શું બીજો ડોઝ ખતરનાક?: રસીની આડ-અસરો શું?

રસીની રસ્સાખેંચ!!! 

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરી દેવામાં આવી છે. ત્યારે પ્રથમ ડોઝ લઈ ચૂકેલા લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે કે શું કોરોના રસીનો બીજો ડોઝ પ્રથમ ડોઝ કરતાં વધુ ખતરનાક હશે? પ્રથમ ડોઝ લીધા બાદ અનેક લોકોને આડઅસરોનો સામનો કરવો પડી રહ્યો છે.તેવા સમયે બીજો ડોઝ શું પ્રથમ ડોઝ કરતા વધુ આડઅસરોને નોતરૂ આપશે કે કેમ ? તે અંગે હાલ લોકો મૂંઝવણમાં મુકાયા છે.

અગાઉ પ્રથમ ડોઝ લીધા બાદ લોકોને તાવ, કળતર, માથાનો દુ:ખાવો સહિતની આડ અસરો જોવા મળી હતી. ત્યારે હવે  બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે તેવા સમયે હવે લોકો રસીની આડઅસરો વિશે ચિંતિત છે.રસીનો બીજો ડોઝ લીધા બાદ મહિલાઓએ પુરુષોની સાપેક્ષે વધુ આડઅસરોનો સામનો કરવો પડી રહ્યો છે તેવી બાબત પણ સામે આવી છે. ત્યારે મહિલાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે કે શું પ્રથમ ડોઝથી પણ વધુ આડઅસરો બીજો ડોઝ લીધા બાર જોવા મળશે? મહિલાઓમાં ચિંતાનો વિષય એ પણ છે કે, પુરુષોની સાપેક્ષે મહિલાઓના શરીરમાં બમણું એન્ટીબોડી ઉત્પાદિત થતું હોય છે ત્યારે તું મહિલાઓને એલર્જી સહિતની આડ અસરોનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે કે ખરેખર રસીનો બીજો ડોઝ લીધા બાદ કેટલી આડઅસરોનો સામનો કરવો પડશે પરંતુ હાલ આ બાબતે વિશ્વભરમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

પહેલા રસીથી ‘ગભરાટ’ હવે સ્ટોક ‘ખલ્લાસ’!!!

યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીના આંકડા અનુસાર રાજ્યો પાસે હવે ફક્ત પાંચ દિવસ જ ચાલે તેટલો જ રસીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ આગામી એક સપ્તાહ સુધી ચાલે તેટલો રસીનો જથ્થો મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. નોંધનીય બાબત છે કે, આંધ્રપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં હવે ફક્ત બે દિવસ ચાલે તેટલો જ રસીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ રસીના  કુલ 19.6 મિલિયન ડોઝ ઉપલબ્ધ છે. જે આશરે પાંચ દિવસ સુધી ચાલી શકે છે. સરકાર દ્વારા વધુ 24.5 મિલિયન રસીનો જથ્થો કે જે એક સપ્તાહ સુધી ચાલી શકે તેટલો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, પરંતુ હાલ એ બોર્ડર કેટલા સમયે મળશે તે અંગે કોઈ પણ માહિતી જાહેર કરવામાં આવી નથી. ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો આશરે છ દિવસ સુધી ચાલે તેટલો  જથ્થો હાલ ગુજરાત સરકાર પાસે ઉપલબ્ધ છે. ગુજરાત સરકારને કુલ 1,05,19,330રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાંથી 84,65,990 રસીના ડોઝ લોકોને આપી દેવામાં આવ્યા છે. હાલ રાજ્ય સરકાર પાસે 20,53,340 જેટલા ડોઝ ઉપલબ્ધ છે. દરરોજ આશરે 3,49,645 જેવા રસીના ડોઝ રાજ્યમાં આપવામાં આવે છે જેના આધારે જો સરેરાશ કાઢવામાં આવે તો રાજ્ય સરકાર પાસે છ દિવસ સુધી ચાલી શકે તેટલો જ જથ્થો ઉપલબ્ધ છે. નોંધનીય બાબત છે કે, હજુ રાજ્ય સરકારે કોઈ નવો ઓર્ડર આપેલો નથી જેથી આગામી સમયમાં રસી ઉપલબ્ધ થશે કે કેમ તે અંગે પણ સવાલો ઉદભવી થઈ રહ્યો છે.