Abtak Media Google News

પ્રી-પેકેજ અને પ્રી-લેબલવાળા અનાજ, કઠોળ અને અન્ય ખાદ્યાન્ન પર આજથી 5% જીએસટી લાગશે, પણ 25 કિલોથી વધુના પેકીંગ ઉપર જીએસટી નહિ લાગે: સરકારની સ્પષ્ટતા

પ્રી-પેકેજ અને પ્રી-લેબલવાળી ખાદ્ય ચીજો જેવી કે કઠોળ, ચોખા, લોટ, ઘઉં સહિત તમામ અનાજ પર 5% જીએસટી લાદવામાં આવ્યો છે. આજ સુધી આ સામાન જીએસટીના દાયરાની બહાર હતા.  આજથી આને જીએસટીમાં સમાવી લેવામાં આવ્યા છે. જેને લઈને વેપારીઓમાં વિરોધ વંટોળ ઉઠ્યો છે. જો કે, સરકારે સ્પષ્ટતા કરી છે કે જો આવી વસ્તુઓ 25 કિલોથી વધુની બોરીઓ કે ગુણીઓ ઉપર જીએસટી લાગુ થવાનું નથી. માત્ર 25 કિલોથી ઓછા વજનના પેકિંગમાં જ જીએસટી લાગુ થશે.

ચંદીગઢમાં જીએસટી કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં ઘણી વસ્તુઓ પર જીએસટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  આ સાથે અનેક વસ્તુઓ પર જીએસટીના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. આ દરો 18મી જુલાઈ એટલે કે આજથી લાગુ થઈ ગયા છે.  તેના અમલ બાદ આજથી ઘણી ખાદ્ય ચીજો મોંઘી થઈ જશે.  આમાં લોટ, ચીઝ અને દહીં જેવા પ્રીપેકેજ અને લેબલવાળા ખોરાકનો સમાવેશ થાય છે.  ખાસ કરીને, સરકારને કઠોળ, ચોખા, લોટ, ઘઉં અને અન્ય અનાજ જેવી બ્રાન્ડ વિનાની ખાદ્ય ચીજો પર જીએસટી લાદવા અંગેના અનેક મેમોરેન્ડમ મળ્યા હતા.  આ જ કારણ છે કે સરકારે આ અંગે સ્પષ્ટતા જાહેર કરી છે.

કેન્દ્રીય નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ તરફથી જીએસટી ઓન પ્રીપેકેજ્ડ એન્ડ લેબલ શીર્ષક ધરાવતા એફએક્યુમાં આ સ્પષ્ટતા કરવામાં આવી છે.  જેમાં જણાવાયું છે કે જો કઠોળ, લોટ, ચોખા જેવી ખાદ્ય ચીજોનું પેકિંગ લીગલ મેટ્રોલોજી એક્ટ, 2009 મુજબ કરવામાં આવે છે અને તે પેકિંગનું વજન 25 કિલોથી વધુ છે, તો તેના પર જીએસટી લાગુ થશે નહીં.

જો 25 કિલોની બોરીની અંદર 5-10  કિલોના પેકીંગ હશે તો જીએસટી લાગશે

સરકાર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો એક બોરીમાં 5-5 કિલો અથવા 10-10 કિલોના પેક મુકવાથી આખી બોરીનું વજન 25 કિલોથી વધી જાય તો તેને જીએસટી માંથી મુક્તિ નહીં મળે.  એટલે કે, એક પેકિંગનું વજન 25 કિલોથી વધુ હોવું જોઈએ, તો જ છૂટ મળશે.

શું મોંઘું થયું?

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી ૠજઝ કાઉન્સિલની તાજેતરની બેઠકમાં કેનમાં કે પેકેજ્ડ અને લેબલવાળી (ફ્રોઝન સિવાય) માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન, વટાણા, ઘઉં અને અન્ય અનાજ અને પફ્ડ ચોખા જેવા ઉત્પાદનો પર 5% જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો.   તેવી જ રીતે, ટેટ્રા પેક અને બેંક દ્વારા જારી કરાયેલા ચેક પર 18 ટકા જીએસટી અને એટલાસ સહિતના નકશા અને ચાર્ટ પર 12 ટકા જીએસટી વસૂલવામાં આવશે.  5,000 રૂપિયાથી વધુ ભાડાવાળા હોસ્પિટલના રૂમ પર પણ જીએસટી ચૂકવવો પડશે.  આ ઉપરાંત, 1000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાની હોટલના રૂમ પર 12 ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.  જોકે, ખુલ્લામાં વેચાતી અનબ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર જીએસટી મુક્તિ ચાલુ રહેશે. ’પ્રિંટિંગ/ડ્રોઈંગ શાહી’, તીક્ષ્ણ છરીઓ, કાગળ કાપવાની છરીઓ અને ’પેન્સિલ શાર્પનર્સ’, એલઈડી લેમ્પ્સ, ડ્રોઈંગ અને

માર્કિંગ પ્રોડક્ટ્સ પર ટેક્સના દરો વધારીને 18 ટકા કરવામાં આવ્યા છે.  સોલાર વોટર હીટર પર હવે 12 ટકા જીએસટી લાગશે જે અગાઉ પાંચ ટકા ટેક્સ હતો.  રોડ, બ્રિજ, રેલ્વે, મેટ્રો, વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્મશાનગૃહ માટેના વર્ક કોન્ટ્રાક્ટ પર હવે 18 ટકા જીએસટી લાગશે જે અત્યાર સુધી 12 ટકા હતો.

કઈ વસ્તુઓ સસ્તી થઈ?

રોપવે અને ચોક્કસ સર્જીકલ સાધનો દ્વારા માલસામાન અને મુસાફરોના પરિવહન પર ટેક્સનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે.  અગાઉ તે 12 ટકા હતો.  માલસામાનની હેરફેર માટે વપરાતા ટ્રક અને વાહનો પર હવે 12 ટકા જીએસટી લાગશે.  અગાઉ આ દર 18 ટકા હતો.  તેવી જ રીતે, બાગડોગરાથી ઉત્તર-પૂર્વીય રાજ્યોની હવાઈ મુસાફરી પર જીએસટી મુક્તિ હવે ’ઈકોનોમી’ વર્ગ સુધી મર્યાદિત રહેશે. બેટરીવાળા કે વગરના ઇલેક્ટ્રિક વાહનો પર છૂટછાટમાં 5% જીએસટી ચાલુ રહેશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.