Abtak Media Google News

જિલ્લામાં 907 જેટલા સંવેદનશીલ બુથ, આવા બુથની કલેક્ટર, એસપી અને પોલીસ કમિશનર વિઝીટ લેશે’

વિધાનસભાની ચૂંટણીને લઇને તંત્ર તૈયારીઓનો ધમધમાટ ચલાવી રહ્યું છે.દરેક વિધાનસભા બેઠકમાં એક મોર્ડન બુથ અને એક મહિલા સંચાલિત બુથ હશે. બીજી તરફ જિલ્લામાં 907 જેટલા સંવેદનશીલ બુથ, આવા બુથની કલેક્ટર, એસપી અને પોલીસ કમિશનર વિઝીટ લેશે.

Advertisement

વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. તંત્ર તેની તૈયારીમાં વ્યસ્ત બન્યું છે. હાલ તંત્ર દ્વારા જિલ્લામાં 907 જેટલા બુથની સંવેદનશીલ બુથ તરીકે ઓળખ કરવામાં આવી છે. આવા બુથ ઉપર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ખુદ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર અને એસપી જાતે આ બુથની મુલાકાત લઈ જરૂરી સુધારા વધારાના આદેશો આપશે.

આ ઉપરાંત સ્ટ્રોંગ રૂમની પણ અધિકારીઓ રૂબરૂ મુલાકાત લેવાના છે. જિલ્લામાં 2255 જેટલા મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકોની અગાઉ મામલતદાર અને પ્રાંત સહિતના અધિકારીઓએ મુલાકાત લઇ લીધી છે. મતદાન મથકોમાં જે કોઈ પ્રાથમિક સુવિધાઓ ઘટતી હોય તે સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે જિલ્લામાં દરેક વિધાનસભા બેઠક દીઠ એક મહિલા સંચાલિત મતદાન મથક હશે. જેમાં તમામ સ્ટાફ મહિલા હશે. આ ઉપરાંત દરેક વિધાનસભા બેઠક દીઠ એક મોર્ડન મતદાન મથક પણ હશે. આ મતદાન મથક અનેકવિધ સુવિધાઓથી સજ્જ હશે.

ગયા વખત કરતા મતદાન 10 ટકા વધે તેવા પ્રયાસો

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે આ વખતે મતદાન અંગે જાગૃતિ લાવવા માટે પુરજોશમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત ચૂંટણીમાં જેટલું મતદાન થયું હતું તેના કરતાં આ વખતે 10 ટકા વધુ મતદાન થાય તેવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો ચલાવાશે

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો ચલાવવામાં આવશે. આ માટે યુનિવર્સિટીઓને પણ સાથે રાખવામાં આવશે. આ ઉપરાંત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોલ સહિતના સ્થળોએ કાર્યક્રમ કરવામાં આવશે જેથી મતદારોમાં જાગૃતિ આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.