Abtak Media Google News

સીસીટીવી ફુટેજ અને મોબાઈલ લોકેશનના આધારે  પોલીસે દસ જ મિનિટમાં  અપહૃતને મુકત કરાવ્યો

એક જ યુવતીનાં પ્રેમના વહેમમાં  રહેલા બે યુવક વચ્ચે  ડખ્ખો થતા  વિદ્યાનગરમાંથી  ચાર શખ્સોએ  બાઈક પર  અપહરણ   કર્યાની પોલીસને જાણ થતા  સીસીટીવી અને   મોબાઈલ લોકેશનના આધારે  લોહાનગરમાંથી ચારેય શખ્સોની ધરપકડ કરી   અપહૃતને મુકત કરાવ્યો છે.

શહેરની ખાનગી લેબોરેટરીમાં નોકરી કરતા યુવકે તેની પૂર્વ પ્રેમિકા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં યુવતીના બીજા પ્રેમીએ તે બાબતનો ખાર રાખી પોતાના ત્રણ મળતિયા સાથે મળી યુવકનું ધોળે દિવસે અપહરણ કર્યું હતું, જોકે પોલીસે દસ જ મિનિટમાં પગેરું મેળવી આરોપીઓને ઝડપી લઇ યુવકને મુક્ત કરાવ્યો હતો.

મોરબી રોડ પરના સત્યમપાર્કમાં રહેતો આશિષ સામતભાઇ જેઠા (ઉ.વ.21) શુક્રવારે બપોરે 11.45 વાગ્યે વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ગ્રીન ક્રોસ લેબોરેટરીમાં નોકરી પર હતો ત્યારે સ્લેટર નિલેશ કુકાવાએ ફોન કર્યો હતો અને આશિષને લેબોરેટરીની બહાર રસ્તા પર આવવાનું કહેતા આશિષ નીચે ઉતર્યો હતો તે સાથે જ સ્લેટર કુકાવા તેના ત્રણ સાગરીતો ધર્મેશ ઉર્ફે ધમો વજેસંગ જાદવ, ચંદ્રદીપસિંહ રઘુવીરસિંહ ઝાલા અને મોસીન ફારૂક મલ્લા સાથે બે સ્કૂટર પર ધસી ગયો હતો અને આશિષને બળજબરીથી એક સ્કૂટર પર બેસાડી ચારેય શખ્સો ભાગ્યા હતા.

આશિષનું અપહરણ કરીને જતા હતા તે વખતે જ સામેથી આશિષનો મિત્ર અને લેબોરેટરીમાં જ સાથે કામ કરતો સિધ્ધરાજસિંહ દિલુભા જાડેજા ત્યાંથી પસાર થયો હતો અને તેને આશિષનું અપહરણ થઇ રહ્યાનું સ્પષ્ટ થતાં સિધ્ધરાજસિંહે પોલીસ ક્ધટ્રોલરૂમને ફોન કરી ઘટનાની જાણ કરી હતી, અપહરણની ઘટના પ્રકાશમાં આવતા એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ભુકણ સહિતની ટીમ હરકતમાં આવી હતી અને મોબાઇલ લોકેશન સહિતની બાબતો પર તપાસ શરૂ કરતા જ આરોપીઓ આશિષને લઇને ગોંડલ રોડ પર લોહાનગરમાં રામાપીર મંદિર પાસે પહોંચ્યા હતા અને આશિષને આરોપીઓ ધમકાવતા હતા તે સાથે જ પોલીસ પહોંચી ગઇ હતી અને આશિષને મુક્ત કરાવી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.

બનાવ અંગે આશિષ જેઠાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને અગાઉ જેની નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતા, પરંતુ દોઢેક મહિનાથી તેની સાથે સંબંધ તોડી નાખ્યા હતા, ત્યારબાદ જેનીએ સ્લેટર કુવાવા સાથે પ્રેમસંબંધ શરૂ કર્યા હતા, જેનીની તેની જ જ્ઞાતિના યુવક સાથે સગાઇ થઇ હોય અન્ય શખ્સ સ્લેટર સાથે સંબંધ નહી રાખવા ફોન કરી ઠપકો આપ્યો હતો અને તે વાતની જાણ થતાં સ્લેટરકુવાવાએ મળતીયાઓ સાથે મળી અપહરણ કર્યું હતું. પોલીસે ચારેય આરોપીઓની આગવીઢબે સરભરા કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.