પોઝિટિવ કેસથી ડરો નહીં, “પોઝિટિવિટી” જાળવી રાખો: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે વેકસીનનો બીજો ડોઝ લીધો હતો.જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમનની પરિસ્થિતિ તેમજ રસીકરણ ઝુંબેશ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ સૌને અપીલ કરતાં કહ્યું હતું કે, આપણે પોઝીટીવ કેસથી ડરવાની જરૂરિયાત નથી પરંતુ પોઝિટિવિટી જાળવી રાખવાની જરૂરિયાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદનના અનેક મતલબ નીકળી રહ્યા છે. જે રીતે અગાઉ અમુક રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વેક્સિનેશનની સપ્લાયમાં કેન્દ્ર દ્વારા રાજકારણ રમાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગુજરાતની વસ્તી મહારાષ્ટ્રથી 50 ટકા છે છતાં પણ રસીનો મોટો જથ્થો ગુજરાત મોકલાઈ રહ્યો છે, જ્યારે મહારાષ્ટ્રમાં અછત વર્તાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ સંકેત આપતાં કહ્યું હતું કે, અમે વેકસીનેશન ડ્રાઈવમાં કોઇ સાથે ભેદભાવ કરી રહ્યા નથી. જે રીતે જથ્થો ઉપલબ્ધ થઈ રહ્યો છે તે અનુસાર અને રાજ્યોની વસ્તી તેમજ કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખીને  રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. અમે નિસ્વાર્થ પણે માનવસેવા કરવામાં માનીએ  છીએ. હાલ દેશને એક તાંતણે બાંધીને આ ઝુંબેશ ચલાવવાનો સમય છે તેવા સમયે જેને રાજકારણ રમવું હોય તે રમી શકે છે પરંતુ અમે સેવા કરતા આવ્યા છીએ અને આગળ પણ માનવ સેવા કરીશું.

વધુમાં વધુ ટેસ્ટ થકી પોઝિટિવ દર્દીઓને ‘ટ્રેક’ કરવા જરૂરી: વડાપ્રધાન મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના કોરોનાની અનિયંત્રિત ગતિ અને ઘણા રાજ્યોમાં સંક્રમણ રોકવા માટે લાદવામાં આવેલા નાઇટ કર્ફ્યુ વચ્ચે સાંજના સાડા છ વાગ્યે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદી દેશના કોવિડ -19 કટોકટી અને રસીકરણ અંગે તમામ રાજ્યોના સીએમ સાથે ચર્ચા કરી હતી. બે દિવસ પહેલા પીએમ મોદીએ કોરોના સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં પીએમ મોદીએ અધિકારીઓને કોરોના રોકવા કડક પગલા ભરવાની સૂચના આપી હતી. વડાપ્રધાન મોદીએ એવા સમયે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી જ્યારે એક જ દિવસમાં કોરોનાના 1.25 લાખથી વધુ રેકોર્ડના અહેવાલ છે.  ગયા શુક્રવારે કેબિનેટ સચિવ, રાજીવ ગૌબા સાથે યોજાયેલી બેઠકમાં, રોજિંદા વધતા જતા મામલા અને દૈનિક મૃત્યુને કારણે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંદીગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, તમિળનાડુ છે. દિલ્હી અને હરિયાણાને ગંભીર ચિંતાના રાજ્યો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હાલ પૂર્ણ સંક્રમણ સામે લડવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ આ ત્રણ મુખ્ય પાસાઓ છે. જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખૂબ જ જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, આપણે વેક્સિનેશન ઝુંબેશ પણ ખૂબ ઝડપે ચલાવી રહ્યા છે. તેવા સમયે હવે સંપૂર્ણ તકેદારી સાથે દેશમાં સંક્રમણને અટકાવવાની તાતી જરૂરિયાત છે. ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉની લહેર કરતાં પણ ખૂબ વધુ ઝડપે કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે તંત્ર અને સરકાર માટે આ એક મોટો પડકાર બનીને સામે આવ્યો છે. પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, હજુ બે થી ત્રણ સપ્તાહ સુધી તકેદારી રાખવાની તાતી જરૂરિયાત છે.

કોરોનાના લક્ષણો બદલાતાં વેક્સિન નિષ્ફળ જશે?

દેશભરમાં હાલ કોરોનાવાયરસમાં આવેલા ડબલ મ્યૂટેશનને કારણે સંક્રમણ વધ્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ડબલ મ્યૂટેશનવાળા વાયરસના વેરિયન્ટનું એક સ્વરૂપ યુકેમાં ફેલાયેલા વાયરસના સ્ટ્રેનને મળતું આવે છે, જ્યારે બીજું સ્વરૂપ અમેરિકાના કેલિફોર્નિયામાં ફેલાયેલા વાયરસ પ્રકારનું હોઇ શકે. કોરોનાવાયરસના સ્પાઇક પ્રોટીન એટલે કે માનવકોષ સાથે જોડાવા માટે બનેલા એના પ્રોટીન બંધારણમાં આવેલા આ બદલાવને કારણે એ ખૂબ ઝડપથી ફેલાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે પણ હજુ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી અને એ વાત પણ સ્વીકારી નથી કે આ બન્ને કારણે ભારતમાં કોરોનાના કેસમાં આકાશી ઉછાળો આવ્યો છે, પરંતુ એનો અભ્યાસ ચાલી રહ્યો છે. હાલ સ્થિતિ એ છે કે સ્પાઇક પ્રોટીન બદલાયું હોવાથી માનવશરીરની રોગપ્રતિકારક શક્તિને કારણે બની રહેલા એન્ટિબોડીને થાપ આપવામાં આ પ્રોટીન સફળ રહે છે અને ખૂબ તેજ ગતિથી શરીરમાં

ફેલાઈ જાય છે. આ કારણોસર ઘણીવાર દર્દીઓને તાવ પણ શરુઆતના તબક્કામાં આવતો નથી અને એનાં લક્ષણો બદલાય છે. હવે આ સ્થિતિમાં સ્પાઇક પ્રોટીન બદલાયું હોવાથી કોરોના સામેની રસીના પ્રોટીનના બંધારણમાં પણ બદલાવ લાવવા પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એ ચોક્કસપણે કહી શકાય નહીં કે હાલ જે રસી અપાઇ રહી છે એ નિષ્ફળ નીવડશે, પરંતુ જો આ બે વેરિયન્ટની ચોક્કસાઇ થઇ જાય તો રસીમાં પણ આવશ્યક ફેરફાર કરવા પડી શકે છે. જોકે એક આશાનું કિરણ એ છે કે યુકે સ્ટ્રેન આવ્યો હોવા છતાં બ્રિટિશ સરકારે રસીકરણ તેજ બનાવીને એની સામે લડતમાં સફળતા મેળવી છે. એ જ વ્યૂહ અપનાવીને ભારત પણ આગળ ચાલી શકે છે. રસીકરણ વાયરસને રોકવા માટેનું મોટું હથિયાર હોવાથી જેટલું બને એટલું મહત્તમ રસીકરણ થાય એ પણ જરૂરી છે