Abtak Media Google News

આકાશની અટારીમાથી ઉષાએ પોતાનું મોં બહાર કાઢ્યું ત્યારે આચાર્ય દ્રોણ પોતાના છાત્રોને જીવન શિક્ષણ આપી રહ્યા હતા. માન સરોવરની આસપાસ જેમ હંસતી પંકિત બેસે એમ આચાર્ય દ્રોણની આસપાસ વિદ્યાર્થીઓ બેઠા હતા. અધ્યયનનો પ્રારંભ કરતાં આચાર્ય દ્રોણે કહ્યું; છાત્રો આજે આ સુત્ર કરી લાવો. “ક્રોધ નહિ, ક્ષમા કર !’ આ મિનાક્ષરી સૂત્ર છાત્રો ગોખવા મંડી પડયા પૂરો અર્ધો કલાક પણ નહિ થયો હોય ત્યાં ભીમ ઉભો થયો. નમન કરીને કહ્યુંં, ‘ગુરૂ દેવ ! પાઠ આવડી ગયો છે, કંઠસ્થ પણ થઈ ગયો છે, કહો તો બોલી જાઉં.

  • ‘ક્રોધ નહિ ક્ષમા કર’

તે પછી અર્જુન, દુર્યોદય એમ એક પછી એક છાત્રો આવતા ગયા અને શુધ્ધ વાણીમાં સ્પષ્ટ સૂત્ર બોલી પોત પોતાને સ્થાને ગોઠવાઈ ગયા, પણ આ શું ! સૌથી તિવ્ર મેઘાવી ધર્જ્ઞરાજ યુધ્ધિષ્ઠિર તો આજ ઉઠતા જ નથી ! શુ એમને ટુકું સુત્ર પણ નથી આવડતુ ? શું એમની બુધ્ધીના ચંદ્રને જડતાનો રાહુ ગળી ગયો !

આકાશની ઉષા યુધ્ધિષ્ઠિરની પ્રજ્ઞા પર સ્મિત કરી ચાલી ગઈ, બાળસૂર્ય ઉભો ઉભો યુધ્ધિષ્ઠિરના આ અધ્યયનની રીત જોઈ રહ્યો. ગુરૂ એ હાક મારી યુધ્ધિષ્ઠિર પાઠ આવડ્યો કે ? તુષાર ધવલ સ્મિત કરી યુધ્ધિષ્ઠિરે કહ્યું કહ્યું; ના ગુરૂ દેવ ! પાઠ હજી નથી આવડ્યો.

મીઠો ઠપકો આપતા ગૂરૂ દેવે કહ્યું, આટલું નાનું સુત્ર પણ નથી આવડતું ? જા જલ્દી કરી લાવ, સૂર્ય તો આગળ વધી રહ્યો હતો, મધ્યાહન થવા આવ્યો પણ યુધ્ધિષ્ઠિર તો સુત્રને રટે જ જાય છે.ગૂરૂ દેવે ફરી વાર પૂછયું, ‘કેમ યુધ્ધિષ્ઠિર ! હજુ કેટલીવાર છે ? અતિ નમ્રતાથી નમન કરી યુધ્ધિષ્ઠિરે જવાબ વાળ્યો; ના ગૂરૂ દેવ ! હજુ પાઠ પૂરો થયો નથી.

આ સાંભળી ગૂરૂ  કંટાળી ગયા . રે ! આવો તેજસ્વી વિદ્યાર્થી આવો જડ કેમ ? સૌથી મોખરે રહેનાર સૌથી પાછળ કેમ? આચાર્યથી ન રહેવાયું. સાંજ પડવા આવી હતી, એટલે યુધ્ધિષ્ઠિરનો કાન પકડી એક હળવો તમાચો મારતા કહ્યું ‘પાઠ હજી નથી આવડ્યો ? ‘તેજ પળે એવી જ નમ્રતાથી યુધ્ધિષ્ઠિરે કહ્યું: ગૂરૂ દેવ ! પાઠ આવડી ગયો. પ્રયોગ પૂરો થયો. દૂર્યોધન દૂર ઉભો ઉભો મનમાં મલકાતો વિચાર કરી રહ્યો હતો; સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે ધમ ધમ,

સંધ્યાનો રંગ ગૂરૂ ની ઉજજવલ દાઢીને ગુલાબી રંગે રંગી રહ્યો હતો. ત્યારે યુધ્ધિષ્ઠિરના નયનોમાંથી ક્ષમા નિતરી રહી હતી. વાત્સલ્યથી યુધ્ધિષ્ઠિરના મસ્તક પર હાથ ફેરવતાં ગૂરૂ એ પૂછયું : ‘વત્સ ! થોડા વખત પહેલા તે પાઠ ન હોતો આવડતો અને હવે એકદમ કેવી રીતે આવડી ગયો?

યુધ્ધિષ્ઠિરે કહ્યું, ગૂરૂ દેવ આપે કહ્યું કે ‘ક્રોધ નહિ ક્ષમાકર.’ પણ ક્રોધનો પ્રસંગ આવ્યા વિના મને શીખબર પડે કે મેં ક્રોધ નથી કર્યો અને ક્ષમા રાખી છે ! અત્યારે જયારે આપે તમાચો માર્યો તોય મને ક્રોધ નથી થયો અને ક્ષમા જ રહી છે એટલે આ પ્રયોગ દ્વારા મને લાગ્યું કે હવે મને પાઠ આવડયો છે. આ જીવન શિક્ષણથી દ્રોણ યુધિષ્ઠિરને વાત્યલ્યથી ભેટી પહયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.