Abtak Media Google News

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈએ તાજેતરમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના મંડલીકપુર, ચુડવા, ખડીયા, કલાણા, છત્રાસા, ડુંગરી, સરદારગઢ, જીંજરી અને પાટણવાવ ગામોની મુલાકાત લઇ, ત્યાંની ગૌશાળા અને ગૌચરની કામગીરી નિહાળી હતી.

વહેલી સવારથી શરૂ થયેલી યાત્રા દરમિયાન ડો. કથીરિયા સાથે ગૌસેવા દ્વારા ગૌશાળા અને ગૌચરનું સુચારૂ સંચાલન કરી આદર્શ પૂરો પાડનાર પ્રખર ગૌ સેવકો વિરજીભાઇ રાદડીયા, હરિસિંહ ઝાલા, જનકસિંહ જાડેજા, કાંતિલાલ ટિલાળા, દિનેશભાઈ, બાબુભાઈ તથા સ્થાનિક ગૌસેવકો જોડાયા હતા.

ડો. કથીરિયા એ જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની ગૌ સવર્ધન માટે શ્રેષ્ઠ સાંઢ તૈયાર કરી અન્ય જરૂરીયાતમંદ ગૌશાળા – ગ્રામ પંચાયતોને સાંઢપૂરા પાડતી  પુરૂષોતમ લાલજી ગૌશાળા તથા તે ગાયના ખાડા ટેકરાવાળી બંજર બની ગયેલી ગૌચર ભૂમિને ભરતી ભરી, સમતલ કરી, ગૌમૂત્ર અને ગોબરયુક્ત ખાતર દ્વારા ફળદ્રુપ  બનાવી. ગૌશાળાની ગાયો માટે જુવાર, મકાઈ, નેપિયર જેવું ઘાસ ઉગાડતા  મોડેલ ગૌશાળા- ગૌચરની મુલાકાતથી પ્રવાસની શરૂઆત કરી. ગૌશાળા – ગૌચર મુલાકાત પ્રસંગે ગામના સરપંચ હરેશભાઈ, ગૌસેવકો મોહનભાઈ, જીગ્નેશભાઈ અને  મુકેશભાઈએ ઉપસ્થિત રહી ગૌસેવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તે રીતે ચુડવા ગામે હરિબાપુએ 200 વીઘામાં ગાંડાબાવળથી છવાયેલા ગૌચરને સાફસુફ કરી આદર્શ ગૌચરનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં આજે નેપિયર ઘાસ લહેરાઈ રહ્યું છે.

ડો. કથીરિયાએ ખડીયા અને કલાણા ગામોની ગૌશાળા સાથે ગૌચર અને ગૌશાળા દ્વારા તૈયાર કરાતા બાયોફર્ટીલાઇઝર પ્લાન્ટની મુલાકાત લઇ, સૌને અભિનંદન પાઠવ્યા હતા. છત્રાસા ગામે શરૂ થયેલી નવી ગૌશાળા માટે કાર્યકરોને અભિનંદન પાઠવી ગૌચર નિર્માણ માટે પ્રેરીત કર્યા હતા. ડુંગરી ગામના સેવાભાવી સેવક દિનેશભાઈના પ્રયાસોથી નિર્મિત અને ગૌસેવકો દ્વારા આદર્શ સંચાલન કરી, બાયોફર્ટીલાઇઝર અને અન્ય ઉત્પાદનો દ્વારા સ્વાવલંબનનું ઉદાહરણ પૂરું પાડતી ગૌશાળા માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. ઉપસ્થિત ગૌસેવકો અને ગૌસેવિકાઓને ગૌસેવાનું માહાત્મ્ય સમજાવ્યું હતું. આ ગૌશાળાના  વૃક્ષાચ્છાદિત કેમ્પસને  “ગૌ ટુરીઝમ” સેન્ટર બનાવવા માટે પ્રેરણા આપી હતી.

આ જ સિલસિલામાં સરદારગઢ અને જીંજરી તેમજ પાટણવાવની મુલાકાત લઇ કાર્યકર્તાઓને અન્ય ગામોમાં પણ આ જ પ્રકારના ગૌશાળા- ગૌચર નિર્માણ માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ગૌચરની બાઉન્ડ્રી પર વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષોના વાવેતર માટે વૃક્ષારોપણ કર્યું હતું.

કોરોના કાળની શિખરૂપે ગૌમાતાના શરણે જઈ વધુમાં વધુ ગૌસેવા, ગૌપાલન, ગૌસંવર્ધન ગૌ આધારિત સ્વાવલંબન અને ગૌચર નિર્માણના કાર્યમાં લાગી જવાનો ડો. કથીરિયાએ પ્રવાસ દરમ્યાન ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.