Abtak Media Google News

રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને અપાતી

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયો નવો નિર્ણય: તબીબી આર્થિક સહાયના બિલની ચુકવણી કરતા પહેલા કર્મચારી કે અધિકારી પાસે એફિડેવીટ લેવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકાની અલગ-અલગ શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમ મુજબ તબીબી આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જેમાં હવે ડબલ ટ્રેકીંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તબીબી આર્થિક સહાય મંજૂર કરાયા બાદ વહિવટી મંજૂરી આપ્યા પછી જ્યારે બિલની ચુકવણી કરવામાં આવે ત્યારે ફરજીયાતપણે એફિડેવીટ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તબીબી આર્થિક સહાયની તમામ સાત દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી અને હવે પછી દર બે મહિને આ પ્રકારના દરખાસ્તો મોકલવા કમિશનરને સૂચના આપવામાં આવી છે.

હાલ કર્મચારીઓ અને અધિકારીઓ કે તેમના પરિવારના કોઇ સભ્યએ બિમારી સબબ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો તેઓને સારવારનો ખર્ચ નિયમ મુજબ ચુકવવામાં આવે છે. અત્યાર સુધી તબીબી આર્થિક સહાયના કેસમાં અધિકારીઓ દ્વારા અરજદાર પાસે આયુષ્યમાન કાર્ડ કે મેડિક્લેઇમ નથીને તે જોવામાં આવતું હતું. દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તબીબી આર્થિક સહાયના બિલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવે અને ત્યાર પછી મ્યુનિ.કમિશનર દ્વારા તેને વહિવટી મંજૂરી અપાઇ ત્યારે અથવા બિલની ચુકવણી કરવામાં આવે ત્યારે કર્મચારી પાસેથી ફરજીયાત એફિડેવીટ લેવાનું રહેશે. જેમાં કર્મચારી કે અધિકારી એવી કબૂલાત આપવી પડશે કે તેઓએ તબીબી સહાય માટે જે બિલ રજૂ કર્યું તે માટે આયુષ્યમાન કાર્ડ કે મેડિક્લેઇમનો લાભ લીધો નથી. ડબલ ટ્રેકીંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સાથોસાથ હવે દર વખતે આ પ્રકારની સહાયતા માટેની દરખાસ્ત મોકલવાના બદલે બે મહિને દરખાસ્તો મોકલવા તાકીદ કરવામાં આવી છે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસે બનનારા લાયન સફારી પાર્ક વિસ્તારમાં કાંટાળી તારની ફેન્સીંગ કરવા માટે રૂ.23.64 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે વોર્ડ નં.18માં કોઠારિયા રોડ પર તિરૂપતિ સોસાયટીના ગેઇટ પાસેના પબ્લીક ટોયલેટના ઓપરેશન અને મેઇન્ટેન્શનનો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવાયો છે. અલગ-અલગ શાખાના કર્મચારીઓને તબીબી સહાય પેટે રૂ.14.24 લાખ મંજૂર કરાયા છે.

સિનિયર સિટીજનોએ પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ મેળવવા હવે દર વર્ષે નહિં ત્રણ વર્ષે પૂરાવા રજૂ કરવા પડશે

નિયમ મુજબ 65 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. જેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુક્તિ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકોએ દર વર્ષે પૂરાવા આપવા પડતા હતા અને હયાતીની ખાતરી આપવી પડતી હતી. હવે દર ત્રણ વર્ષે પૂરાવા રજૂ કરવાના રહેશે. તેવી જાહેરાત આજે મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે સિનિયર સિટીઝનોએ પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ મેળવવા માટે દર વર્ષે પૂરાવા આપવા પડતા હતા. જેના કારણે તેઓએ હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે અવાર-નવાર રજૂઆતો પણ મળી હતી. જેને ધ્યાનમાં

રાખી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 65 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ હવે દર વર્ષે વ્યવસાય વેરામાંથી મુક્તિ મેળવવા હયાતીની ખરાઇ કરાવવી પડશે નહિં. ત્રણ વર્ષે એકવાર ખરાઇ કરાવવાની રહેશે. આ જોગવાઇ હેઠળ સ્વતંત્ર વ્યવસાય કે એક હથ્થુ માલિકીની પેઢીને લાગૂ પડશે. જો કોઇ સિનિયર સિટીઝનનું અવસાન થાય કે ધંધો બંધ કરવો પડે અથવા સ્થળાંતર કરવાનું થાય તો નોંધણી રદ્ કરાવવાની જવાબદારી અરજદાર કે તેના વારસદારોની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.