Abtak Media Google News

ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, સેનિટરી પેડ મશીન ઈન્સ્ટોલેશન, ‘સ્વચ્છ ભારત’ અભિયાનમાં રાષ્ટ્રીય સ્તરે વિજેતા બનવા સહિતની ઉત્તમ કામગીરી કરેલ

સમય સાથે બદલાતી પેઢીઓમાં વિચારોનું સિંચન કરનાર અને સામાન્યમાંથી વિશેષ વ્યક્તિત્વનુ સર્જન કરનારા વ્યક્તિ એટલે શિક્ષકો. રાજ્ય સરકાર દ્વારા આવા અનેક શિક્ષકોને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન બદલ અને તેમની સુપેરી કામગીરી માટે “શ્રેષ્ઠ શિક્ષક” નો એવોર્ડ શિક્ષક દિનના પ સપ્ટેમ્બર આપવામાં  આવે છે. આ એવોર્ડ રાજકોટની  સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં ડો.સોનલબેન ફળદુને મળેલ છે. આ સન્માન બદલ રાજય સરકારનો આભાર માનતા ડો.સોનલબેન ફળદુ જણાવે છે કે, તેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે છેલ્લા બે દાયકાથી જોડાયેલ છે, તેમાં પણ પ્રારંભિક સમય શિક્ષણ સાથે 2001-2008 થી જોડાઈને રજાના દિવસોમાં તેઓ જે દીકરીઓ અભ્યાસ ન કરતી તેઓના ઘરે જઈને સમજાવી અને તેને પ્રોત્સાહિત કરીને શાળા સુધી પહોંચાડતા હતા. આ પ્રકલ્પ હેઠળ તેઓએ ગુજરાત યુવા પરિષદ સાથે જોડાઈને પોતાની કામગીરી કરી હતી.

ત્યારબાદ તેઓએ રાજકોટમાં ચૈતન્ય બાલ વિકાસ કેન્દ્રોનું પણ શુભારંભ કરાવ્યો હતો જેના દ્વારા રાજકોટ શહેરની વિવિધ ઝૂંપડપટ્ટીનાં બાળકો અભ્યાસ કરતા થયા. તેઓએ બે દાયકામાં વિવિધ કામગીરી સાથે અનેક એવોર્ડ જીત્યા છે, જેમાં  “બેસ્ટ પ્રિન્સિપાલ” અને  “ઉમા નારી રત્ન પુરસ્કાર”નો સમાવેશ થાય છે. શિક્ષણ ક્ષેત્રના તેમનાં ઝુકાવના લીધે એમ.એ.બી.એડ બાદ તેમણે મહર્ષિ દયાનંદ રચિત “ઋગ્વેદ ભાષ્ય કા વિવેચાત્મક અધ્યયન” પર પીએચ.ડી. કર્યું.   શાળાના શિક્ષણમાં મોટા ફેરફારો લાવી જેમાં તેઓએ શાળાને ડિજિટલ સ્કૂલ તરીકેની ઓળખ અપાવી હતી,

શાળાની બાળકીઓ અને દીકરીઓ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતી હોવાના કારણે તેઓમાં આ વિશે જાગૃતિ કેળવવાના વિચારથી રાજકોટમાં પ્રથમવાર જી.એસ.ટી. ઓફિસ દ્વારા તેમની શાળામાં સેનિટરી પેડનું  વેન્ડિંગ મશીન ઇન્સ્ટોલ કરાવ્યું હતું. અને શાળાના વિદ્યાર્થીઓને વિદેશમાં રહેતા તજજ્ઞો દ્વારા વિદેશમાંથી ડિજિટલ સ્વરૂપે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે  આવે છે. શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વ્યસન અંગે જાગૃતિ કાર્યક્રમ નિયમિત ગોઠવવામાં આવે છે.  તેમના વિદ્યાર્થીઓ “સ્વચ્છ ભારત” અભિયાન અંતર્ગત તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા કાર્યક્રમમાં અને સ્માર્ટ સિટી મિશન અન્વયે રાજ્ય સરકાર દ્વારા 24 કલાક સફાઈ અભિયાન અંતર્ગત વિજેતા બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.