂહ અથડામણ પછી અન્ય સ્થળોએ હિંસાની ઘટનાઓ નિયંત્રણમાં આવી ગઈ છે અને સ્થિતિ હવે સામાન્ય છે. ઉલ્લેખનીય બાબત છે કે, હરિયાણામાં થયેલી હિંસામાં સોશિયલ મીડિયાનો વાયરસ સૌથી વધુ જવાબદાર પરિબળ હતું. મુખ્યમંત્રીએ આ બાબતને ટાંકીને જણાવ્યું હતું કે, ઘણીવાર સરકાર આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ સુધી પહોંચે તે પહેલા જ તેની ગંભીર અસર પડી ચુકી હોય છે. જેના લીધે સરકાર યોગ્ય કાર્યવાહી કરી શકતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.